રાગ:- ધન્યાસરી
જુગો જુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી।
સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી ।।૧।।
રાગ :- ઢાળ
રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય ।
જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।।
અમૃત લાગે તેને મૃત જેવું, પંચામૃત તે પંક સમાન ।
શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન ।।૩।।
શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર નાગ ।
હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઇ ગયાં આગ ।।૪।।
વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી ।
કીર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ।।૫।।
નિરાશી ઉદાશી નિત્યે રહે, વહે નયણમાં જળધાર ।
હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર ।।૬।।
સૂતાં ન આવે નિદ્રા જેને, જમતાં ન ભાવે અન્ન ।
ભક્તિ વિના હરિભક્તને, એમ વરતે રાત ને દન ।।૭।।
ગાન લાગે શબ્દ સિંહ સર્પ સમ, તાન લાગે તાડન તન ।
પડ્યું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે નહિ અન્ય ।।૮।।
પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર ।
એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરે છે મે’ર ।।૯।।
ભાખ્યા ગુણ હરિભક્તના, જોઇએ એવા જનમાં જરૂર ।
નિષ્કુળાનંદ કહે નાથ એવાથી, પળ એક રહે નહિ દૂર ।।૧૦।।
વિવેચન
જે ભગવાન અને ભગવાનની સેવા-ભક્તિના વિરહી ભક્તોને માટે પરમાત્મા પોતાનું દિવ્યધામ છોડીને અવતાર લઈને માણસ જેવા થઈને ભક્તને સુખદેવા પૃથ્વી પર આવે છે. તે ભક્તોના લક્ષણ હવે હું કહું છું. જેણે જગતના તમામ સંબંધો-પ્રીતિઓ તોડીને એક માત્ર મહારાજ સાથે જ સંબંધ રાખ્યો છે પોતાનું તન મન સર્વસ્વ મહારાજની સેવામાં ન્યોછાવર કર્યું છે જેને મહારાજ વિના અને મહારાજની સાચા ભાવમાં સેવા કર્યા વિના પળ એક રહી શકાતું નથી. જેમ જળ વિના માછલું તડફડી પ્રાણ નીકળી જાય તેવો જેને મહારાજનો વિરહ અનુભવાય છે તેને આ લોકનું અમૃત ઝેર જેવું લાગે છે. પંચામૃત ભોજન કાદવ જેવા લાગે છે, સારી શય્યા શૂળી જેવી લાગે છે. જે તે ભગવાનની સેવામાં ઉપયોગી ન થતા હોય. ભગવાનના સંબંધ રહિત ચંદન તેને અગ્નિ જેવું લાગે છે, ફુલની માળા સર્પ જેવી લાગે છે, ભગવાનની સેવા વિના અન્ય જે કોઈ સુખ તેને અગ્નિ જેવા લાગે છે તેને મહેલ જેલ જેવો લાગે છે અને સંપતિ તેને વિ૫તિ જેવી અનુભવાય છે. કિર્તી કલંક લાગે છે તેને સાંભળીને કાંઈ હરખ થતો નથી. જગતથી નિરાશી અને ઉદાસી રહે છે ને ભગવાન વિના તડપતો રહે છે. તેને ભગવાન વિના અને ભગવાનની સેવા વિના લગાર સુખ થતું નથી. ભગવાનની ભક્તિ વિના તેને દુઃખની માફક ત્યાગ કરે છે. ભગવાન વિના જેના શરીરમાં
પ્રાણ પીડાય છે તેવા વિરહી ભક્તને જોઈને મહાપ્રભુ તેમના ઉપર મહેર કરે છે. આવા ગુણવાળો ભક્ત હોય તેનાથી મહારાજ એક પળ દૂર રહી શક્તા નથી.