ભક્તિનિધિ – પદ ૦૧

રાગ:- આશાવરી

સંતો ભક્તિ ઉપર ભય શાનો, તે તો મન કર્મ વચને માનો રે; સંતો૦ । ટેક-

જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો ।

પામી પુણ્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે; સંતો૦ ।।૧।।

જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો ।

નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઈ લીધો દાખડો ઝાઝાનો રે; સંતો૦ ||૩||

વિવેચન

સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બીજા સાધનો ઉપર જેવો ભય છે તેવો ભક્તિ ઉપર ભય નથી. એવું તમારા મનમાં કદાચ શંકા હોય તો પણ તે છોડી દઈને તમે એવું માનો. જપ, તપ, તીર્થ, યોગ, યજ્ઞ વિગેરે પુણ્ય આપનારા સાધનો છે. પુણ્ય સાધનો અને ભક્તિ બન્નેમાં ઘણી જ ભિન્નતા છે, બન્નેના ફળમાં પણ અને ભક્તિમાં – બન્નેમાં ઘણીજ ભીન્નતા છે. બન્નેના ફળમાં પણ ઘણીજ અલગતા છે. પુણ્યનું ફળ લોકાંતર છે સ્વર્ગાદિક લોકને પમાય છે ભક્તિથી પરમાત્માને પમાય છે. પુણ્યબળે સ્વર્ગાદિક લોકને પામીને તે તે લોકમાં જ્યાં સુધી પુણ્યનો જથ્થો હોય ત્યાં સુધી જ ત્યાં રહી શકાય છે પુણ્ય ખુંટતા ફરી પાછા જન્મ-મરણ લખચોરાશીમાં જવું પડે છે ભક્તિનું ફળ પરમાત્માની પ્રાપ્તિ છે જે એકવાર પ્રાપ્ત થયા પછી પાછુ પડવાનું રહેતું નથી. માટે સ્વર્ગાદિકથી નીચે પડ્યા પછી તો શી ગતિ થાય તેનો કોઈ નિરધાર નથી. ત્યારે પુણ્યે કરીને ગમે તેટલી મોટાઈ પામ્યા પણ પછી મોટાઈ કોઈ ટકતી નથી. ધ્યાન, ધારણા, સમાધિ, પુણ્ય જેવા તો નથી. તો પણ કાચના વાસણ જેવા છે તેમાં થોડું વિઘ્ન આવે તો ભૂક્કો થઈ જાય છે અને એક વખત તુટ્યા પછી તેની કોઈ કિંમત આવતી નથી તો બીજા સાધનોનો ભરોંસો શો કરવો. એમ જ્ઞાની ધ્યાનીઓને સાધનાના માર્ગ પર ચાલતા ધક્કા લાગ્યા છે તે શાસ્ત્રમાં પ્રસિધ્ધ છે ચાલ્યા પછી પડતા દૂષ્પ્રસિધ્ધિ પણ ઘણી થઈ છે. બધા સાધનો પર સભર વિઘ્ન તોળાય રહ્યા છે એક ભક્તિ-પરમાત્માની સેવા એ જ નિર્ભય સાધન છે કારણ કે તે માર્ગે ચાલતા તેની જવાબદારી-રક્ષા ભગવાન પોતા ઉપર લઈ લે છે માટે સ્વામી કહે છે તે સોનાના કળશ જેવી છે. હાથથી પડી ગયો, તુટી ગયો તોય તેનું ઘડામણ જશે પણ સોનું થોડું મટી જવાનું છે તેની કિંમત ઓછી નથી થવાની તેમ ભક્તિમાં વિઘ્ન આવતા નથી. અને વચ્ચે વિઘ્ન થાય તોય તે બીજા સાધનોની જેમ નિષ્ફળ જતી નથી. સોનાનો કળશ છે સચવાય તો–મંદિરના શિખર પર જેમ કળશ હોય તેમ-સાધનોમાં કળશ ચડી જાય છે.