દે પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ;
ખોટાહ સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂવા સુધી. ૧
તેણે જનમ પશુને પાડ, ખોયો ખાવા કારણે;
મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે. ૨
ફેરો ન ફાવ્યો થયો ફજિત, જીત ગઇ જળમાં;
મેલી મુક્ત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં. ૩
આપ ડા’પણે આખો દિવસ, દુઃખે ભર્યો દોયલો;
કહે નિષ્કુળાનંદ અવશ્ય, ખાટ્યો માલ ખોયલો. ૪
વિવેચન :-
કેવળ દેહ પોષવા માટે જ જેનો પુરુષાર્થ છે અર્થાત્ દેહભાવનો નિભાવ કરવા માટે જ પુરુષાર્થ કરવો એ કુબુદ્ધિ છે, પશુબુદ્ધિ છે. ખરેખર તો પશુબુદ્ધિ કરતાં પણ હલકી બુદ્ધિ ગણવી જોઇએ પણ શાસ્ત્રમાં તેનાથી હલકી બુદ્ધિ કોઇ બતાવી નથી. માટે સ્વામી ત્યાં અટકી ગયા છે, કારણ કે પશુઓનો તમામ ઉદ્યમ દેહને પોષવા માટે કે દેહભાવને નિભાવવા માટે જ થાય છે પણ તેને તેમાં કોઇ દંભ કરવો પડતો નથી. તેઓ ખુલ્લં ખુલ્લો ઉદ્યોગ કરે છે અને ભગવાને તેવું કરવા તેને છૂટી આપી છે. કાગડા, કૂતરાં, ગધેડાં જેવાં હલકાં ગણાતાં પ્રાણીઓ પણ પેટ ભરવા દંભ નથી કરતા. મહેનત કરી લે છે. કહેવાય છે કે બગલો દંભ કરે છે પણ તેમાં દંભ બુદ્ધિ નથી તે તો તેની કુદરતી રીતભાત જ એવી છે. તે પેટ ભરવા માટે દંભનો ઉપયોગ કરવો પડતો હોય તેવા તો એક માણસ સિવાય કોઇ પણ મળશે નહિ. તેમાં પણ અહીં તો ઉચ્ચ કોટિના ગણાતા હોય તેવા સાધુઓના આશ્રમને અમસ્તુય પેટ ભરવાનો ઉદ્યમ કરવાનો હોતો નથી પણ દેહ ભાવો પૂરા કરવા દંભ જરૂર કરવો પડેછે માટે સ્વામીને કોઇ વધારે શબ્દો ન જડતાં ખાલી કુબુદ્ધિ એવો પ્રયોગ કર્યો છે.
એમની તમામ મહેનત છે તે ખોટા માટે છે. નાશવંત સુખ માટે છે. ખરેખર સાધુઓને તો પેટ માટે મહેનત કરવાની જરૂર રહેતી નથી. પછી ભલે તે અંતરમાં અસાધુઓ હોય તો પણ વેશનો જ એવો પ્રતાપ છે કે દેહનિભાવ માટે, આજીવિકા માટે ઉદ્યમની જરૂર નથી. એટલી તો સમાજમાં આસ્થા પડી છે કે તેને નિભાવશે પણ લોકના નાશવંત અને ઘટિત ન હોય એવા પણ સુખ વૈભવો જોઇએ છે અથવા પોતાની અંદરની યોગ્યતા ન હોય તેવા માન, મોટાઇ, સત્તા કીર્તિનું સુખ મેળવવું હોય છે ત્યારે કે એટલા માટે જ મૃત્યુ સુધી પ્રયત્ન મૂક્તા નથી. ખરેખર તો સાધુ જીવન તો મોક્ષને માટે જીવવાનો આશ્રમ છે, કલ્યાણને માટે જીવવાનો આશ્રમ છે. તેનું બારણું તો એમણે બંધ કરી દીધું છે અને માથે કડી જડી દીધી છે અર્થાત્ સીલ કરી દીધું છે. જૂના જમાનામાં રજવાડા કે રાજ સત્તા કોઇ મિલકતને સીલ કરવી હોય ત્યારે ઉપર લોખંડની કડી લગાવી દેતા તેનું તાત્પર્ય એ છે કે કોઇની તાકાત નહિ કે તેને ખોલી શકે. તેમ આ આશ્રમમાં કલ્યાણ માટે આવ્યા તેમણે જ પોતાના આચરણથી પોતાના મોક્ષ માર્ગને સીલ કરી દીધો અને એવે જ રસ્તે ચડી ગયો કે આ વખતે તો મોક્ષ ન મળે પણ આ જિંદગીમાં સાધુના પવિત્ર વેશમાં રહીને બીજા જન્મોમાં પણ મોક્ષે જવાની શક્યતા રહેવા ન દીધી.એનો આશ્રમ તો વ્યર્થ ઉદ્યમમાં ખોવાઈ જાય છે પણ ભગવાને અતિ દુર્લભ મનુષ્ય દેહ જે આપ્યો છે તે પાણીમાં ચાલ્યો જાય છે, કારણ કે મનુષ્ય દેહ મેળવીને તો મુક્તોના સમાજમાં આદર મેળવવાની તક મળી છે અને જો એવું જીવે તો મુક્ત સમાજ તેનું સન્માન કરે છે પણ આણે તો ખળમાં ખ્યાતિ જમાવી છે. બધા જ ગુન્હાખોર લોકો આમની પાસેથી માર્ગદર્શન લેવા આવે છે અને આના જીવનમાંથી કંઇક ને કંઇક વધારે ગુન્હાખોરી કરવાનું માર્ગદર્શન મળી રહે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાને પૂર્વના પુણ્યને આધારે મનુષ્ય દેહ આપ્યો હતો અને તેમાં પણ અતિ પુણ્યને આધારે આ આશ્રમની પ્રાપ્તિ થઇ ગઇ. તે બધું આ મૂર્ખાએ પોતાની બુદ્ધિના ડહાપણથી ધૂળમાં મેળવી દીધું છે.