ઢાળ-૧ : પદ-૨

એવા સંતતણી ઓળખાણ, કહું સહુ સાંભળો;
પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો. ૧

જેના અંતરમાં અવિનાશ, વાસ કરી વસિયા;
તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા. ૨

એવા શત્રુતણું ટળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા;
તેણે સંત થયા છે નિહાલ, પૂરણ કામ થયા. ૩

એવા સંત જે હોય સંસાર, શોધીને સેવિજિયે;
કહે નિષ્કુળાનંદ નિરધાર, તો લાભ તે લીજિયે. ૪

વિવેચન :-

જે સંતનો મહિમા ભગવાન તુલ્ય કહ્યો છે. (સંત તે સ્વયં હરિ એવું બતાવ્યું છે.) તે સંતને ઓળખવાની પ્રક્રિયા હવે હું કહું છું. તે તમે સર્વે સાંભળો, પછી તેને મન અને પ્રાણ સોંપી દો અને એ જેમ વાળે તેમ વળી જાઓ. અહીં સ્વામી એમ નથી કહેતા કે હું સંતોનાં લક્ષણ કહું છું પણ એમ કહે છે કે સંતોને ઓળખવા કેમ ? એ કહું છું. એનું તાત્પર્ય એ થાય છે કે જે વસ્તુની માર્કેટ વેલ્યુ (બજારમાં કિંમત) વધે એટલે તેની નકલ કરનારા વધી જાય છે. સંતનો મહિમા ભગવાન જેવો કહેવાયો છે. એટલે ખોટા બધાને જ સાચા સંતનો વેશ લઇને ભગવાન બનવાની મોઢામાંથી લાળુ પડવા મંડે છે અને સાચામાં ખપી જવા લાઇનમાં આવી જાય છે. દોડીને સાચા સંતોથી લાઇનમાં આગળ આવી જાય છે. એટલે ગ્રાહકોના હાથમાં અર્થાત્‌ મુમુક્ષુઓના હાથમાં આપણે જ આવીએ. પછી તો આપણે સવાર છીએને! તેમને જે દિશામાં લઇ જવા હશે તે દિશામાં લઇ જવાશે. માટે સ્વામી કહે છે તેની ઓળખાણ કરાવું છું. ઓળખાણમાં જમા અને ઉધાર બન્ને પાસાં તપાસવાં પડે છે ખાલી સાધુનાં લક્ષણથી સાધુતાની ઓળખાણ પૂરી થઇ જતી નથી.
સ્વામી સંતનાં લક્ષણ બતાવતાં કહે છે કે ‘જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા…..’ સાધુ એને કહેવાય કે જેના અંતરમાં ભગવાનને કેદ થઇ જવું પડે છે. તે ભાગવતમાં કહે છે કે ‘विसृजति हृदयं न यस्य साक्षात्‌ निमिषार्धमपि यस्य स वैष्णवाग्रयः(भागवत)’ સાધુતાની કસોટી એ છે કે તેઓ પરમાત્મા સાથે તદાત્મક કેટલા થયા છે ! સાધુને કેટલા માને છે કે તેઓ ચમત્કારો કેટલા સર્જે છે તે નથી. પરમાત્મા તેના હૃદયમાં આવવાથી કામ, ક્રોધ, લોભ, મોહ કેટલા દૂર થયા છે એ એની ઓળખાણ છે. ક્યા સાધુ કહેશે કે અમારામાં લબાલબ ભગવાન નથી ભર્યા? ભગવાનની સાથે અંતરથી કોઇ સાંધો ન હોય તો પણ રોટલા માટે નાટક કરવું જ પડે અને અમારામાં ભગવાન લબાલબ ભર્યા છે એવું બતાવવું જ પડે. માટે ભગવાન અંતરમાં વસે છે તો અંતઃશત્રુ એટલા દૂર થાય છે એ તેની ઓળખાણ છે અને તેનાથી તેને પૂર્ણકામપણું મનાય છે, અનુભવાય છે. એટલે જગતની કે માન મોટાઇની અભરખાઓ દૂર થાય છે. સ્વામી કહે છે કે, એવા સંત જો હોય તો શોધીને સેવીજીએ એટલે કે તપાસ કરીને તેની સેવા કરવી જોઇએ. ‘શોધવું’ નો અર્થ તપાસ કરવો પણ થાય છે અર્થાત્‌ ખોવાઈ ગયું હોય તેને હાથવગું કરવું તથા મળ્યા પછી ચેક કરવું કે પૃથ્થકકરણ કરવું કે મારે જે જોઇએ છે તે જ આ અથવા આમાં છે કે બીજી વસ્તુ છે ! તેને પણ શોધવું કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કહે, શોધીને પછી સેવન કરજે તો લાભ મળશે નહિ તો ખોટ્ય પણ જાય, કારણ કે આગળ સ્વામી જ બતાવે છે કે ‘જે જમાડીએ તે પણ જાય ખાધું જે હરામીએ.