ઢાળ-૧ : પદ-૪

નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાય નથી;
સહુ અંતરે કરો વિચાર, ઘણું શું કહું કથી. ૧

એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું;
એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું. ૨

એમ એક પૂજ્યે પૂજ્યા સહુ, સેવ્યે સહુ સેવિયા;
માટે ઘણું ઘણું શું કહું, ભેદ ભક્તના કહ્યા. ૩

હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીયે;
કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીયે. ૪

વિવેચન :-

સ્વામી કહે છે કે, આ વાત જરા પણ જૂઠી નથી જો ખાતરી ન આવતી હોય, વિશ્વાસ ન આવતો હોય તો શાસ્ત્રોનો ઇતિહાસ તપાસી લો. વધારે તો હું શું કહી શકું? એક જમતા બોલિયો શંખ અસંખ્યથી શું સર્યું? એક જમીને બોલ્યો નિઃશંક યમુના જાવા કર્યું. દુર્વાસા મુનિના જ બન્ને પ્રસંગો છે. યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞનો પ્રસંગ છે. હજારો માણસો જમવા છતાં યજ્ઞની પૂર્ણાહુતિ જે રીતે થવી જોઇએ તે રીતે થતી નથી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને માર્ગદર્શન કર્યું કે દુર્વાસા ઋષિ ભૂખ્યા બેઠા છે તેને જમાડો ત્યારે પૂર્ણાહુતિ થશે અને તેમ કરવાથી થયું. બીજો પ્રસંગ મથુરાનો છે ભગવાને ગોપીઓને આજ્ઞા કરી કે યમુનાને સામે કાંઠે દુર્વાસા પધાર્યા છે તેને જમાડો. પ્રસંગ તો જગવિદિત છે ગોપીઓ ત્યાં થાળ લઇને જાય છે તમામ ગોપીઓના થાળ જમ્યા પછી દુર્વાસા નિઃશંક થઇને બોલ્યા કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો રસ્તો આપો. ત્યારે યમુનાજીએ સાક્ષી પૂરી છે કે દુર્વાસા સદા ઉપવાસી છે ને યમુનાજી ગોપીઓને રસ્તો આપે છે.

દુર્વાસાના અંતરમાં સચ્ચાઇનો એક રણકાર ઊઠતો હતો કે મેં મારા વ્યક્તિત્વ માટે કે મારા આ જગતના સ્વાર્થ માટે હું સમજણો થયો પછી જમ્યો જ નથી. આજની ક્યાં વાત કરું પણ જીંદગીમાં જમ્યો નથી. દુર્વાસા સદા ઉપવાસી છે. તાત્પર્ય એ છે કે મેં કોઇ દિવસ આ જગતનું મારા વ્યક્તિત્વના લાભમાં, માન મોટાઇ સત્તા, ભોગ, સંગ્રહ, સગવડતા, કીર્તિ એવા કોઇ પ્રયોજન સિદ્ધ કરવા આ દુર્વાસાએ કોઇ પુરુષાર્થ કર્યો નથી. જે કોઇ કર્યો છે તે મહારાજ કહે છે કે વિશ્વાત્મા એવા શ્રીકૃષ્ણનારાયણ તેને તૃપ્ત કરવા તેની સાથે એકાત્મપણાને પામીને અર્થાત્‌ કેવળ અને કેવળ પરમાત્માને તૃપ્ત કરવા અને રાજી કરવા જ કર્યો હશે. દુર્વાસાએ શાપ દીધો હોય કે વરદાન, જમ્યા હોય કે ઉપવાસ પણ દુર્વાસાએ પોતાને માટે ક્યારેય કોઇ પુરુષાર્થ કર્યો નથી. દુર્વાસાના હૃદયની સચ્ચાઇનો આ રણકાર હતો. આજે પણ દુર્વાસાની દેશી કાઢનારા સંતો હોઇ શકે છે. તેનો પડકાર તો દુર્વાસા કરતાં પણ વ્યાસ પીઠ ઉપરથી શ્રોતા પ્રત્યે મોટો હોય છે. પણ રણકાર નથી હોતો. તેઓ મંચ ઉપરથી ઊતરીને બીજું કરતા હોય છે. તેથી શ્રી કૃષ્ણનારાયણ કે યમુનાજી તેના પડકારને સહકાર નથી આપતા. નહિ તો શ્રીજી મહારાજે પણ ગ.અં.૩૫મા વચનામૃતમાં બતાવ્યું છે કે તેની સેવા કર્યાથી ભગવાનની સેવા થાય છે. તેનો દ્રોહ કર્યે ભગવાનનો દ્રોહ થાય છે. તેને જમાડવાથી બ્રહ્માંડ જમે છે. તેને પૂજવાથી તમામની પૂજા થાય છે. એ બધું તો સનાતન સત્ય છે. તેને કોઇ અસત્ય કરી શકે તેમ નથી પણ ભક્તનો વેશ કાઢવા માત્રથી કે સભામાં ગજર્ના કરવાથી તે કાર્ય થતું નથી. તે પોતાના જીવને હોડમાં મૂકવાથી શક્ય બને છે તેથી સ્વામી કહે છે. એવા વિના જે અનેક અર્થાત્‌ એવા સાચા તો લાખોમાં કોઇક એકાદ મળશે અને તે વિના એવા ટાઇટલનો મફતિયો લાભ લેનારા તો લાખો મળી આવે છે લાખો પણ નહિ તેની સંખ્યા ન લખી અને કહે છે કે અનેક છે. તેને સેવવાથી સુખ આવતું નથી અર્થાત્‌ શાસ્ત્રમાં ભક્તની સેવાનું કે સંત સેવનનું ફળ બતાવ્યું છે. તે મળતું નથી ઊલટી ખોટ જાય છે.