રાગ:- બિહાગડો
ભજો ભક્તિ કરી ભગવાન રે સંતો ભજો૦, માની એટલું હિત વચન રે, સંતો૦ । ટેક-
ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન ।
ભક્તિ વિના ભવદુઃખ ન ભાંગે, એ પણ માનવું મન રે; સંતો૦ ।।૧।।
ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન ।
ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સો સો જો સાધન રે; સંતો૦ ।।૨।।
ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન ।
જે પામી ન રહે પામવું, એવું એ સુખસદન રે; સંતો૦ ।।૩।।
તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન ।
નિષ્કુળાનંદ કે’ નિરાશ થઇને, કરો હરિસેવન રે; સંતો૦ ।।૪।।
વિવેચન
સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની ભક્તિ-સેવા કરીને ભગવાનનું ભજન કરી, એ હિતનું વચન કહું છું તેને આદરથી માનજે. ભગવાનની સાચી સેવા કર્યા વિના અથવા ભગવાનના સાચા ભક્તની સેવા કર્યા વિના અતિશય ભાગ્ય જાગતું નથી. તેમજ ભવદુઃખનો અંત આવતો નથી. જન્મ- મરણમાં ભટકવાનું મટતું નથી. મરને ગમે તેટલી જતન કરે સો સો સાધન કરે તો પણ ભક્તિ વિના નિર્ભયતા પ્રાપ્ત થતી નથી. ભક્તિ-ભગવાનની સેવા છે, તે સુખનો ભંડાર છે, નિધિ છે, નિર્ધનિયાનું ધન છે, ભાગવતમાં કહ્યું છે કે
‘सकलभुवनमध्ये निर्धनास्तेऽपि धन्या । निवसति हृदियेषां श्री हरे र्भक्तिरेका ।। (भा महा.)’
સુખનું નિવાસ છે, એવી ભક્તિ મનુષ્ય દેહે જ થાય છે. અન્ય દેહે શક્ય નથી. માટે સ્વામી કહે છે જગતથી વૈરાગ્ય પામીને મહારાજની ભક્તિ કરો.