ભેખને ટેક વર્ણાશ્રમ પાળતા ઉલ્ટો એજ જંજાળ થાએ,
ગાડર આણીએ ઊનને કારણે કાંતેલા કોકડા તેજ ખાએ ભેખ-૧
જે જેવો થઈ રહે સાર તેને કહે એજ આવરણ તણુ રૂ૫ જાણો
જેમ એ ધાલારી તેમએ ધર્મરત તેમાં તે શું નવલુ કમાણો-૨
તજે ત્રણ ઈષણા તે જ વિચક્ષણા જહદાજહદનો મર્મ જાણે,
ભાગને ત્યાગનો ભેદ ગુરૂમુખથી ગ્રહિ પિંડ બ્રહ્માંડ ઉરમા ન આણે-૩
એજ સન્યાસ શ્રીપાત તેણે કરી શ્રીતણુ કૃત્યનવ સત્યદેખે,
ભીક્ષુતો તે ખરા ભ્રમ મનનો તજે સત્યમુક્તાનંદ પ્રભુપેખે-૪
કડી-૧
ભેખને ટેક વર્ણાશ્રમ પાળતા ઉલ્ટો એજ જંજાળ થાએ,
ગાડર આણીએ ઊનને કારણે કાંતેલા કોકડા તેજ ખાએ….. ભેખ
દુનિયા છોડીને ભગવાનને માર્ગે ચાલ્યા પછી ઉલ્ટો જંજાળ ન થવો જોઈએ. ભેખ શા માટે લીધો? ભેખ તો દેહના સુખ છોડવામાટે લેવાનો હોય છે. ભેખ તો ભગવાનને ભજવા માટી લીધો છે. પણ એ બધુ થાય છે કે કેમ? થતું નથી. ભેખમાં આવીને ઉલ્ટાનું ફસાય જવું ન જોઈએ. જો ભેખમાં આવ્યા પછી એવોને એવો દેહભાવ રહેશે તો ઉલ્ટો જંજાળ વધ્યો ગણાશે. ભેખ દેહના સુખ માટે તો નથી લીધો પરંતુ ભેખ લીધા પછી તો દેહ ઉલ્ટો શાલિગ્રામ બની જાય તો જંજાળ થઈ પડી કહેવાય. ભેખ લે, સારી ટેક પાળે અર્થાત્ નિયમ સારા પાળે ત્યારે એવું માને કે આપણે બધાથી સારાને બીજા આપણા જેવા નહિ એવો અહંભાવ આવે એટલે તે પણ જંજાળ થઈ રહે છે, બંધનનું દોરડુ થઈ રહે છે. પેલી જંજાળ છોડી ત્યાં આ બીજી ખુબજ જીણી પણ પેલા કરતાય મજબુત જંજાળ વળગે છે. સંસારીની જંજાલને તો કોઈ સાધુ સંતો મુક્ત કરાવે પણ ખરા. પણ ભેખના અભિમાનને કોણ ઓછું કરી શકે? દ્રાક્ષ એ અમૃત ફળ છે પણ તેમાંથી દારૂ અણ થાય ખરો. તેમ આ ભેખ અને ટેક અમૃત ફળ જેવા છે. પણ તેમાં માન અથવા અભિમાન ભળે તો દારૂના જેવો કેફ ચડાવનારા બની જાય છે “સાક્ષરાઃ વિપરિતાઃ રાક્ષસ : ભવન્તિ’ જન્મ-મરણ પાછા આવીને ઊભા રહે છે. ગાડર પાળે છે પણ તે તેમાંથી ઊન મેળવવા પાળે છે, ઊનમાંથી ધાબળો મેળવવો છે અને તેનાથી ઠંડી દૂર થાય છે. તેમાં ભરવાડ લોકોનું નિર્વાહ ચાલે છે. ત્યાગી થવું એ ખોટુ નથી. ભગવાનને રસ્તે ચાલ્યો છે. જગતના રાગરૂપી ટાઢય દૂર કરવા ચાલ્યો છે. ટેક રાખવી-નિયમ રાખવા તે પણ કાંઈ ખોટા નથી. ભગવાનને માર્ગે આગળ જવાનો જ રસ્તો છે, પણ ભરવાડ ગાડરની ઊન ઉતારી પછી તેને કાંતે છે, કાંતિને તેના દોરા બનાવે છે અને તેને વીંટીને કોકડા(એક પ્રકારના દડા-ફીંડલા) બનાવે છે પરંતુ ભરવાડ કે ભરવાડણ હશે તે કાંતિ કાંતિ ને તૈયાર કરેલા કોકડા પાછળ મુક્તા જાય ને નવું કાંતતા જાય પરંતુ પાછળથી ગાડર આવીને તૈયાર થૌયેલા કોકડા ચાવવા લાગ્યા. બધાજ કોકડા ચાવી દીધા. સ્વામી કહે છે. સંસાર છોડીને ભેખ લીધો સારી ટેક પાળી-નિયમો પાળ્યા વર્ણાશ્રમ વિધિ નિષેધ બરાબર પાલન કર્યા એટલે કાંત્યુતો ઘણુ જ અને કોકડા ઘણા બનાવ્યા પણ તેનો અહં આવ્યો એટલે કાંતેલા કોકડા પોતેજ ચાવવા લાગ્યો ને કામ બડાડી દેવા લાગ્યો. પછી તે ચાવેલા કોકડામાંથી ધાબળો ન થાય ને ઠંડી દૂર ન થાય જ્યારે પોતે કરેલાનો અહં આવ્યો ત્યારે તે ભેખ, ટેક, આશ્રમ કલ્યાણના કામમાં ન આવ્યા કહેવાય. કોકડા ખાવાથી પાછું ગાડર ધરાય ન રહે ઉલ્ટું માંદુ પડે, એ તો વાળ છે જે પેટમાં ઉતારી જાય ત્યારે પોતાને તો ગડબડ થઈ જાય પણ આ તો બીજાને પણ ગડબડ કરી દે છે. ટાઢ્ય તો ઊડે નહિ. પોતાનાને પોતાના વાળ પેટમાં જાય. વાળ એ મળ કહેવાય, અહંકાર મળ છે, તેજ ખાવા લાગે છે. આવી આકરી વાત મુક્તાનંદ સ્વામી જ કહી શકે કારણકે તેઓ સંપૂર્ણ સાધુતાની મૂર્તિ છતાં સંપૂર્ણ અહંકાર શુન્ય હતા. એવી એમની ઊચી સ્થિતિ હતી માટે કહી શકે છે નિયમો શા માટે પાળવાના છે? સામાવાળા કરતાઓ સારા થઈ જવા માટે પાળવાના છે? નિયમો તો મલીનતા જે અંતરનો મેલ ટાળવા માટે પાળવાના હોય છે. સારૂ શા માટે થાવું છે? તો અંતરની નબળાઈ ધોવા માટે અને ભગવાનને રાજી કરવા માટે થાવાનું છે. પણ બીજાને નીચા દેખાડવા કે પાછા પાડવા કે જગતની માન-બડાઈ ખાટી જવા? પણ તેજ નિયમો અંતરમાં મલીનતા-અહંકાર ઊભો કરે, માન, ઈર્ષા, મત્સર, અદેખાઈ, ઊભા કરે તો ગાડર કાંતેલા કોકડા ચાવી જાય તેવું થયું કહેવાય. અહંકાર જ તેને જન્મ-મરણ ઊભા કરે છે જન્મ-મરણ કાઈ બહારથી આવતા નથી. ઠંડી દૂર કરવા કોકડા ચાવવા ન લાગી જવાય, ઠંડી દૂર કરવા ધાબળો બનાવવાની મહેનત કરવી જોઈએ. તેથી કોકડા ન બનાવવા એવું નથી. જો તે ન બનાવે તો ધાબળો ક્યાંથી શક્ય બને? ધાબળાને સ્થાને મહારાજનો રાજીપો છે.ભેખ ન લેવો કે નિયમ ન રાખવા એવું નથી પણ ભગવાનને રાજી કરવા કરવું, અભિમાન કરવા ન કરવું. સાધનો બરાબર કરવા પણ સાધનો કરીને સાધનોથી ઉપર ઊઠવું, પણ તે રૂપ ન બની જવું, તેના અહંકારમાં ફુલી ન જવું, પણ તેનાથી ભગવાન રાજી થાય એવા હેતુમાં વાપરવું. સાધનો ખંત પૂર્વક કરવાના હોય છે. પણ તેનું માન-અભિમાન ન આવી જાય તેની સાવધાની રાખવી. હું આ માર્ગમાં ઘણો અધુરો છું, કાચો છું એવું સતત અનુસંધાન રાખવું.
