એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની;
જેના અંતરમાં દિન રાત, ઇચ્છા વિષય સુખની. ૧
એને અર્થે કરે ઉપાય, શોધી સારા ગામને;
પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય દામ વામને. ૨
કરે કથા કીર્તન કાવ્ય, અરથ એ સારવા;
ભલો દેખાડે ભક્તિભાવ, પર ઘર મારવા. ૩
એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું;
કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું. ૪
વિવેચન :-
એવા અંતરમાં વિકૃતિઓના ઢગલાવાળા દુજર્નોની સારી અને સુંવાળી વાતો આપણા જીવનું ભૂંડું કરનારી હોય છે. દુઃખ દેનારી હોય છે. કોઇ કહેશે કે સરસ ઉપદેશની વાતો હોય તેનાથી દુઃખ કેમ થાય? આપણે તો તેના ઉપદેશની વાતોને જીવનમાં વણવા સાથે મતલબ છે. પણ ભાઇ ! એવું એ લોકો રહેવા દેતા નથી. એ લોકો હંમેશાં આપણા કરતાં હોશિયાર હોય છે. હંમેશાં દેવતા કરતા અસુરો હોશિયાર અને પ્રવીણ જ થતા આવ્યા છે અને જો એવા એ ન હોય તો સમાજમાં તેને કોઇ રોટલો પણ ન આપે અને તેના અસ્તિત્વનો સવાલ ઊભો થાય. માટે તેઓ વાત સાથે નહિ પણ વ્યક્તિ સાથે મતલબ બંધાવી દે છે. સ્વામી કહે છે કે, જેના અંતરમાં રાત્રી-દિવસ જગતના ભોગ મેળવી લેવાના, માન મોટાઇ કીર્તિ કે સત્તા મેળવી લેવાના કે પોતાનો અહં પોષવા કે વિષયસુખ મેળવી લેવાના ભડકા બળતા હોય તેની રૂડી-રૂપાળી વાતથી પણ સુખ નથી થતું. ઊલટું દુઃખ થાય છે. અને જેના અંતરમાં પરમાત્મા વિરાજી રહ્યા હોય તેની રફ વાતો હોય, ક્યારેક ગળે ઊતરે તેવી ન હોય તો પણ સુખ દેનારી થાય છે.
અસાધુ-અસજ્જન પુરુષો પોતાની નબળાઇઓ અને નબળા ઇરાદાઓ પૂરા કરવા માટે પ્લાન ગોઠવીને સારો એવો ઉદ્યમ કરતા હોય છે. તેઓ પોતાની નબળાઇઓ જ્યાં બરાબર કામયાબ લાગે તેમ હોય તેવા ગામને શોધે છે. તેઓ સારી આવકવાળા મંદિરનો વહીવટ જ ગોતશે અથવા નવું મંદિર બનાવીને કે સંસ્થા બનાવીને તગડી આવક ઊભી કરશે. દાન દેવામાં આગળ અને સમજવામાં ભોટ એવા બધા જ દાનવીરોની ચોટલી પકડીને બેસી જશે. સ્વામીએ ત્યારે એટલું લખ્યું કે ‘શોધી સારા ગામને’ પણ હવે આ ઉમેરી દેવું જોઇએ કે એવું લાગે છે અથવા એનો ગૂઢાર્થ એવો સમજવો જોઇએ. આ બધું કરે છે તે ભગવાનનું કામ કર્યા વિના રહેવાતું નથી એટલા માટે કરે છે? કે ભગવાનને અતિ રાજી કરવા કરે છે.? ના, ના, ‘ચહાય દામ વામને’ માટે થાય છે. એ જ તેનું અસાધુપણું છે. નહિતર કથા કરવી કે મંદિર કરવા એ સારી વાત છે પણ એ વસ્તુ શા માટે થાય છે? તે વસ્તુ સાધુતા-અસાધુતાનું કારણભૂત બને છે. સમાજમાં પોતાના મતલબને પૂરા કરે તેવા, ક્રીમરૂપ થોડા આગેવાનોને પકડે છે અને તેના હૃદયમાં પોતાની મોટાઇ ફીટ કરવા પ્રયત્ન કરે છે અને મોટે ભાગે તેઓ સફળ જ રહે છે. કારણ કે તેઓને પોતાના જીવનમાં એક અને એક માત્ર આવું જ પ્રયોજન-ધ્યેય હોય છે.
આડકતરી ભાષામાં તેઓ પોતાનો મહિમા ગાય છે. સીધો પોતાનો મહિમા કહે તો માણસો જલદી કબૂલ ન કરે પણ તેઓને એવા ઉપાય આવડતા હોય છે કે કેવી રીતે તેઓ કબૂલ કરે અને તેમ કરતા હોય છે. તેઓ કથા પણ શીખી લેતા હોય છે. એટલું જ નહિ પોતે ભાવ-દરિયામાં આપ્લાવિત થઇને પ્રેમલક્ષણાના કે જ્ઞાનની પરાકાષ્ટાનાં કાવ્યો પણ બનાવતા હોય છે ને ગાતા હોય છે, કારણ કે તેઓને પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય કીર્તનમાં હૃદય ઠરતું હોતું નથી. પોતાનો ઇરાદો પણ બર આવતો હોતો નથી. તેથી પ્રેમભક્તિથી લબાલબ ભરેલાં અથવા જ્ઞાન-વૈરાગ્યથી તરબતર નવું સજર્ન કરે છે. સ્વામી કહે છે કે, ‘પર ઘર મારવા’ પારકાને આંટી દેવા. એવી ભાવસભર રચનાઓથી તેઓના જીવને કોઇ સમાસ થતો નથી, કારણ કે રચના કરતી વખતે જ બીજાને સમાસ કરવાનો વિનિયોગ સંકલ્પ કરેલો હોય છે. સ્વામી કહે છે કે, એથી કોઇનું કલ્યાણ થઇ જતું નથી. એમ મુમુક્ષુએ નિષ્કુળાનંદ સ્વામીની વાત નોંધવા જેવી છે અને ‘પેખીને પરમાણવું’ અર્થાત્ ઊંડો તપાસ કરીને પોતે અનુભવ કરવા જેવું છે. સ્વામી કહે છે કે, હું કહું છું એટલાથી જ માનીને સંતોષ માની લેવો એવું નથી પણ પોતે પણ ઊંડો તપાસ કરીને અનુભવ કરવો.