એક વાત અનુપ અમૂલ્ય, કરું છું કહેવાતણું;
પણ મનભાઇ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું. ૧
પણ વણ કહ્યે જો વિગત્ય, પડે કેમ પરને;
સંત અસંતમાં એક મત્ય, નિશ્ચે રહે નરને. ૨
માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લૈયે;
મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કૈયે. ૩
કે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં;
સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં. ૪
વિવેચન :-
વૈરાગ્ય મુર્તિ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ આ ચોસઠપદી ગ્રંથ રચ્યો છે. તેમાં સાધુનાં લક્ષણો બતાવ્યાં છે. સાથે સાથે અસાધુ કેવા હોય છે તે પણ બતાવી દીધું છે. મોક્ષના માર્ગમાં સાધુ અસાધુની ઓળખાણ ઘણી મહત્ત્વની છે. કદાચને સાધુપુરુષો મળી જાય અરે ! ખુદ ભગવાન પણ મળી જાય તો પણ જો પૂરી ઓળખાણ ન હોય તો તેનો ઝાઝો ફાયદો થતો નથી. ભગવાન અને સાધુની બાબતમાં જેટલી તેમની ઓળખાણ થાય છે તેટલી જ તેમની પ્રાપ્તિ થઇ ગણાય છે. કેવળ સ્થૂળ ભાવે તેને મળવું એટલું માત્ર પ્રાપ્તિ ગણાતી નથી. તેમાં સાધુનો સાચો પરિચય થવા કરતાં પણ અસાધુની ખરી ઓળખાણ થવી ઘણી કઠણ છે અને તેને ઓળખ્યા વિના તેના આવરણથી મુક્ત થવાતું નથી.
સામાન્યપણે સાધુ તો પોતાનાં શુભ લક્ષણો છુપાવતા નથી અને કદાચ છુપાવતા છતાં કોઇ જાણી જાય તો અંતરથી રાજી થાય છે. જ્યારે અસાધુ મહાત્માઓ પોતાની અસાધુતાને છુપાવી-ભંડારીને સાતમે પાતાળે દબાવી રાખવા મથે છે. તેને તો તેને છુપાવવામાં પ્રાણ સટોસટની બાજી ખેલવી પડે તો ખેલી લે છે. તેથી માણસ આ સાધુપુરુષ છે એવું જલદી પારખી શકે ખરો પણ આ અસાધુ છે તેવું જ્ઞાન થવું તે અસાધુ પુરુષો થવા દેતા નથી. તેથી સદ્. નિષ્કુળાનંદ સ્વામી જ્યાં સાધુનાં લક્ષણની વાત કરે છે ત્યાં સાથે સાથે અસાધુતાનાં લક્ષણો પણ જણાવી દે છે. આ વાતની જ સ્વામીની વિલક્ષણતા છે. સાધુઓનાં લક્ષણ તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યાં છે અને મહિમા ગાયો છે પણ સાથે સાથે અસાધુઓ પ્રત્યે લાલ બત્તી નિષ્કુળાનંદ સ્વામી સિવાય કોઇએ બતાવી નથી. આ ચોસઠ પદીમાં સંતનાં લક્ષણો, તેનાં સંગનો મહિમા અને લાભ બતાવવાની સાથે અસંતનાં લક્ષણો તેના મનોભાવો, તેના મૌન ઇરાદા કેવા હોય છે અને તેનાં સંગથી થતા ગેરલાભનું ભારે નૈસર્ગિક વર્ણન સ્વામીએ કર્યું છે. જે મુમુક્ષુને માટે દીવાદાંડીરૂપ છે અને મુમુક્ષુનું વહાણ ભેખડે ભટકાઈ ન જાય તે માટે ખૂબ જરૂરી છે.
સ્વામીએ આ ગ્રંથ લખ્યો તેનું કારણ એ છે કે ભગવાનને રસ્તે ચાલતી દૈવી પ્રજામાં શ્રદ્ધા વિશ્વાસ તો બહુ જ છે. તેની ખોટ્ય નથી પણ વિવેકની ઘણી જ ખામી હોય છે. એમાં પણ જ્યારે મહાત્મા પુરુષો મહિમાના ઘેનની ગોળી પાઇને વિવેકની આંખને બિલકુલ પટ્ટી બાંધી દેતા હોય છે ત્યારે પ્રજા વિવેક વિના આંધળી ને વળી મહિમાથી ગાંડી થયેલી હોય છે. ત્યારે મહાત્માઓને ઘી-કેળાં થાય છે. આમ કરે ત્યારે અસાધુ પુરુષો પોતાના મનગમતા ભોગ-વૈભવ તેની પાસેથી સરળતાથી પડાવી શક્તા હોય છે. સાચા સંત પુરુષોને નિદરેષ પ્રજાનું દિલમાં દાઝે છે એવા જ દિલના દદર્થી સદ્. નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ લખી રહ્યા છેસ્વામીના મનમાં ઘોળાયા કરે છે કે આ વાત કરું? પણ સ્વામીને થાય છે કે ના, ના, વાત નથી કરવી. વળી વિચાર થાય છે જો નહિ કહું તો બિચારા નિદરેષ મુમુક્ષુઓ, દૈવી જીવો જમની ભાગોળે જશે માટે કહી જ દેવા દે. સ્વામીના મનમાં ન કહેવાની ઇચ્છા થાય છે. તે શા માટે થાય છે તેનું કારણ લખતા નથી કે આવી સારી વાત શા માટે નથી કહેવી પણ આગળ સ્વામી બતાવે છે કે આ વાત કહીશ તો અસાધુના મનમાં વિખ વવાઇ જાશે, તેઓ ખળભળી ઊઠશે છતાં નિષ્કુળાનંદ સ્વામી તો શ્રીજી મહારાજના નીડર સંત છે તે કહે છે કે, ‘સાચે સાચું કહેશું હરિ રાખે તેમ રહેશું રે’ એમ કહીને વાત કરવાની છે તે કરી દે છે.
સ્વામી કહે છે કે, એક એવી અમૂલ્ય અને તેનો જોટો ન મળે એવી કલ્યાણના માર્ગની વાત મારે મફતમાં કહેવી છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે સંપ્રદાયમાં પણ એ વાત થતી જ બંધ થઇ ગઇ છે. અર્થાત્ સ્વામીને મનમાં થાય છે કે ઘોળ્યું નથી કહેવું. કોઇને ગમતી નથી પણ વળી એમ થાય છે કે જો નહિ કહીએ તો મુમુક્ષુને સાધુપણું અને અસાધુપણું શું છે? કોણ કહેવાય? તે ખબર કેમ પડશે? અને સાધુઓને ખુદને એટલી બધી જીવને ઉગારી લેવાની ચાડ્ય નથી જેટલી ખોટાઓને શીશામાં ઉતારવાની ચાડ્ય હોય છે! માટે વાત તો જરૂર કહેવી જ. શાસ્ત્રમાં સંત મહિમા કહ્યો છે તેવા સંતનાં આચરણ, લક્ષણો કેવાં હોય? માનસિકતા કેવી હોય? તે મુમુક્ષુને ખ્યાલ આવે માટે જરૂર બતાવવું જોઇએ. વળી એવા સંતને સેવવાથી મુમુક્ષુના સર્વ કાર્ય સિદ્ધ થાય, ‘ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત સબવિધિ કારજ સીજે’ એમ કહ્યું છે, માટે દૈવી પ્રજા એવા સંતને શોધવા ઉદ્યમ કરી રહી છે માટે તેને માર્ગદર્શન મળે તેવી વાત કહેવી જોઇએ.