કડી-૨
જે જેવો થઈ રહે સાર તેને કહે એજ આવરણ તણુ રૂ૫ જાણો
જેમ એ ધાલારી તેમએ ધર્મરત તેમાં તે શું નવલુ કમાણો
સ્વામી કહે છે જે વ્યક્તિ જેવા પ્રકારનો હોય તેજ વસ્તુને શાસ્ત્રનો સાર માને છે પણ બીજાને નીચા ગણે છે ત્યારે પોતે સારો હોય તો પણ વાસ્તવમાં નીચો છે બીજાને નીચા ગણે છે એજ તેની વાસ્તવિક નીચાઈ છે. જે ધ્યાન કરતો હોય તે તપ કરવા વાળાને દંભી અથવા ક્રોધી છે. એમ કહેશે અને તેનો એવો છાનો પ્રચાર કરશે જ્યારે તપ કરવા વાળો ધ્યાનીને દંભી અને દેહાભિમાની ગણાવશે. તેથી પોતે જેવો હોય તે વસ્તુજ શાસ્ત્રસાર છે એવું માનશે બીજા બધા અસાર ભાગમાં આવશે પછી ભલે તે શાસ્ત્ર પ્રમાણે જ હોય અથવા સાચા હોય આવી દૃષ્ટિ પકડાય જવી એજ જંજાળ છે. બૈરા, છોકરા જન્મ-મરણ ઊભા કરી શક્તા નથી જે વ્યક્તિની પાસે સાચી દૃષ્ટિ હોય તો. અહં જન્મ-મરણ ઊભા કરે છે પછી નિષ્પક્ષ સાચી દૃષ્ટિ આવી શકતી નથી. અહંકારી બીજાની સાચી વાત પણ સ્વીકારી શક્તો નથી. પોતાની ખોટી વાત પણ છોડી શક્તો નથી. પોતે કદાચ જાણતો હોય કે હું બરાબર નથી તો પણ પકડાય ગયેલું મુકી શક્તો નથી. એજ જન્મ-મરણ સંસૃતિનું કારણ બને છે. પર્વતભાઈનો દિકરો દેહ મુકી ગયો. ત્યારે તે ગઢડા મહારાજ પાસે જતા હતા, સમાચાર મળ્યા ત્યારે રસ્તામાં સ્નાન કરી લીધુ, ને પાછા ન વળ્યા. વિચાર્યું કે છાણમાં જીવડાતો પડ્યાજ કરે છે “કુકડાના બચ્ચા ને કણબીના છોકરા સરખા’ એ શબ્દો પર્વતભાઈની સ્થિતિના હતા તેના અંતરમાં પણ એવી સ્થિતિ હતીને બોલતા હતા, ખાલી બોલવાના ન હતા અને કેવળ બીજાને ઉપદેશ દેવાના ન હતા. પોતાને માટે જ હતા “મારા જેવો કોઈ નહિ, હું જ બરાબર છું. બીજા બરાબર નહિ” આવી અંતરની માન્યતાઓ છે એજ સસૃતિ છે. બ્રહ્મરૂપપણાનો ધાબળો વણાયા પહેલાજ પોતે કોકડા ખાવા લાગ્યો. ત્યાગી થવા કોઈ મુમુક્ષુ આવે, સંસારમાં ખુંતેલા તેના મા-બાપ સગા સંબંધી, નાતીલા અને લાગતા વળગતા ન હોય તે પણ સમજાવે ને પોતાના જેવો કરવા માગે એટલે જે જેવો થઈ રહે સાર તેને કહે…………” સ્વામીએ ધાલારીનું દૃષ્ટાંત આપ્યું છે. ધાલરી એટલે લંધી(મૃત્યુ પછી પાછળ કુટણુ શીખવાડનારી અથવા કરાવનારી સ્ત્રી) મોટા શહેરમાં ઘણા મૃત્યુ થતા હોય તેથી તેનો વિસ્તાર પ્રમાણે કુટાવવાનો પણ ઈજારો રાખેલો હોય કે આ વિસ્તારમાં આ બાય જ કુટણું કરાવે. જે ઘરમાં મરણ થયું હોય તે વહાલું પાત્ર હોય તોય જેવું