ધીર ધુરંધરા, પદ-૧

ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મનમાં ન આણે;

અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેનેય જાણે.–૧

કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે;

જોગિયા જંગમ તપસ્વી ત્યાગી ઘણા, મોરચે ગયે ધર્મદ્વાર માગે.–૩

કડી-૦૧

ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મનમાં ન આણે;

અર્વ ખર્વ દળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેનેય જાણે.–૧

મુક્તાનંદ સ્વામી મહા સંત હતા. આ કિર્તન ઘણુ કરીને સાચા સંતનું વ્યક્તિત્વ બતાવનારૂં અને પ્રોત્સાહન આપનારૂ છે. શ્રીજી મહારાજના ઉપાસક સંત કેવા હોવા જોઈએ? શ્રીજી મહારાજના ઉપાસક સાચા ભક્ત કેવા હોવા જોઈએ? તેનું વર્ણન સ્વામી આ કિર્તનમાં બતાવી રહ્યા છે.

ધીરધુરંધરા–સંત એ ધુરાને ધારણ કરનારા છે પણ ધોંસરી શેની? તો ધીરજની ધોંસરીને ધારણ કરનારા સંત હોય છે, ભગવાનના ભક્ત હોય છે. શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધ પ્રથમ-અધ્યાયમાં શૌનક ઋષિનો પ્રશ્ન છે કે ભગવાન પૃથ્વી પરથી અંતરધ્યાન થયા પછી એકાંતિક ધર્મ કોને શરણે જઈને રહ્યો? તેના ઉત્તરમાં સૂતજી કહે છે કે ત્યારે એકાંતિક ધર્મ તે નિર્મત્સર એવા સંતના શરણે જઈને રહે છે એવા સંત તે પૃથ્વી પર એકાંતિક ધર્મની ધૂરાને પૃથ્વી પર વહન કરતાં(થકા) વિચરે છે. અંહિ સ્વામી કહે છે એવા સંત છે તે ધીરજની ધોંસરીને ધારણ કરનારા છે. એકાંતિક ધર્મને વહન કરવામાં પણ મહાધીરજની જરૂર પડે છે ધીરજ અટેલે શું? તો ‘विकार हेतौ सति विक्रीयन्ते येषां न चेतांसि स एव धीरः’ વિકાર ઉદ્ધવના સંજોગોમાં પણ, વિકાર ઉત્પન્ન કરાવનારા વ્યક્તિ-પદાર્થના સાનિધ્યમાં પણ જે પુરુષો નિર્વિકાર રહી શકે છે, વિકારને દબાવી શકે છે. વિકારો ઉત્પન્ન થવા દેતા નથી એવી રીતે નિર્વિકારી પણાની ધોંસરીને ધારણ કરીને વિચરે છે તે સંત પુરુષ છે. તે મહારાજના સાચા ભક્ત છે.

શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધના (૧૯માં) અધ્યાયમાં કહ્યું છે કે जिह्येपस्थ जयो धृति : જિહ્ય ઈન્દ્રિય અને ઉપસ્થેન્દ્રિય(જનનેન્દ્રિય) નો પૂર્ણ પણે સંયમ જાળવી શકે તેના વિકૃતિના માહોલમાં પણ પોતે તેની વિકૃતિની ક્રિયા પોતામાં ન પ્રર્વતવા દે તે ધીરજ છે અને તેવું કરી શકે તે ધીર છે. ‘धीः राति ददाति इति धीरः’

અર્થાત્ વિકૃતિ ઉદ્ધવના સ્થાનોમાં અને પરિસ્થિતિમાં પણ નિર્વિકાર રહેવાનો રસ્તો કાઢવાની જે પોતાના ઉદાહરણથી બુધ્ધિ આપે છે, સમજણ આપે છે તે ધીર છે. તેવી સમજણ સલાહને વાણીથી બોલીને આપનારા તો ઘણા મળતા હોય છે પણ પોતાના આચરણથી જે ઉપદેશ આપનારા છે તે સાચા ધીર પુરૂષો છે. વ્યાસ પીઠ પરથી અને પ્રવચન સમયે વાતો કરનારા અને બીજાને સલાહ આપનારા નો તો આ જગતમાં તોટો નથી-તેઓ ધીર નથી. પોતાની વિકૃતિઓ નિવારવા જે સફળ છે તેજ સાચા ધીર કહેવાને લાયક છે.

