રાગ:- આશાવરી
સંતો અણસમઝે એમ બને, તે તો સમજુને સમજવું મને રે; સંતો૦ । ટેક
ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને ।
અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦ ।।૧।।
શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને ।
અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વને રે; સંતો૦ || ૨ ||
કલ્પતરુ મળે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુ:ખને |
જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરને રે; સંતો૦ ।।૩।।
એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઈ પ્રગટ્ય થર પાપને ।
નિષ્કુળાનંદ કે ન જોવું એનું, પ્રકટ ભજવા આપને રે; સંતો૦ ।।૪।।
વિવેચન
સ્વામી વિશેષે કરીને સંતોને કહે છે કારણ કે તેમણે જીવન કુરબાન કર્યું છે ને રખેને ઊંધે માર્ગે ચડી જાય તો તમામ મહેનત વ્યર્થ જશે માટે કહે છે હે સંતો ઉપર બતાવ્યું તેવું કલ્યાણના માર્ગથી વિરૂધ્ધ ઊંધી સમજણથી થાય છે, માટે જે સમજુ છે અને સાચુ સમજવા માગે છે તેમણે તેનો ઊંધો માર્ગ ન લેવો. ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય ને આ દેહે ભગવાનને ભગવાનના ભક્તની સેવા- ભક્તિ થાય તેવો રસ્તો ગ્રહણ કરવો. અંતરમાં ભક્તિનો જ અભાવ ભર્યો હોય, ભગવાનના ભક્તનો જ અભાવ ગળા સુધી ભર્યો હોય અને રાત્રી દિવસ તેના દોષ ખોળીને ચોળતા રહેતા હોય ત્યારે તેના હાથમાં મનુષ્ય દેહનો કોઈ અર્થ આવતો નથી ઉલ્ટો કોઈ પણ પાપ કર્યા વિના પાપનો ભાગીદાર બને છે. સદ્ગુરૂ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે(ખોટા) પક્ષપાતે કરીને આ જીવનું જેવું ભુંડું થાય છે તેવું તો પંચ વિષયે કરીને પણ થતું નથી. ચંદન સદા માટે શીતળતા આપનારૂ છે ને સુગંધ તથા સુખ આપનારૂ છે પણ તેના લાકડાને કોઈ સળગાવે ત્યારે તેના પણ અંગારા થાય ખરા અને તે અંગારાથી વનમાં દાવાનળ પ્રગટે અને સૂકા લીલા તમામને ભસ્મિભૂત કરી નાખે. તેમ ભક્તિ કે ભક્તનો દ્રોહ કરનારાનું થાય છે. કલ્પતરૂ નીચે જઈને કુહાડો પોતાની માથે પડવાનું માગ્યું ત્યારે તે પડવાનો જ છે કારણ કલ્પતરૂ છે જેવો સંકલ્પ કરે તેવું તરત મળી આવે છે. ત્યારે પોતાનું જ ગળુ પોતે કાપે છે કારણકે સંકલ્પ કરતી વખતે તપાસ કરતો નથી કે આ કલ્પતરૂ છે સ્વામી કહે છે કે જ્યારે પૂર્વના પાપના થર કોઈ કારણથી પ્રગટવાને કારણે શઠ માણસો સુખદ વસ્તુથી પણ પોતાનું સારૂ કરી શક્તા નથી ને તેવાથી પણ જન્મો જન્મના દુઃખિયા થઇ જાય છે. “સાગર સોનાનો ઉલટ્યો રત્ન તણાતા જાય, કરમ હીણો કર વાવરે શંખલે મૂઠ ભરાય” તેવું તેને થયું છે. સ્વામી કહે જેને મહારાજ પાસે જવું છે એવા સાથે રહેતા હોય કે દૂર હોય પણ એની સામુ ન જોવું. ને આપણે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંત ભક્તની સેવા-ભક્તિ કરવી.