જોઈએ તેવું ઘરના માણસોને કુટી દેખાડતા ન આવડે અને લંઘીને ઘાટો અને બહોળો અભ્યાસ થઈ ગયો હોય તેથી કુટવામાં ધડાધડી બોલાવી દે અને કુટણુ ભારે શોભાડી દે પણ ધાલારી કુટતી વખતે પોતાની છાતીએ હાથ ન અડવા દે ને તોય અવાજના ધડાકા મોટા બોલાવે ત્યારે તેને જોઈને કુટુંબની સ્ત્રીઓ સાચે જ જોરજોરથી છાતી કુટે. લંધી જો છાતીએ હાથ અડવા દે તો તો સાંજે પડે ત્યાં તેને તો કેટલાય ધેરે કુટવાનું હોય તો એક જ દિવસમાં તે પણ મરી જાય. પણ તે મરી જાય તેવી હોય નહિ. તેનામાં કળા જ હોય છે કે તે બીજાને કુટી મરાવે પણ પોતાનો હાથ છાતીએ અડવા દે નહિ. સ્વામી કહે છે કે કેટલાક ઉપદેષ્ટાઓ ધાલારિ જેવા હોશિયાર હોય છે. સાંભળનારાને જોરદાર કુટાવે પણ તે ઉપદેશ આપનાર પોતાને જરા પણ અડવા ન દે ત્યારે ધર્મગુરૂઓ હોશિયાર લંધી જેવા ગણાય. સાંભળનારાને જગત ઓકાવે-ભોગની ઉલ્ટી કરાવે ને પોતે બધુ ભેળુ કરીને ઉપાડી લે. તેમાં ને લંધીમાં જાજો ફેર ન ગણાય. તેમ કરાવાથી તેના જીવને કોઈ ફાયદો થતો નથી. ભગવાનને રસ્તે ચાલીને ભગવતભાવ કેળવવો અને ભગવતભાવ કેળવવા માટે આત્મભાવ કેળવવો પડે છે. તો તેને નવી કમાણી થાય છે, નહી તો સ્વામી કહે છે નવલું શું કમાણો? જગતના કાવાદાવાતો ત્યાગી નહોતા થયા ત્યારના પડ્યા જ છે. ત્યાગી થઈને તે ગયા નહિ ઉલ્ટો થોડો વધારો થયો, તેમાં થોડા વધારે હોશિયાર થઈ ગયા ત્યારે તો કાંઈ કમાણી હાથમાં આવવાની નથી.
કડી-૩
તજે ત્રણ ઈષણા તે જ વિચક્ષણા જહદાજહદનો મર્મ જાણે,
ભાગને ત્યાગનો ભેદ ગુરૂમુખથી ગ્રહિ પિંડ બ્રહ્માંડ ઉરમા ન આણે
ત્રણ ઈષણાઓ ગણાય છે (૧) સ્ત્રી ઈષણા (૨) પુત્રેષણા (૩) વિતેષણા- ઈષા એટલે હળની હાલ, તેને સંસ્કૃતમાં ઈષા કહેવામાં આવે છે. હળમાં હાલ, તુંગુ, ચરડુ, બળદ, ઘોંસરુ વિગેરે ભાગો હોય છે. તેમાં તુંગુ ખુબ ભારે અને જાડું હોય છે. હાલ તેમાં લગાવેલી હોય છે તે હાલ તુંગા ને ખેંચે છે તેમ આ શરીર તુંગાને સ્થાને છે. ઈષણા એટલે પ્રબળ ઇચ્છા-વાસના તે હાલ જેમ તુંગાને ખેંચે છે તેમ ઈચ્છાઓ આ શરીરને ઈચ્છિત પ્રવૃતિ કરવા તરફ ઢસડી જાય છે, માટે “ઈષણા’ કહેવાય છે. તેમ આ ત્રણ પ્રબળ ઈચ્છાઓ જગત માત્રને ખેંચીને નરક, ચોરાશી, જન્મ-મરણ તરફ જબર જસ્તી થી ખેંચીને ઢસડી રહી છે. જેને ભગવાનને રસ્તે ચાલવું છે તેણે એ ત્રણે ઈષણાઓ ત્યાગ કરવી જોઈએ. ગૃહસ્થને જ આ ત્રણ ઈષણાઓ છે એવું નથી, ત્યાગીને