ધીરજ અને શૂરવીરતા બે પ્રકારની છે. એક તો લૌકિક માર્ગની છે અને બીજી અધ્યાત્મ માર્ગની છે. તેમાં અંહિ જે ધીરજની વાત સ્વામી કરી રહ્યા છે તે અધ્યાત્મ માર્ગની-સંતના માર્ગની છે. સમયે ધીરજ ધારીને વિકૃતિ અંતરમાં આવવા ન દેવી, કામાદિકનું અંતરમાંથી નિવારણ કરી દેવું તે અતિ ધીરજનું કામ છે. કોઈ અપમાન કરે ત્યારે અંતરમાં થતિ વિકૃતિ ક્રોધ છે. કોઈનું માન થાય, પ્રગતિ થાય કે લાભ થાય અને અપાણે વંચિત રહી જતા હોઈએ એવા સમયમાં આપણા અંતરમાં વિકૃતિ થાય-જલન થાય કે જે કોઈ ચેષ્ટાઓ અંદર-બહાર કરીએ તે ઈર્ષા, અસુયા કહેવાય. વિજાતીય રૂપ જોઈને વિકૃતિ થાય કે લંપટતા આવી જાય તે કામ છે. વિના પુરૂષાર્થ-ધનના ઢગલા પામવાની ઈચ્છાઓ થતી રહેવી તે લોભ છે. પોતાના સંબંધીને(ત્યાગી માટે) હેરાન થતો જોઈને, આર્થિક કંગાલ દશા જોઈને, પીડાતો જોઈને હમદર્દી જાગે અને ખાનગી મદદ કરી લેવાની ઉદારતા જાગે તે ત્યાગી પુરૂષો માટે સ્નેહવિકાર છે. એવી અનેક પરિસ્થિતીઓ છે તે આવે ત્યારે પોતાના મનને અંર્તયામીની સાક્ષીએ પ્રામાણિક પણે વિશુધ્ધ અને પવિત્ર રાખી શકે ત્યારે ‘विकारहेतौ सवि विक्रीयन्ते…..’ પ્રમાણે ગણાય એજ સાચો શૂરવીર સંત ગણાય. બાકી શ્રીજી મહારાજ કહે છે કે આંખ્યો કાઢીને બીજાને ડરાવતો હોય તે શૂરવીર નથી. તે તો દૈત્યબુધ્ધિ છે. દૈત્યોનો એવો સ્વભાવ છે કે યોગ્ય કે અયોગ્ય રીતે પણ બીજાને દબાવવા. તે સાધુ ન કહેવાય. જ્યારે પોતાનું ધાર્યું ન થાય-દુનિયામાં પોતાનું અપમાન થાય. પોતાને મારી નાખવા પણ તૈયારી કરે તો પણ વિચલિત ન થાય, વિકળ થયા વિના ભગવાનને યાદ કરવા અને પુરૂષાર્થ કરવો તે ધીરજ છે. અંતર શત્રુના પણ પુર આવે છે તેઓ

