ભક્તિનિધિ – ૫દ ૦૫

રાગ:- બિહાગડો

સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની એટલું વચન મારૂં રે મનવા૦ ટેક

મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બારું ।

હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે; મનવા૦ ||૧।।

આંકડો વાંકડો વિંછીના સરખો, એવો ન રાખવો વારું ।

દેખી દૃગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારું રે; મનવા૦ ।।૩।।

વિવેચન

સેવકનું વર્તન સરળ હોય તેના પર માલિક રાજી થાય છે. કુટિલ સેવક ઉપર ભગવાન ક્યારેય રાજી થતા નથી. પછી ભલે તે કદાચ માલિકથી પણ હોંશિયાર હોય જે કે ભગવાનથી હોંશિયાર કોઈ હોતુ નથી પણ ક્યારેક સેવકો એવું માનિ લેતા હોય ખરા કે આપણે માલિકથી થોડા હોંશિયાર છીએ. કપટી, દંભી કે કુટિલ સેવક ઉપર ભગવાનનો રાજીપો થતો નથી. પછી તે કદાચ જાજો પરિશ્રમ કરે તોય ભગવાન રાજી થતા નથી. સરળ વરતવું એ જોકે સદ્ગુણ છે તો પણ યોગ્ય પાત્રની પાસ સદ્ગુણ છે પરંતુ કુપાત્ર પાસે સરળતા નુકશાન કરનારી બને છે માટે દરેક જગ્યાયે સરળતા સારી નથી. ભગવાન અને તેના સાચા સંત તેની પાસે સરળ રહેવું તે મોક્ષનો ઉત્તમ માર્ગ છે. માટે સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મારૂ એટલું તમે માનો. જો કે સ્વામી પોતાના મનને કહે છે પણ તેને ઉદેશીને આપણને કહે છે. તેમને તો કોઈ જરૂર દેખાતી નથી તે તો સિધ્ધ પુરૂષ અને સાચા સેવક સાબિત થયેલા છે. સ્વામી કહે છે મન કર્મ વચનથી અભિમાનનો ત્યાગ કરીને ભગવાન અને સંતની પાસે હાજી હાજી અર્થાત્ અંતઃકરણ પૂર્વક માનીને વિનય કરવાથી આપણુ કોઈ કાર્ય બગડતું નથી. ઉલ્ટા તમામ કાર્યો સારી રીતે સિધ્ધ થાય છે ભગવાન અને મોટા સંત આપણી ઉપર રાજી થઈ ખબર રાખે છે. અને તેના રાજીપા માત્રથી સર્વે કાર્યો સિધ્ધ થઈ જાય છે. જે સાધકો સરળ નથી વર્તતા, પણ પોતાનું ધાર્યું કરીને જ જંપનારા છે, ધાર્યા પ્રમાણે માલિક પાસે કરાવીને જ જંપ લેનારા છે તેને કષ્ટ સહન કરવું પડે છે અક્કડ લાકડાને સુથાર લોકો પ્રથમ તાપ આપી પછી ઊંધો કૂહાડો કે વાંહલો મારીને વાંકના ડેબા ઉપર મારીને સીધુ કરે છે. એમ છતા થોડી ઘણી વાંકાય બાકી રહે તો કુડાડથી છોલ્લીને પણ સીધુ કર્યે પાર આણે છે કારણ કે સિધ્ધા કર્યા વિના ફર્નીચર થાય નહિ. કોઈકામમાં ચાલે નહિ. એમ છતાં ઘણા વધારે બેંડ હોય તો તેને બળતણમાં નાખી દેવાનો વારો આવે છે. અક્કડ-અણનમ સેવકોનું એવું જ થાય છે. વીંછી જેમ પોતાનો ઝેરનો આંકડો સદા બીજાને ફટકારવા તૈયાર જ રાખે છે જરાક અડી જવાયું તો ફટકારી દે છે. સ્વામી કહે સેવકે એવો સ્વભાવ ન રાખવો. બીજાને આંકડો મારવાનો, લાગ મળ્યો કે કટાક્ષ કરી લેવો, કોઈની મજબુરીમાં માનસીક પીડા દેતા ચુકવું નહિં. જેને ભગવાન કે સંતને રાજી કરવા છે સેવા કરવી છે આત્મકલ્યાણ મેળવવું છે તેણે એવું ન કરવું એવું કરનારા પર કોઈ કાલે કોઈ દયા કરતું નથી. સંકટ સમયે પણ તેની હમદર્દી કોઈને થતી નથી કારણ કે પોતાના દિવસોમાં બધાને વીંછીના આંકડા જ માર્યા છે વીંછીને જોઈને લોકોને તુરત જોડો જ યાદ આવે છે. પોતે ન પહેર્યો હોય તો બીજાનો શોધીને પણ વીંછીને આંકડા ઉપર મારી દે અને તેનું કામ પુરુ કરી દે ત્યાર પછી જ જંપ થાય છે ને થોડો ઉદ્વેગ શમે છે ને શાંતિ થાય છે.

આંકડા જેવો તીખો સ્વભાવ ધરાવતા સાધકોને તેવા દિવસો અવશ્ય આવે છે. વીંછી જોડો ખાધા વિના લાંબો સમય ગુજારી ન શકે. નિષ્કુળાનંદ સ્વામી તો સંત પુરૂષ છે તેને કોઈનો દ્વેષ નથી તેને તો જીવ પર દયા છે આવા કઢંગા જીવ પર સ્વામીએ વધારે દયા કરી કહેવાય. માટે કહે છે હેત અને હિતના વચન કહું છું જેમ હૈયામાં ધારશો તો સુખી થઈ જશો બીજી હજારો આતો શું કહું? પોતાનું આત્મકલ્યાણ કરવા પોતાના ઘરમાં અંધારૂ ન રાખવું. અવિવેક છે તે અંધારૂ છે માટે જરા વિવેક દૃષ્ટિથી વિચારવું મારૂ ભલુ કેમ થાય? તો જરૂર તેને આ સારૂ લાગશે.