ભક્તિનિધિ – ૫દ ૧૦

રાગ:- પરજ

જ્યાન ન કરવું જોઇરે સંતો જ્યાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઇ રે; સંતો૦ || ટેક .

જો જાયે જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઇ ।

નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈ રે; સંતો૦ ।।૧।।

જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિશ ધોઈ ।

પણ સામુ ન લાવિયે સમઝી, પાપ પરનાં તે ઢોઈ રે; સંતો૦ ||૩।।

વિવેચન

માટે ભગવાનના ભક્તે જાણી જોઈને ખોટ્ય ન ખાવી. ઉન્મત થઈને પોતાને ખોટ્ય આવે તેવી ચેષ્ટાઓ ન કરવી. જુના સમયમાં એક કહેવત હતી કે “જો જાય જાવે તો પરિયા પરિયા ખાય” અર્થાત્ કોઈ જાવા કમાવા જાય તો પછી તેની પેઢીની પેઢીઓ ખાય તો પણ ખુટે જ નહિ એવી કમાણી થાય. એવું જુના જમાનામાં હશે તેથી સ્વામી તેનો ઉલ્લેખ કરે છે કે જો જાવા જઈએ તો ત્યાં કમાણી કરીએ અને પાછા વતન આવીએ ત્યારે સાચવી ને લાવીએ પણ આપણી ગાંઠની મિલ્કત હોય તે પણ ખોઈ ન નાખવી એમના કરતા તો ઘરમાં બેસી રહેવું સારૂ તો જે મિલ્કત છે તે તો સલામત રહે. તેમ ઉપર બતાવ્યું તેવું થઈ ને ભક્તિ કરવી તો કમાણી જવાથી પણ વધારે થાય પણ ભક્તિ કરવામાં અહંકાર, ઉધ્ધતાઈ વિગેરે આવી જાય તો ઉલ્ટી ખોટ્ય થાય ને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો કમાણી ન થાય. જે દરિયામાં સાચા મોતી લેવા માટે ડૂબકી મારીએ તો મોતી લઈને આવવું પણ ખાલી ખારા પાણીમાં શરીર પલાળીને પાછું ન ચાલ્યું આવવું. જો ગંગાજી જઈએ તો તેમાં સ્નાન કરીને આપણા પાપ ધોઈને આવીએ પણ ત્યાં ખોટી પ્રવૃતિ કરીને મલકના પાપનો પોટલો લઈને ન આવવું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ બધા દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે સંત પુરૂષો કે સાધકો તેમણે ખરેખરું ચિત્ત મહારાજમાં પરોવીને ભક્તિ કરવી, સેવા કરવી પણ તે ન થાય ને મહારાજ કુરાજી થાય તેવું કરે તો જન્મ વગોવ્યો કહેવાય.