એકલદોકલ આવતા નથી હોતા. એટલે સ્વામી કહે છે કે “અર્વ-ખર્વ દળ એક સામા ફરે તૃણ ને તુલ્ય તેનેય જાણે’ શત્રુઓનો સહજ સ્વભાવ છે કે એકલાથી સામો માણસ નમે નહિ, વશમાં થાય નહિ ત્યારે જે જે પરાભૂત થઈને મનદુઃખિયા થયા હોય તે બધાને સાથે લઈને હલ્લો બોલાવે, મર્મના સ્થાનમાં પીડા દઈને મજબૂર કરે, તો પણ ભગવાનના ભક્ત-સંત ધીરજ રાખી શકે અને પોતાનો માર્ગ ચુકે નહિ ત્યારે તે ધીરજવાન કહેવાય છે. ધીરજવાનને પોતાની ક્ષતિઓ દૂર કરવાનું જ તાન હોય છે. સંત ધીરજવાનની સાથે શૂરવીર પણ હોવા જોઈએ. સાચા સંત-ભક્તો વિકટ પરિસ્થિતિમાં હિંમત હારી જતા નથી, નાસી પાસ થઈ જતા નથી. સંત પુરૂષો આધ્યાત્મિક વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો દોષો- સ્વભાવો ટાળવા પ્રયત્ન કરતા હોય છે. જ્યારે બહારનું પણ દબાણ હોય, વિરોધ હોય, ત્યારે પોતાના પણ ન ટળતા હોય તેવા દોષો-સ્વભાવો-ટેવો થોડો પ્રયાસ કરવાથી ટળી જાય છે. એમ વિકટ પરિસ્થિતિનો પણ સદ્ઉપયોગ કરે તે સાચા સંત છે-સાચા ભક્ત કહેવાય છે. બાકી બીજાના દોષ કે ખામી ઉપર પૂછડીભર ખાંગા થઈ જતા હોય અને સામા ને પોતાના વશમાં લેવા આકાશ-પાતાળ એક કરવા મથી રહ્યા હોય તે તો આસુર સ્વભાવ છે.-દુષ્ટતા છે. તેના આશયમાં કોઈ પવિત્રતા હોતી નથી. તે શૂર નથી. ધીરજ અને શૂરવીરપણું બન્ને સાધુતાને ગતિ આપનારા એક રથના બે પૈડા છે. બન્ને પૈડામાં-સદ્ગુણોમાં સમતુલા હોવી જરૂરી છે. તોજ રથ ગતિ કરી શકે. માનસમાં રામચંદ્ર ભગવાને યુધ્ધભૂમિમાં વિભિષણને ધર્મરથ-વિજયરથ કેવો હોય તેનો ઉપદેશ આપ્યો છે. તેમાં બતાવ્યું છે કે “સૌરજ ધીરજ તેહિ રથ ચાકા’ શૂરવીર પણુ અને ધીરજ એ બન્ને ધર્મરથના- વિજય રથના પૈડાઓ છે. જો બન્ને પૈડા સમાન ન હોય એકબીજાને પૂરક ન હોય તો રથ ગતિ કરી શકે નહિ. જો સમતુલા ન હોય તો રથીને ભોંયભોગો કરી દે. રથનું કોઈ પણ એક પૈડુ નાનું અને એક પૈડું બહુ મોટુ હોય તો રથ સીધો ન ચાલે પણ ચક્કર ફરી જાય ને રથી લડવાનું ચાલુ રાખે તો પોતાના સાથીદારો- સૈનિકોનો ઘાણ બોલાવી દે માટે બન્ને પૈડામાં સમતા જરૂર બને છે. સંતની શૂરવીરતા બહારના વિરોધીઓ-શત્રુઓને મહાત કરવા કરતા અંદરના-અંતર શત્રુઓને મહાત કરવામાં વધારે છે. એકાદશ સ્કંધમાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે’સ્વભાવ વિજયો શૌર્યમ (ભા. 11/19-37)’ પોતનસ્વભાવને તનવો અને રોકવો તેમાં સંતની શૂરવીરતા છે ધીરજ અને શૂરવીરતા બન્ને વિરૂધ્ધ સ્વભાવ વાળા ગુણો છે શુરવીરો ઉતાવળા બહુ હોય છે તેઓ ધીરજ રાખી શક્તા હોતા નથી. જ્યારે ધીરજવાન બીલકુલ ઉતાવળા હોતા નથી. તેઓ ઉતાવળ કરી શક્તા નથી. ધીરપુરુષો સહનશીલ બહુ હોય છે. શૂરવીર કોઈનું તલ જેટલું પણ સહન કરી શક્તા નથી. સાચા સંતપુરૂષો આવા વિરોધાભાસી બન્ને ગુણોનો રોલ સારી રીતે અદા કરી શકે છે તે બન્ને ગુણોને યોગ્ય ન્યાય આપીને બન્ને ગુણોની સમતુલા જાળવીને રચનાત્મક સર્જન કરે છે. તે બન્નેની સમતુલા કે બન્નેને જીવનમાં ચરિતાર્થ ક્યારે કરી શકાય? તો જેને જીવનમાં અતિ મોટુ અને અતિ ઊંચુ જીવન ધ્યેય નિશ્ચિત કર્યું હોય. શ્રીજી મહારાજને રાજી કરવા છે. અક્ષરધામમાં ઠેઠ પહોંચવું છે, વચ્ચે ક્યાંય રોકાવું નથી. એક તો એવું લક્ષ્ય હોવું જોઈએ અને બીજું તે પામવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ.(બર્નીંગ ડીઝાયર હોવી જોઈએ) શ્રીજી મહારાજે વચનામૃત અંત્ય પ્રકરણ-૩૯માં બતાવ્યા મુજબ આત્મા-પરમાત્માનો વેગ લાગી જવો જોઈએ. ત્યારે બન્નેની જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય ઉપયોગ કરી શકે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તેને પામવાની લલક અને ખંત હોવા જોઈએ. ત્યારે સ્વામીએ બતાવ્યા તેવા ધીરજ અને શૂરવીરતા આપોઆપ જીવનમાં આવી રહે છે. જેટલું વ્યક્તિનું જીવન લક્ષ્ય ઊંચું અને પવિત્ર હોય છે. તેમ તેમના જીવનમાં પડકારો પણ ધ્રુજાવી નાખે તેવા આવે છે પરંતુ સ્પષ્ટ ધ્યેય અને મહારાજનો અતુટ વિશ્વાસ અને સાચા સંત-ગુરૂમાં નિષ્ઠા (ગુરૂકર્ણધારમ્-ભા.એ.)–એ જીવનના પડકારોમાંથી પાર ઉતારે છે પોતાના જીવનમાં જીવન જીવવા માટે સામે આદર્શ વ્યક્તિત્વ(રોલમોડેલ) પણ તેવું પ્રબળ હોવું જોઈએ.

विजेतव्या लंका चरणतरणीयो जलनिधि |

विपक्ष : पौलात्सो रणभूमि सहायाश्र्व : ||

तथाप्येको राम: सफलमवधी द्रक्षस कुलम |

कियासिध्धि सत्त्वे वस्ति महतां नोपकरणे ||

विजतव्या लंका – મારે સોનાની લંકા જીતવી છે! મારે અક્ષરધામ મેળવવું છે મારે જીવનમાં સાચી સાધુતા પામવી છે એવો વિશ્વાસ, હિંમત અને ખંત જોઈએ.

અંહિ સ્વામી કહે છે અર્વખર્વ દળ એક સામા ફરે-વિરોધો અને પડકારો બધા એક જુથ મળીને સામા આવે-આવતા હોય છે. એક માત્ર મહારાજની સામે જોઈને તેને ગણકારે નહિ. તૃણને તુલ્ય તેનેય જાણે-તેને તણખલા જેવા જાણે-મારે કાંઈ મુશ્કેલીઓનો પાર છે? એવા રોદણાં રોવા લાગેને મુશ્કેલીઓની ગણતરી કરતો રહે તે કોઈ દિવસ જીવનમાં સફળતા મેળવી શક્તો નથી. મુશ્કેલીઓથી ભાગતો ફરે તે પણ જીવનમાં સફળ થતો નથી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢે-મુશ્કેલીઓને મંજિલના પગથિયા બનાવી શકે તે કાંઈક મેળવી શકે છે.

