ઢાળ-૧ : પદ-૫

જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે;
એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે. ૧

માન મમતા મત્સર મોહ, ઇર્ષ્યા અતિ ઘણી;
એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી. ૨

તેને સેવતાં શું ફળ થાય, પૂજીને શું પામિય;
જે જમાડિયે તે પણ જાય, ખાધું જે હરામિયે. ૩

એનાં દર્શન તે દુઃખદેણ, ન થાય તો ન કીજિયે;
સુણી નિષ્કુળાનંદનાં વેણ, સહુ માની લીજિયે. ૪

વિવેચન :-

સ્વામી બતાવે છે કે જેના અંતરમાં કામ, ક્રોધ, લોભની લાય બળે છે. જેના મૌન ઇરાદાઓ સારા નથી હોતા. જેના અંતર ઇરાદાઓ કામ, ક્રોધ, ઇર્ષા, માન, મોટાઇ, કીર્તિ, લાભ, ભોગ, સત્તા, મમતા, આસક્તિ, વાસના, સ્વાર્થ, પ્રપંચ, કુટિલતા એવી અનેક નબળાઇઓથી તરબતર ખરડાયેલા હોય છે. સભામાં, સમાજમાં બોલવાની એક રીતિ છે કે સમાજમાં જે વાણી કે વાક્યોની કિંમત અંકાતી હોય તે જ બોલવાના હોય છે. ઊલ્ટા માર્કેટ વેલ્યુ જેની એકદમ વધારે હોય, શ્રોતાજનો મોંમાં આંગળા નાખી જાય કે અરે ! વક્તાશ્રીના મુખમાં આ દુર્લભ સત્યો! મોતી ઝરે છે. એવાં શોધી શોધીને બોલવાના હોય છે; પરંતુ માણસ એવું બોલે એટલે તેનો અંતર ઇરાદો તે જેવું બોલે છે એવો જ હોય એવું માની લેવાને કોઇ કારણ નથી હોતું. તેથી સ્વામી કહે છે કે, જેના અંતરમાં….. તેનો અંતર ઇરાદો, મૌન ઇરાદો શો છે ? તેનું શાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે પૃથ્થકરણ કરો.

ઇરાદો બોલવામાં પ્રગટ થતો નથી. તેના જીવનની છૂટી ઘટનાઓને ભેળી કરી જોવાથી જણાય છે. એકાંતમાં ખુલ્લી થતી નબળાઇઓથી જણાઈ આવે છે. વેવલો અનુયાયી વર્ગ સેવા કરવા ઘેલો થયો હોય ત્યારે પ્રગટ થાય છે. તેની મેળવણી કરવાથી જણાઈ આવે છે. કથામાં કેટલાં સૂત્રવાક્યો બોલ્યા તેનાથી જણાતો નથી. સ્ટેઇજ પ્રોગ્રામમાં કેટલા સફળ ગયા તેના ઉપરથી સાધુતાનો તોલ કાઢી શકાતો નથી. જેમ સાચા ભક્ત કે સાચા સંત ભગવાનને અંતરમાં ધારી રહે છે તેમ આ મહાપુરુષો આવા અધર્મ સર્ગને અંતરમાં અખંડ ધારી રહે છે. એક ઘડી પણ તેનાથી અળગા થતા નથી અને બહાર પણ દેખાવા દેતા નથી એ તેની વિશેષ ખૂબી છે, કળા છે. સિવાય કે અસાવધાનીમાં ક્યારેક દેખાઈ જાય તો! વળી સ્વામી કહે છે કે, એવા બહુ કરતા હોય બોધ….. સાચાની સરખામણીમાં આ લોકો ઊંચી ક્વોલીટીનો બોધ આપતા હોય છે અને પુષ્કળ ક્વોન્ટીટીમાં આપતા હોય છે અને ચકાચક ફીનીશિંગવાળો આપતા હોય છે કે જે લઇ આવ્યા પછી સીધે સીધો તેનો ઉપયોગ થઇ શકે. ઘેરે લાવ્યા પછી કાંઇ પણ સમોનમો ન કરવો પડે.જ્યારે સાચા છે તે પણ બોધ તો આપતા જ હોય છે પણ આવો ન આપી શકે. તે થોડો રફ હોય અને એટલી બધી પરાકાષ્ઠાનો નથી હોતો. હમણાંની તાજી જરૂરિયાત પૂરતો માંડ માંડ થોડો થોડો આપતા હોય છે. તેથી સ્વામી કહે છે, અસાધુઓને સેવતા શું ફળ થાય? નિષ્કુળાનંદ સ્વામીનો કુહાડો થોડો વધારે ભારે હોય છે. તેથી આ લાઇનના ઉમેદવારોની ઉપલી છાલ ઉખેડતાં ઉખેડતાં આંતરછાલ પણ ઉખેડી નાખે છે. તેની પાસે કલ્યાણ માટે કોઇ ન જાય તો તો વાંધો નહિ પણ તેને રોટલો દેવા પણ કોઇ ન જાય તેવું કરી મૂકે છે. પછી તો અંતરછાલ જ ઉખડી જાય તો? સ્વામી કહે છે, તેને જમાડવાથી ભગવાન જમાડવાનું ફળ મળવાની આશા છોડી દેવી. સામાન્ય અન્નદાનનું પણ ફળ મળતું નથી. જેટલું જમાડીએ બધું વ્યર્થ જાય છે. જેનો અંતર ઇરાદો હરામી છે તેના દર્શન પણ પરલોકમાં અને આ લોકમાં દુઃખદાયી છે. જો શક્ય હોય અને તેનાથી વંચિત રહી શકાતું હોય તો વંચિત રહી જવું સારું છે. સ્વામી ‘એવા પાપીનું સ્પર્શતાં અંગ પુણ્ય જાય પોતા તણું રે…(૪)’ માટે કલ્યાણને ઇચ્છનારે એ વસ્તુનો આગ્રહ ન રાખવો. નિષ્કુળાનંદ સ્વામીના અનુભવનો વિશ્વાસ રાખીને વાતને અંતરમાં માનવી.