ધીર ધુરંધરા, પદ-૨

જ્યાં લગી જગત જંજાળ ઉરમાં ખરી ત્યાં લગી સૂરતા ચિત-નાવે,

જે જે વિચારીને જુક્તિ કરવા જશે તેજ કાયરપણુ નામ કહાવે-જ્યાં.-૧

અક્ષરપર પુરુષોત્તમ શ્રીહરિ તેહને સુજશે તેજ કરશે,

જનમતિમંદ હોવા છતાં ઊભા થઈ તાણતા તાણતા તુટી મરશે. જ્યા.-૩

કડી–૧

જ્યાં લગી જગત જંજાળ ઉરમાં ખરી ત્યાં લગી સૂરતા ચિત-નાવે,

જે જે વિચારીને જુક્તિ કરવા જશે તેજ કાયરપણુ નામ કહાવે-જ્યાં

ગૃહસ્થાશ્રમમાં ઘરવાળુ, છોકરો, તેનો છોકરો, ધંધો વિગેરે જંજાળ કહેવાય. જેમાં ફસાયા પછી કોઈ વાતે નીકળી શકાય નહિ તેને જંજાળ કહેવાય. માછલા જાળમાં ફસાય જાય છે સસલા વિગેરે પ્રાણીઓને શિકારી લોકો જાળમાં ફસાવે છે કરોળિયો પોતે જ બનાવેલી જાળમાં-જાળામાં અંતે ફસાઈ મરે છે તેમ માણસ અંતે જેમાં ફસાયને મરે છે તે જાળ નહિ પણ જંજાળ કહેવાય છે. જગતમાં ફસાવાના જે જે ઠેકાણા છે તે બધી જંજાળ છે. ગૃહસ્થાશ્રમ છોડીને સાધુ થયા તો ત્યાં પણ મારું-તારૂં તુંબડી-કૌપિન-વસ્ત્રો-શાંતિથી બેસીને ભજન કરીશુ-એ બધુ ક્યારેક જંજાળ બની જાય છે જ્યાં સુધી આ લોકના નાશવંત પદાર્થોનું જ મહત્વ હૃદયમાં બેસી ગયું છે ત્યારે પછી કોઈ પણ આશ્રમમાં હોય-ગૃહસ્થ હોય અથવા સાધુ- સન્યાસ થઈ ગયા હોય પણ તેને ભગવાનમાં સુરતા-અર્થાત્ એકતાર વૃતિ થતી

નથી. કરોળિયો જાળુ બાંધે ત્યારે એક ઠેકાણેથી સામે ઠેકાણે પ્રથમ સુરતી બાંધે પછી આકાશમાં પાંખો વિના સામે અથવા સીધો ઉચ્ચે અધ્ધર-પધ્ધર ચાલ્યો જાય ને લાળથી જાળુ બાંધી દે છે કેવળ સુરતીને આધારે આકાશમાં વગર પાંખે ચાલ્યો જાય છે તેને સૂરતા કહેવાય છે. પણ લૌકિક પદાર્થો, વ્યક્તિ કે માલ- મિલકત-માન બડાઈમાં જ જેનું મન તણાય ગયું છે અને તેનું જ મહત્વ અંતરમાં ભરાય રહ્યું છે. ત્યાં સુધી ભગવાનમાં સુરતી લાગથી નથી. જીવથી એકતારતા થતી નથી . ‘भोगैश्वर्य प्रसक्तानां तपायहृतचेतसाम् व्यवसायात्मिकाबुध्धि समाधौ न विधियते (गीता૨/૪૪)” આ લોકની અનુકૂળતા અને સગવડતાઓએ જ જેનું મન તાણી લીધુ છે એવા ગૃહસ્થ કે ભેખધારી કોઈ પણ હોય તે ભગવાનમાં લાગી શક્તા નથી. ભેખધરીને ભગવાનમાં લાગવા જાય તોય જે વિચારીને જુક્તિ કરવા જશે. તેજ કાયર પણુ નામ કહાવે. દેહભાવને જ્યાં જ્યાં ઘસારો આવે, કારસો આવે, મહારાજની આજ્ઞા પાણવી કઠણ પડે, ત્યાં ત્યાં જીવ અનેક યુક્તિઓ, અનેક ગોઠવણીઓ કરતા હોય છે પણ તે બધા દેહાભિમાનને બચાવવાના ઉપાયો હોય છે, તે વિના બીજું કાંઈ તેમા સાર હોતો નથી “શાંતિથી ભજન કરીશું’, “સત્સંગ કરીશું”, “પોતાના અંગ પ્રમાણે ભક્તિ કરીશું’ આ બધી મનની ગોઠવણી છે અને એનકેન પ્રકારે દેહભાવની રક્ષા કરવાની યુક્તિઓ હોય છે, સ્વભાવની રક્ષા કરવાના ઉપાયો હોય છે અને ઉપરથી સારા શબ્દોમાં તેને મઢી દેવામાં આવતા હોય છે ભગવાન તો જાણતા હોય છે કે શું ભજન અને શું શાંતિ? અંહિ ભજનનું સુખ નથી એ તો પોતાના સ્વભાવને અનુકૂળ નથી, દેહાભિમાનને ઘસારો આવે છે તે કોઈ વાતે આવવા દેવા માગતા નથી. એટલું જ, તે સિવાય બીજું કાંઈ નથી. સ્વામી કહે છે કે “એજ કાયર પણુ નામ કાવે’ એ જ દેવાભિમાન જાણો માટે પોતાના સ્વભાવ ટાળવા અથવા સ્વભાવને ઘસારો લગાડી દેવો તે તો શૂરા સંતનું કામ છે . ‘स्वभाव विजयो शौर्यम् । (भाग. ११/१९-३७)’ સ્વભાવ ને ઓળખીને સ્વભાવને ઘસારો દે તેની સામે લડે તે શૂરા સંત છે અને મહારાજના જ શબ્દો કે શાસ્ત્રોના કે મોટાના શબ્દો આડે લાવીને સ્વભાવને બચાવી રાખે, સ્વભાવને છાવરી રાખે તે કાયર છે. દેહાભોમાનીઓ જીવનમાં ક્યારેય મહારાજ સાથે એક તાર-સૂરતા લાવી શક્તા નથી. અને જે લગવવા જાય તો દેહાભિમાનનું સુખ જાતુ રહે છે.