કડી-૨

મોહનુ સૈન્ય મહાવિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે,

કવિગુણિ પંડિત બુધ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વભાગે-ધીર

જેને અંતરની પ્રમાણિકતાથી સાધુ જ થવું છે ભગવાનનો સાચો ભક્ત જ થાવું છે તેને આડા ગઢ આવે છે નાતીલા, સગા, કુટુંબી, મા-બાપ, દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવો આ બધા ભગવાન પાસે પહોંચવામાં આડા ગઢ છે તે કોઈને ભગવાન ભજવા દે તેવા નથી. જીવ ભગવાન ભજે તે તેને ગમતું નથી. અર્થાત્ આ બધા મોહના ઠેકાણા છે સરહદની સેના કરતા આ સૈન્ય અલગ પ્રકારનું છે બહારના શત્રુઓ કરતા આ શત્રુઓ અલગ પ્રકારના છે તેને લડવાની પધ્ધતિ પણ અલગ પ્રકારની છે આ બધાતો આપણા ઘરમાં ઘરીને આપણું ખાયને આપણી સામે લડવા વાળા છે. આપણા હિતેચ્છુ થઈને, આપણા ખુબ વ્હાલાનું રૂપ ધરીને આપણું મોક્ષ કામ બગાડી દેનારા છે, ઘરના ઘાતકી છે. મોહ પોતે એક છે. પણ તેના સૈનિકો અનેક છે. તે અલગ અલગ પદાર્થોના માધ્યમથી આપણી સામે આવે છે જેમ કે કપડા, સ્ત્રી, અરિસો, પોતાનું શરીર, પોતાનું કાર્ય તેમાં જીવને મોહ થાય છે તે છે તો જીવનો ઘાતક છતા પણ ઘણો સુંવાળો લાગે છે તેને કોઈ રીતે છોડવાનું મન થતું નથી ભલે ને તે જીવનું ગમે તેટલું બગાડે તો પણ છોડવાનું મન થતું નથી. સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ છે કે,

बाले योषिति दर्पणे निजजने, रागे धने, मादके ।

जायन्ते सुधियोऽपि विह्वलतरा होलादिनोत्क्रिडने ।।

अष्टस्वेषु तदंध्रिचिन्तनरतं चितं न यस्योत्सरेत् ।

तद्भक्त्येकरसस्य तस्य पदयोः पांशु सुरैरिष्यते ।।

આ શ્લોકમાં ગણાવી તે આઠ વસ્તુઓ સામે આવે ત્યાંજ માણસનું મન પાણી પાણી થઈને ઓગળી જાય છે. ‘सुधियोऽपि ભગવાને એવું પણ કહી દીધુ કે ડાહ્યા ડાહ્યા માણસો પણ ભાન ભૂલીને વિહવળ થઈ જાય છે. મન તેમાં ખૂંતી જાય છે મોહ આંટો ફરી વળે છે. ત્યારે તેમાં જે મોહિત ન થાય તે સાધુતાને માર્ગે ચાલી શકે છે. આણંદજી ભાઈ સંઘાડીયાને મહારાજે મોહ નું રૂપ કહ્યું ‘रत्त्ककूतं सदापूतं’ ‘એ મોહનું સ્વરૂપ છે. હું અને મારૂ એ મોહના ઠેકાણા છે હું અને મારૂ એ ખરેખર મોહ નથી પણ તે મોહને રહેવાના ઠેકાણા છે તે હું અને મારૂ કરવામાં અને તેના નિર્ણયમાં જ માણસ મોક્ષના માર્ગમાંથી ગોથા ખાય જાય છે ભલભલા ભગત હોય કે સાધુ હોય પણ હુ ને મારૂમાં જ ગોથા ખાય જાય છે. આ મોહના સામે મોરચો માંડવો, ખુલ્લી લડાય જહેર કરવી તેને સ્વામીએ વિકટ બતાવ્યું છે. પોતાનો અવગુણ ન સુજે, પોતાના કાર્યમાં ભૂલ કે ખામી ન દેખાવી. પોતાનો છોકરો આંટાલુઝ હોય તોય ભોળીયો જ દેખાય, પોતાની ઘરવાળી, કાલિકા, ચંડીકા(બાધેડુ) હોય તોય ભીનેવાને(મીઠેવાને) અને નમણી અને ગરીબડી જ દેખાય-આ બધા મોહ છે. આ જીવને મોટામોટાની બધી જ ભૂલ દેખાય, નાની ભૂલો તો તરી આવે. ક્યારેક તો ન હોય તોય દેખાયા જ કરે ને પોતાના મોટા ગાબડા હોય તોય દેખાતા જ નથી એ મોહ છે મોહને આપણી સાથે લડવાની રીત અલગ હોય છે. બીજા બહારના શત્રુને આપણી સાથે લડવાની રીત અલગ હોય છે મોહ એ માનસિક રોગ છે માનસિક રોગ અને શારીરીક રોગમાં તફાવત છે. બન્નેની સારવાર અલગ અલગ હોય છે ને તેના ડોક્ટર-વૈદ્ય પણ અલગ અલગ હોય છે. તેમાં મોટો તફાવત એ છે કે માનસિક રોગ જેને થાય તે પોતે પોતાને તે રોગનો રોગી ન માને અને બીજાને, સામાને અથવા અડખે પડખેનાને તે જાતનો રોગી દેખે. એ તેની વિશિષ્ટતા છે. ગાંડો માણસ પોતાને ગાંડો માને નહિ કે હું ગાંડો છું. કારણકે ગાંડપણુ એ માનસિક રોગ છે તે તો ખુદ ડોક્ટરને સારવાર કરવા વાળાને જ ગાંડો માને છે, પછી આજુ બાજુના બધાને. અને ડાહ્યો ને તંદુરસ્ત પોતાને એકનેજ માને છે તેમ મોહ પણ માનસિક રોગ છે તેમાં પણ તેવું જ વલણ હોય છે. મોહિત વ્યક્તિને પોતાની ભૂલ દેખાતી જ નથી. બીજાની જ ભૂલ દેખાય છે એવુ થાય ત્યારે મોહ વ્યાપ્યો છે એમ માનવું પણ જેને ગાંડપણુ આવે ત્યારે તેને સ્વપ્નામાં પણ ભાન થતું નથી કે હું ગાંડો છું. કે મારામાં ગાંડપણુ આવ્યું છે. તેમ મોહ જેને વ્યાપે છે તેને ભાગ્યે જ ભાન થાય છે કે મને મોહ થયો છે પડખેવાળાને કે બીજાને ખ્યાલ આવે છે કે આ ભાઈનું મગજ બેલેન્સમાં નથી, સમતુલતા ગુમાવી બેઠું છે. પણ મોટામા મોટુ જોખમ એ હોય છે કે ગાંડા માણસને એકલ-દોકલ માણસે તેને સામે ચાલીને કહેવા ન જવાય કે તમે ગાંડા છો કે તમને આવું થયું હોય એવું અમને લાગે છે. તો ત્યારેજ તે કહેનારની સારવાર કરી દે, ને કહેનારાની સલામતી રહેતી નથી. તેમ મોહમાં પણ એવું જ હોય છે કે તેનું ભાન આજુ બાજુ વાળા બીજા બધાને તેની ક્રિયા-વર્તન જોઈને થઈ જાય છે પણ જેને મોહ વ્યાપે તેને જ ન થાય. જેમ કોઈક માણસ સુતો હોય ત્યારે તેને ખબર હોતી નથી કે હું સુતો છું. જાગ્યા પછી ખબર પડે કે હું સુતો હતો. અથવા બીજા માણસોને ખબર પડે કે આ ભાઈ અત્યારે સુતા છે પણ તેમને કોઈ બતાવી શક્તું નથી કે તમને ગાંડપણું આવ્યું હોય એવું અમને લાગે છે! કારણકે સામાન્ય તંદુરસ્ત માણસો કરતા માનસિક બિમાર(ગાંડા) માણસો બે-પાંચ ગણા લોઠકા હોય છે માટે સાવધાની ન હોય તો કહેનારાને જાજુ નુકશાન કરી બેસે છે. મોહની એક બીજી વિશિષ્ટતા એ હોય છે કે તે જલ્દી નાશ થતો નથી. તેને નાશ કરવો ઘણો જ કઠિન છે. “મરે પણ મોરચો નવ ત્યાગે” રામાયણમાં રાવણને મૂર્તિમાન મોહનું રૂપ ગણવામાં આવે છે. રાવણમાં ને મોહમાં સરખા પણુ ઘણું જ છે રાવણ જ્યારે રામ ભગવાન સામે યુધ્ધ મેદાનમાં લડવા આવ્યો ત્યારે લડાઈમાં ઘણીજ વિચિત્રતા થઈ હતી. ભગવાન રાવણના માથા તથા ભૂજાઓ કાપી નાખે તો તુરતજ બીજા ઊગી નીકળતા હતા. લડવાવાળો એક જ માથાવાળો હોય અને સામે મોહરૂપી રાવણ દસમાથાને વીશ ભૂજા વાળો અને તે પણ એક વાર કાપી નાખે તો તુરત તેની જગ્યાએ બીજા ઊગી જાય. ઘડી ભરતો ભગવાન પણ મુંજાય ગયા કે હવે શું કરવું? આના મોહને કેમ મટાડવો? આપણે ભગવાનની કથામાં બેઠા હોઈએ ને ખુબ સારી ભગવાનની વાત થાય ને આપણે તદ્દ્રૂપ થઈ રહ્યા હોઈએ ત્યારે તો એમ લાગે કે આનો મોહ હવે ગયો! હવે મુક્ત થઈ રહ્યા! પણ