પણ તેના મુળ ઉખડવા જોઈએ. ત્યાગીને સ્ત્રી નથી પણ દેહ તે સ્ત્રીને સ્થાને છે. ગૃહસ્થો સૌથી વધારે જીંદગીનો ભાગ સ્ત્રીને માટે સર્મપણ કરે છે. સદ્ગુરૂ ગુણાતીતાનંદસ્વામી કહે છે કે “આ જીવે કરોડ કરોડ જન્મ(શરીર) ધરીને કરકાને(સ્ત્રીને) અર્પિત કર્યા છે.” કરોડ પણ ન કહેવાય તેથી પણ વધારે અનંત જન્મ ધરી ધરીને સ્ત્રીની પાછળ ઘસી નાખ્યા છે. તેટલામાંથી એકેય જન્મ એણે ભગવાનને માટે વાપર્યો નથી – આ સ્ત્રી ઈષણાછે ત્યાગીને ઘરવાળું નથી પણ તેનું સ્થાન દેહ લઈને બેઠો છે. તે આખી જીંદગી દેહ ભાવમાંથી બહાર નીકળતો નથી. દેહભાવ પુરો કરવામાં જ આખી જીંદગી- આયુષ્ય પુરી કરી દે છે. ભગવાન પાછળ વાપરવા જેવું કાંઈ રહેવા દેતો નથી. આ સ્ત્રી ઈષણાનો જ પ્રકાર છે. ગૃહસ્થને લગ્ન પછી થોડો સમય જાય ને સંતાન ન થાય તો ઘાંઘા થાય છે. જેટલા ઠેકાણા દોડવાના હોય તેટલા દોડી લે છે. અને તો પણ ઈચ્છા પુરી ન થાય તો જીંદગી મુડલેસ થઈ જાય છે. શા માટે તો સંતાન નથી માટે. ચેતના વિનાના બની જાય છે. આખી જીંદગી જીવનમાં જે ચેતના આવવી જોઈએ તેનાથી રહીત થઈને જીવે છે. ત્યાગીને પુત્ર નથી પણ તેને સ્થાને પોતાના સંકલ્પ છે. તે જેમ સંતાન વિનાના ગૃહસ્થની જે મુડલેસ દશા હોય છે તેવું જ ત્યાગીને સંકલ્પ અધુરો રહે-ધાર્યુ ન થયુ હોય ત્યારે થાય છે. અને ગૃહસ્થને તો એક બે સંતાન હોય પણ ત્યાગીને તો સંકલ્પ નો પાર નથી એટલા સંતાન, અને વળી બધા પુરા થાય તો જ જીવનમાં રસ રહે, કાંઈક મુડ આવે, જે એકાદ પણ બરાબર પુરો ન થાય તો દીકરો સિરિયસ બિમાર થાય તેવું થાય અને બિલકુલ પુરો ન થાય તો એક નો એક દિકરો મરી જાય ને જે દશા ગૃહસ્થની થાય તેવી તે ત્યાગીની થાય છે. જો કે ત્યાગીને તો દિકરાનો(સંકલ્પનો) પાર હોતો નથી. કારણ કે બધાય મફત મહેનત કર્યા વિના પુરા થાય માટે શા માટે ઓછા રાખે? ને ગૃહસ્થ ને તો બે સંતાન થાય તો કહે હવે બસ “અમે બે ને અમારા બે’ પણ ત્યાગી એમ બસ ન ગણે અને આ બન્નેને લાડ લડાવવા માટે અને તેની જરૂરિયાતો પુરી કરવા માટે ગૃહસ્થ સંપૂર્ણ પણે નીચોવાય જાય છે, આખી જીઅંદગી ગધ્ધાવૈતરૂ કરીને ખોય નાખે છે. સમજણ વિનાના ત્યાગી પણ તે બન્નેને બરાબર રાખવા આખી આયુષ્ય તેની પાછળ લગાવી દે છે માટે ઈષણાથી બહારા કોઈ છે નહિ. સ્વામી કહે છે કે “તજે ત્રણ ઈષણા તેજ વિચક્ષણા’ એ ત્રણથી બહાર નીકળે, તેનાથી ન દબાય ને તેનાથી ઉપર