કડી-૨

પરચો ઈચ્છે તેને પામર જાણવો જનન ઈચ્છવું જોગ્ય જાણે,

નિષ્કામતે નારાયણ રૂપ છે આશાને તૃષ્ણા ઉરમાં ન આણે–જ્યા.

ભક્ત થઈને પરચાની ઈચ્છા ભગવાન પાસેથી રાખે તેને સ્વામી પામર કહે છે પરચો એટલે શું? તો દેહભિમાનીઓ એવું ઈચ્છે છે કે મહેનત કર્યા વિના અમને ફળ મળી જાઓ અમારી યોગ્યતા ન હોય તો પણ અમને મળે એવી વાતને પામર લોકો પચ કહે છે. ભગત થઈને પણ ભગવાન પાસે પ્રામાણિક પણે કોઈ એવું માગતા નથી કે હે ભગવાન મારી યોગ્યતા હોય તેટલું જ આપજો વધારે કાંઈ આપી દેતા નહિ. અંહિ તો ભગવાન તમે અમને આપવામાં આવું કાંઈ જોતા જ નહિ બીજાને કોઈને આપો ત્યારે કડક પણે તે બધુ જોજો. મને આપતી વખતે ન જોશો. પામર હૃદયની ઈચ્છાનુંસાર પરચાનું વિશ્લેષણ આવું થાય છે અને એવું ઈચ્છવું તે તો નરી પામરતા ગણાય. વિરતા ન ગણાય. પ્રહલાદ જેવો તો કોઈક વિરલ જ હોય છે. વળી પરચો પણ ભગવાનના ભગત જેવો હોય.(વાસ્તવિક પણે ન હોય) તે ઈચ્છે છે. અભક્તતો માગતા નથી કારણ કે તે તો જાણે છે કે આપણને ભગવાન આપે જ નહિ, આપણી યોગ્યતા નથી. પણ વેવલા અને વિવેક વિનાના ભગત જ એવી ઈચ્છાઓ કર્યા કરે છે પણ એવું વિચારતા નથી કે આપણી હજુ એવી યોગ્યતા કે મહેનત તો નથી તો પછી ગેરવ્યાજબી ઈચ્છા કેમ કરાય? સાચો ખરેખરો ભગવાનનો ભક્ત અણહક્કનું, બીજાના હક્કનું મોક્ષના માર્ગે પણ લાભ લઈ લેવા માગતો નથી. એવો સાચો ભક્ત થાય ત્યારે ભગવાન પોતાની મેળે જ આપે છે, આપ્યા વિના રહી શક્તા નથી. ભક્તતો-‘दीयमानं अपि न गृह्णन्ति विना मत्सेवनं जना:’ એવા હોય છે સ્વામી કહે છે “નિષ્કામ તે નારાયણ રૂપ છે….” નિષ્કામ એટલે કોઈ જાતની કામના-ઈચ્છા નથી. મહેનત કરીને પણ ફળના અધિકારનો દાવો કરતો નથી કેવળ સેવાની ઈચ્છા રાખે છે. સારૂ કામ કરીને તેના બદલામાં કાંઈ વળતર ઇચ્છતો નથી. એવો નિષ્કામ ભક્ત તે તો નારાયણ તુલ્ય છે ભગવાન તુલ્ય છે. ભગવાન પણ જીવને આપી દઈને તેની પાસેથી કોઈ ફળ લેવાની અપેક્ષા રાખતા નથી. પોતે કરેલા ઉપકારને ભૂલી જાય છે. જેને કાંઈ આશા નથી તો તૃષ્ણા તો હોય જ ક્યાંથી? પ્રથમ આશા થાય છે ને તે ઘાટી થતા, ખુબ જ પ્રમાનમાં વધી જતાં તૃષ્ણાનું રૂપ ધારી લે છે. જેણે આશા ઉખેડી નાખી છે તો તૃષ્ણા રહે ક્યાંથી? ભક્ત સંકલ્પનું ઉત્થાન જ થવા દેતા નથી. મન કહે તેમ કરે તે ક્રિયા(કહેવાય) મનનું ધાર્યું મુકીને કરે તે સેવા. ક્રિયાનું ફળ બંધન હોય છે જ્યારે સેવાનું ફળ મુક્તિ હોય છે. ભગવાનની કેવળ અને કેવળ સેવા જ કરવી છે પણ કોઈ વાતનો આગ્રહ નહિ, આશા નહિં એવી ભક્તની દૃઢ ટેક હોય છે. મનના સંકલ્પ મુકીને ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે તે નારાયણ તુલ્ય બની જાય છે.