જ્યાં કથામાંથી ઊભા થઈએ ત્યાંતો રાવણના માથાની જેમ સજીવન થઈ જાય તેવીને તેવી દશા તે રાવણનું માથુ ઊગ્યું કહેવાય. હજારો વખત કથામાં, પૂજામાં- ઘક્કો કે આઘાત લાગે ત્યારે-આપણને અંતરની આંખ ઉઘડી જતી હોય છે ને સાચુ દેખાય જતું હોય છે ને જાણીએ રાવણ રૂપી મોહ મર્યો પણ એક સેકંડમાં ફરી પાછો ઊગી નીકળે છે. આવી મોહની વિચિત્રતા છે એટલે સ્વામી કહે છે “લડવા તણો નવ લાગ લાગે’ અર્થાત્ મોહ સાથે લડવું એટલે ભગવાન રાખવા. ભગવાન રાખવા કે મહારાજની આજ્ઞા પાળવામાં હજાર ભાતે ફેર પડાવી દે છે. મોહ એક વાર મરી જાય એવું આપણને લાગે તોય મોરચો છોડીને ચાલ્યો ગયો ને આપણે મોહને જીતી બેઠા એવું ન માની લેવું. આ લડાઈ મૃત્યું પર્યંત લડવાની છે. કોઈને શાંત પડી ગઈ એમ માની ન લેવું. નાના હોય કે મોટા હોય લડાય લડતા રહેવાનું છે. “કવિ ગુણી પંડિત બુધ્ધે બહુ આગળા…..’ કવિ એટલે ક્રાંતદૃષ્ટા. શુક્રાચાર્ય(ઉશના કવિઃ) કે બૃહસ્પતિ જેવા હોય પણ મોહની સામે લડવામાં ભાગવું પડયું છે, હારી ગયા છે. ગુણી-ગુણવાન હોય કે પંડિત હોય અર્થાત્ શાસ્ત્રમાંથી ઉપાયોને જાણનારા હોય કે પંડિત હોય પણ મોહ તેને ઉપાયોને અખત્યાર કરવાનો વખત રહેવા દેતો નથી. એવો તે આકરો યોધ્ધો છે. મોહને તો ભગવાનની કૃપાથી જ મારી શકાય છે. રાવણને તો ભગવાન જ મારી શકે, વાલી કે પરશુરામ ન મારી શકે.

કડી-૩

કામને ક્રોધ મદ લોભદળમાં મુખી લડવાતણો નવ લાગ લાગે

જોગીયા જંગમ તપસ્વી ત્યાગી ઘણા મોરચે ગયે ધર્મદ્વાર માગે-ધી.