ઊઠે તેજ વિચક્ષણ પુરૂષ ગણાય છે. બાકી તો ગાડરીયા પ્રવાહની જેમ બધા ઊંધુ ઘાલીને એક ધારા એમા ચાલ્યા જાય છે. વિચક્ષણ તો તેને જાણવો જેને જહદા જહદાનો વિવેક છે. જહદ એટલે છોડી દીધા જેવું અને અજહદ એટલે નહિ છોડવા જેવું. દેહ બુધ્ધિ છોડી દીધા જેવી છે. આત્મભાવ અને પછી પરમાત્માભાવ અર્થાત્ તેની અનન્ય ભક્તિ એ અજહદ છે નહિ છોડવા જેવા છે. દેહમાંથી અને બ્રહ્માંડમાંથી આસક્તિ ટાળવી તે પણ ગુરૂમુખી થઈને તોડવી. મનમુખી થઈને કોઈ ક્રિયા ન કરવી. પછી ભલે પોતાને સારી દેખાતી હોય તો પણ ન કરવી. ભાગ-ત્યાગનો વિવેક ગુરૂમુખથી અને શાસ્ત્ર પ્રમાણે મળતો હોવો જોઈએ. કેવળ શાસ્ત્ર માણે પણ નહિ માટે ગુરૂમુખથી બતાવ્યું છે સ્ત્રી, ધન, પુત્ર વગેરે આશ્રમ પ્રમાણે હોય પણ તેને ભાગ-ત્યાગ વિવેક રાખવો. ગૃહસ્થને પણ પુણ્ય પર્વણીના દિવસો, અમાસ, પૂનમ, એકાદશી, ગુરૂનો, પોતાનો, સ્ત્રીનો જન્મદિવસ વિગેરે પવિત્ર દિવસોએ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો. ગૃહસ્થને પુત્રનો જન્મ થાય ત્યારે કૃષ્ણના પણ એવા દર્શન ન કરે તેવા પુત્રના દર્શન કરે છે. પુત્ર એટલે પું નામના નરકથી તારે ત્યારે પુત્ર કહેવાય તે સારો હોય તો ઠીક નહિ તો ત્યાં ઠેઠ પહોંચાડે એવો હોય તોય આસક્તિ તુટે નહિ તે પુત્રેષણા છે. ધન પણ વિવેકથી વાપરે. ભગવાનનો ભાગ કાઢે, સુપાત્રમાં દાન કરે. દાન કરવામાં પણ ઘણાજ વિવેક બતાવ્યા છે તે જોવા. આ બધો વિવેક શાસ્ત્રોના આધારે અને ગુરૂમુખથી કરે ત્યારે પિંડ-બ્રહ્માંડની આસક્તિથી બહાર આવે છે એવા ગુણો આવે ત્યારે સંસાર તેને બંધન કરવો નથી.
કડી-૪
એજ સન્યાસ શ્રીપાત તેણે કરી શ્રીતણુ કૃત્યનવ સત્યદેખે,
ભીક્ષુતો તે ખરા ભ્રમ મનનો તજે સત્યમુક્તાનંદ પ્રભુપેખે
સ્વામી કહે છે કે સાચો સન્યાસી કોણ કહેવાય? તો પ્રકૃતિના કાર્ય થી પર નજર પહોંચાડે પ્રકૃતિનું કાર્ય જેની નજરમાં જ ન આવે એક પરમાત્માજ સત્ય દેખાય, તેને જ ભાળે છે. પ્રકૃતિનું કાર્ય તેની દૃષ્ટિમાંથી ખસી જવું જોઈએ સાચા સન્યાસી તે ગણાય જે મનની ભ્રમણાઓનો ત્યાગ કરે. સાચા સન્યાસી તે ગણાય જે મનનું ધાર્યું મુકી દે. સાચા સદ્ગુરુ માર્ગ બતાવે તે પ્રમાણે ચાલે. તે ગુરૂ પણ શાસ્ત્ર પ્રમાણિત હોય, શ્રોત્રિય-બ્રહ્મનિષ્ઠ હોય. પોતાના મનની મેળે માની લીધેલા હોય તો સંસારમાં તો ચાલે પણ અહિં સ્વામીએ બતાવ્યું એવું કામ ન થાય.