કડી-૩

અક્ષરપર પુરુષોત્તમ શ્રીહરિ તેહને સુજશે તેજ કરશે,

જનમતિમંદ હોવા છતાં ઊભા થઈ તાણતા તાણતા તુટી મરશે. જ્યા

અક્ષરથી પર પુરુષોત્તમનારાયણ-શ્રીજી મહારાજ છે તે જ આ જગતના કર્તા હર્તા છે તેની ઈચ્છા પ્રમાણે બધુ થાય છે તેની મરજી વિના એક પાંદડુંય પણ હલતું નથી. એવું જ્યારે મનાય જાય તારે આગ્રહ શમી જાય છે. ‘बुध्धे र्फलंमनाग्रहः’ એજ આપણું પ્રારબ્ધ, આગ્રહ નહિ, આશા નહિ, તૃષ્ણા નહિ. તાણાતાણી કોણ કરે છે? તો જે કોઈ મનમાં માનતા હોય કે “હું કાંઇક છું” બીજા બધા જ મારાથી નીચા છે. “મારા જેવો કોઈ નથી.” માટે મારૂ ધાર્યું થવું જોઈએ.. પણ અંહિ એવું માનતા હોય તેને સ્વામીએ મંદમતિ વાળા કહે છે તે પોતે પોતાને બુધ્ધિવાળા(વધારે બુધ્ધિવાળા) સમજે છે પણ ભગવાન અને મોટા સંત તેને મંદબુધ્ધિ સમજે છે તેઓ પોતાની આખી જીંદગી એમને એમ ખેંચાતાણમાં કાઢી નાખે છે. કાવા દાવામાં જીંદગી ખોય નાખે છે.

કડી-૪

કેસરી બાળને ભયનહિ કોયનો મતમેંગળ તથા જુથ ભાગે,

મુક્તાનંદ તે શિષ્ય સદ્ગુરુ તણા જગતથી ઉલ્ટી રીત જાગે. જ્યાં

કેસરી બાળથી-સિંહના બચ્ચાથી મદોન્મત હાથીઓ પણ ભાગી જાય છે. કેસરી બાળને કોઈનો ડર લાગતો નથી તેમ ગુરૂમુખી ભક્ત સિંહનું સંતાન છે ભક્ત તો ભગવાનના જ થવું છે અને થવાનું હોય છે પરંતુ સાચા સદ્ગુરૂના માર્ગદર્શન મુજબ થવાનું છે મન મુખી થઈને નહિ. શ્રીજી મહારાજ કહે છે(સા.૧૧) કે સદ્ગુરૂ અને સત્શાસ્ત્રના વચને કરીને વૈરાગ્યને પામ્યો હોય, પોતાના મનઃકલ્પિત રીતે થઈ બેઠો હોય તેનાથી માયાની ફોજ સામે લડી શકાતું નથી. કેસરી સિંહ એક હોય પણ જ્યાં ત્રાડ નાખે ત્યાં જંગલના તમામ પ્રાણી ભાગતા ફરે, સંતાય જાય છે તેમ મન ધાર્યું મુકીને સાચા સદ્ગુરૂના માર્ગદર્શન પ્રમાણે ચાલે તે મોટા મેંગળને-હાથીઓને પણ મહાત કરે છે, કામ, ક્રોધાદિકને હરાવી દે છે પોતાની મેળેતો તેમની સામે ગોથા ખાય જાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે એવા સાધકની રીત જગતથી જુદી હોય છે. ખરાભક્તની રીત જગતથી ન્યારી હોય છે તેઓ માન-અપમાન સહન કરે છે અપમાન તો માણસ મજબુરીથી પણ સહન કરતો હોય છે. પરંતુ માન મળે ને જીરવાય જાય. અર્થાત્ તો પણ મહારાજ અને સાચા સંતો-ભક્તોનો સેવક ને સેવક જ રહે તે ઘણું મુશ્કેલ છે. પણ સાચો ભક્ત હોય, ગુરૂમુખી હોય તે માનને પણ પચાવીને સેવકભાવથી ચિલત થતો નથી.