મોહતો લશ્કરનો સેનાપતિ છે અને કામ, ક્રોધ, લોભ, મદ તેના યોધ્ધાઓ છે એક ને દબાવો ત્યાં બીજો સામે આવીને ઊભો રહે છે. આ બધા નાગડા બાવાની જમાત જેવા છે. સવાર સુધી વરરાજાનું પોંખણુ થવા દીધુ નહિ તેમ મહારાજને વરવામાં-પામવામાં આ બધા આડા આવીને ઊભા રહે છે ને વારો આવવા દેતા નથી. કોઈ સાધક કાંઈક સાધન કરે-સારૂ કાર્ય કરે, શીખે અને આવડી જાય અથવા તપ ત્યાગ રાખેને બરાબર થોડો ગુણ આવી જાય ત્યાં તો તેનો મદ આવી જાય, અહંકાર આવી જાય કે મારા જેવો કોઈ નહિ. કામ વ્યક્તિને નિર્માની રાખે ખરો પણ મદ તો અહંકારી બનાવી દે છે. નારદજીએ કામની સેનાને જીતી લીધી. હિમાલયમાં તપ કરતા હતા. તપને ભંગ કરવા ઈન્દ્રે કામને તેની સેના સહિત મોકલ્યો. પણ નારદજીને અપ્સરાઓ કે તેની સેનાથી કાંઈ વિકૃતિ થઈ નહિ. કામને બીક લાગી કે રખે શાપ દઈને બાળી દેશે માટે પગમાં પડ્યો. માફી માંગી, મારી ભૂલ થઈ ગઈ સ્તુતિ કરી કે તમારા જેવા મહાપુરૂષ આ જગતમાં બીજા કોઈ છે જ નહિ કે મારી સેનાને જીતી શકે. બસ એટલી જ સ્તુતિથી નારદજી બદલાય ગયા. તેને અંતરમાં પકડાય ગયું કે મારા જેવું કોઈ કરી શકે નહિ. અહંકારની ચિનગારી લાગી ગઈ પછી તો તેનો પોતે જ પ્રચાર કરવામાં લાગી ગયા. સફળ વ્યક્તિઓની આ મોટી બિમારી હોય છે, અહંકાર-મદ આવવો તે. તેથી કહે છે(ભ.ચિ.માં) કે “મઝાલ છે કે કાઢે પગ બહાર” માયા જીવને પડકાર કરીને કહે છે કે કોઈની તાકાત છે કે મારા સામ્રાજ્યની બહાર કોઈ પગ મુકી શકે? માટે કોઈ એક વાતમાં સફળ થાય ત્યાં માયા બીજે બારણેથી આંબી જાય છે ને મોહને માયા તેને ખરેખર સફળ થવા દેતી નથી. ગોવિંદ સ્વામિ કેવા વૈરાગ્યવાન? સોનામાં ને સ્ત્રીમાં ન લેવાણા પણ ગંગામાના દાળભાતમાં બંધાય ગયા. ભરતજીનો ત્યાગ કેવો? સામ્રાજ્યનો ત્યાગ સર્પ જેમ કાંચળી ઉતારી નાખે તેમ કરીને ચાલ્યા ને મૃગલીના બચ્ચામાં બંધાય ગયા. નારદજીએ કામ જીતી લીધો પણ અહંકારમાં ફસાય ગયા. અરે કોઈકને તો ભગવાનનો મહિમાં ગાતા ગાતા “ગંડવા” લાગી જાય તે ખુદ ભગવાન થઈ જાય ને પૂજાવાની ભૂખ-ભડભડીયો લાગી જાય છે. કાંતો મહિમા ગાતા ગાતા ધર્મ-નિયમ-આજ્ઞા તેને ગોઠણે ગોઠણે થઈ જાય ને પોતે અધર્મી થઈ જાય. શેખજી મહારાજનો મહિમાં ગાતા ગાતા પોતાની દાઢીના મહિમાનો પ્રચાર કરવા લાગ્યા. કે “દેખો મેરી દાઢી” ત્યારે તે મોહના દળમાં ફસાય ગયો કહેવાય. ધર્મદ્વાર માંગી લીધુ કહેવાય. એટલે ભગવાનની શરણાગતિ છોડીને શત્રુની શરણાગતિ સ્વીકારી લીધી કહેવાય. મુખમાં ઘાસના તરણા લઈને “તેરી ગૌ હું” એમ ધર્મદ્વાર માગ્યું કહેવાય. તે સાચો શૂરો ન ગણાય. સાચો સહજાનંદી ન ગણાય. આ માર્ગમાં તો ભલભલા જોગીઓ બીજા બધાના ઝાડા પેશાબ બંધ કરી દેનારા હોય પણ પોતાના બંધ કરી શક્તા નથી. હજારોને વૈરાગ કરાવી દે, વિષય છોડાવે, સત્સંગ કરાવી દે. પણ પોતે વિષય ભોગવવા લાગી જાય, પોતાને વૈરાગ્ય ન થાય. પોતાનો સત્સંગ છુટી જાય. એવા એવા તપસ્વીઓ-ત્યાગીઓ પણ આ દળની આગળ હારી ગયા છે સ્વામીનું તાત્પર્ય છે કે કોઈક પ્રભુનો વિરલો જ એવો નીકળે કે ઠેઠ મહારાજ પાસે પહોંચીને જ નિરાંત પામે. “સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણકો માન ન આવે’ એવા હોય તે મોહના સૌન્યને જીતે છે ને મહારાજ પાસે પહોંચે છે. બીજા રસ્તામાં જ શત્રુની શરણાગતિ સ્વીકારી લે છે. અર્થાત્ સ્વભાવ, વાસના, અંતર શત્રુને વશ થઈ જઈને રોકાય જાય છે. તેની સાથે ગઠ બંધન કરી લે છે સંપ કરી લે છે. મરતા સુધી નબળાઈની સાથે કટ્ટર-દૂશ્મનની જાળવી શક્તા નથી. ભગવાનને તો નબળાઈની સાથે સદાને માટે કટ્ટર દુશ્મની છે. તે ક્યારેય નબળાઈની સાથે સમાધાન કરી લેતા નથી. તેના સાચા સાધક પણ છેલ્લા શ્વાસ સુધી નબળાઈ સાથે સંધિ કરી લે એવા ન હોવા જોઈએ ત્યારે ધર્મદ્વાર માગ્યું ન કહેવાય અન્યથા ધર્મદ્વાર માગી લીધુ કહેવાય.

કડી-૪

એવા અરિસૌન્યશું અડિખમ આખડે ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે

મુક્તાનંદ મોહ ફોજ માર્યા પછી અટળ સુખ અખંડપદ રાજ માણે-ધી.

આગળ વર્ણન કર્યું. એવી શત્રુ સેનાની સાથે અડીખમ પણે એકલો આખડે છે. સામે આખી સેના છે પોતે એકલો છે. સેના પણ અરિની છે. અરી એટલે ગમે તેટલી માફી માગે, હાથ જોડે પણ હાથમાં આવ્યો ત્યારે દયા ખાયજ નહિ કટકા કરી નાખે એવી વેરવૃતિને અરિ કહેવાય છે. એક બીજાને ન બને તે અરિ નહિ તે દુશ્મન કહેવાય. પણ અરિ ન કહેવાય. એવા અરિઓની આખી સેના ભરાણી છે તેની સામે એકલાને લડવાનું છે .‘विजेतव्या लंका…..’ પણ ‘ક્રિયા સિદ્ધિ સત્વે…..” એમ કહ્યું છે. માટે અડિખમ આખડે એટલે પાછો ન પડે. શત્રુઓના વસમાં ઘા ખમીને પણ પાછી પાની ન ભરે “ખાડા ખસે પણ હાડા(કાઠી) ન હઠે’ જો પાછી પાની ભરે તો આખડયો ન કહેવાય. આખડવા ઉપરથી “અખાડો’ શબ્દ બન્યો છે. અખાડો એટલે જ્યાં સતત પહેલવાનો આખડતા હોય. એકવાર લડાઈ લઈને હારજીત થઈ ગઈ એટલે પુરુ થઈ જાય તો અખાડો નહિ. એ તો જીતે કે હારે તોય લડાઈ સતત ચાલુ જ રહે ત્યારે અખાડો મંડાણો કહેવાય. જીંદગી ભર નિરાંત આવવા જ ન દે. શત્રુ સામી મરણ પર્યન્ત એક ધારી સામી ઢીક લે ત્યારે આખડ્યા કહેવાય. બે મતવાળા સાંઢ કે પાડા બાધતા હોય તેની લડાય જોનારાને પણ કંપારી છુટી જાય તેવી હોય તેને આખડ્યા કહેવાય. અંતર શત્રુતો મતવાલા પાડા, આંખલા કરતા પણ વધારે ઝેરીલા છે જો લાગ આવે તો કટકા કરી નાખે તેવા છે તુરંતમાં નાક કાપી લે એવા છે. હાથમાં આવ્યો તો માફી આપતા જ નથી. તેની સામે લડવામાં “ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે.” સ્વામી કહે છે જે ગુરુ મુખી હોય તે આની સાથે યુધ્ધ કરી શકે છે એક તો મનમુખી સાધક હોય છે અને બીજા ગુરુમુખી સાધક હોય છે. પોતાનું ઘમંડ છોડીને સરળ થઈને ગુરુનો વિશ્વાસ કરીને બતાવેલા માર્ગ પ્રમાણે અંતરશત્રુ સાથે લડાય લે છે તે વિજયી થાય છે. તેમાં પણ એવા ગુરુ શોધવા જે પોતે નિર્મોહી હોય. અંહિ તો મોહના લશ્કર સામે લડાય લડવી છે ગુરુને જ જો ભરપુર મોહ હોય તો તેની દોરવણીથી વિજય નથી મળતો. સાચા ગુરુઓનો ભરોસો રાખવો તે ગુરુમુખી ગણાય છે સાચા ગુરુએ બતાવેલી યુક્તિ પ્રમાણે અંતરશત્રુ સાથે લડાય લે, દોષોની સામે પગ ભરાવે, દોષ ઉભા થાય તો પણ તેના વશમાં ન આવી જાય તેની વિરૂધ્ધ પગ ભરાવીને ઊભો રહે. ગુરુ તો બધા કરે છે પણ જો જરાક વધારે ટોકે ત્યારે ખબર પડે છે કે ગુરુમુખી છે કે મનમુખી. જરાક ટોક ટોક કરે તો આ બીજે ચાલ્યા અથવા મોગરો મરડાયને ખુણામાં બેસી જાય. તેનાથી આ સેના સામે લડી ન શકાય. દેહાભિમાની વ્યક્તિઓ ગુરુને શરણે મન સોંપી શકતા નથી. ગુરુનો કે ગુરુના માર્ગદર્શનનો અંતરથી સ્વીકાર કે આદર કરી શકતા નથી. ગુરુની સલાહ તેને આઉટડેઈટેડ લાગે છે તેઓને મનમુખી પણે મહાલવામાં જ મજા આવે છે. શાસ્ત્રની મર્યાદા જાળવવી કે ગુરૂની સલાહ પ્રમાણે વર્તવામાં તેને સંકુચિતતા લાગે છે. નાથ મોરડો કાઢીને મનમુખી પણે ચાલવામાં તે વિશાળ દૃષ્ટિ માને છે. ગુરુની સલાહ પ્રમાણે ચાલવામાં તેઓ બુધ્ધીહીનતા અનુભવે છે તેમ કરવામાં તેને પોતાનો વિકાસ રૂંધાતો દેખાય છે. મનમુખી પણે ચાલવું એ જ તેના વિકાસની વ્યાખ્યા હોય છે. દેહાભિમાનને કારસો આવે તે બધો જ વિકાસ રૂંધાયો એવું તે માને છે. ખરેખરા દેહાભિમાની કે મનમુખી બની જવાને જ તેઓ સાચો વિકાસ ગણે છે. તેમ છતાં પણ તેઓ કોઈ ખોટા ગુરુને એક ઓડા તરીકે સ્વીકારી લઇને પોતે પણ ગુરુમુખી બની રહે છે આમ તે પણ ગુરૂમુખી બનવાનું ચુંકી જતા પણ તે ગુરુ પોતાના મનનું ધાર્યું કરે તેવા હોય છે. પોતાને રોકે ટોકે તેવા ગુરુ તેને ચાલતા નથી અને ગુરુ વિના પણ તેને ચાલતું નથી. માટે વચ્ચેનો રસ્તો ખોટા કે સાલાપોલા ગુરુને તેઓ સ્વીકારીને ગુરુ ઉપર મહાઉપકાર કરતા હોય છે અને મુક્તાનંદ સ્વામીના શબ્દો “ગુરુમુખી બનવું’ ને ચરિતાર્થ કરતા હોય છે. પરંતુ અંહિ તો મોહની ફોજ જીતે ત્યારેજ તેને અટળ સુખની પ્રાપ્તિ થાય છે ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે સાધક જ્યારે એક બીજાનું ધાર્યું ન થાય તેટલી વાતમાં અકળાય જાય છે ત્યારે અંતરના દોષોને ટાળવાતો કેટલા મુશ્કેલ છે? તે માટે ગુરુમુખી થવાય ત્યારેજ પાર આવે છે.