ભક્તિનિધિ – કડવું ૦૯

રાગ:- ધન્યાસરી

ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામે છે ખેદજી ।

એક બીજાનો કરે છે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।।

રાગ :- ઢાળ

નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ ।

નિષ્કામ થઇ કોઇ નર કરે, તો શીદ પામે કોઇ ખેદ ।।૩।।

તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ ।

પ્રભુ પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ ।।૭।।

સકામ ભક્તિ સહુ કરે છે, નથી કરતા નિષ્કામ કોય ।

તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય ।।૯।।

વિવેચન

સ્વામી બતાવે છે કે ભક્તિ શબ્દને નામે છેતરાય જવાની જરૂર નથી. જેમ ભક્તિનું મહાત્મ્ય શાસ્ત્ર અને લોકમાં પ્રસિધ્ધ પણે ઘણુ માનવામાં આવે છે તેમ તેમાં ભૂલવણી અને છેતરાય જવાની સંભાવના પણ અતિશય છે. સ્વામી કહે છે ભક્તિમાં અનેક ભેદ છે દરેક પ્રકારની ભક્તિ પણ સરખી નથી. ક્યારેક સાધક ભક્તિ કરીને પણ ખેદ પામે છે. કર્યા પછી પછતાય છે આના કરતા તો ન કરી હોત તો સારૂ હતું. તેમા ભક્તિનો દોષ નથી ભક્તિ કે સેવા કરનારની વિવેક હીન દૃષ્ટિનો દોષ છે અવળુ ફળ આવ્યું છે એમ જાણવું પણ સાચી ભક્તિનું એ ફળ નથી. સ્વામી કહે છે ભક્તિ કરતાં કરતાં એક બીજા ભક્તિ કરવા વાળાનો જ ઉચ્છેદ કરવા લાગી જાય છે. જ્યારે તેનું કારણ શું છે? કે ભક્તિ જેવા અતિ પવિત્ર રસ્તે ચાલીને અતિ નષ્ટ પ્રવૃતિમાં ગોઠવાય જાય છે? તો સ્વામી કહે છે કે એ તો એને અંતરમાં નિર્વેદ નથી, વૈરાગ્ય નથી. એના અંતરની પામર અને વિષયી અને લાલચુ દશા તેને ભક્તિ છોડાવીને મારું તારૂં, કાવાદાવામાં ખેંચી જાય છે એક બીજાને ઉખેડી નાખવાને પોતાની નબળી મુરાદો સ્થાપિત કરવા પ્રેરે છે બીજું કાઈ નથી. સ્વામી કહે છે અંતરમાં વૈરાગ્ય વિના ભક્તિ કરવા ચાલ્યા હોવા છતાં ખેંચા તાણ્યમાં રસ વધી જાય છે અને એક બીજાની નિંદા તેના મનના રસનો વિષય બની જાય છે અને પોતે હેરાન થાય છે ને સાથે બીજાને પણ કરે છે. નવધા ભક્તિ કોઈ નિષ્કામ ભાવથી કરે તો તેને દુઃખ કે શોક થાય જ કેમ? પણ તેનાં અંતરમાં વૈરાગ્યની બિલકુલ ગેરહાજરી છે વિષયની પામરતા ભરપુર ભરી છે અને બહાર તો સુંદર ભક્તિનું કલેવર કે ધર્મનો ઢોંગ બનાવી રાખ્યો છે ખરેખરતો તે સાધક પોતાની જાતને જ છેતરે છે. તેટલું જગત નથી છેતરાતું. તો

પણ ગરબડતાનો કે વેવલાપણાનો લાભ તો જરૂર ઉઠાવે જ છે. તેને વારંવાર કેટલુંક બતાવી શકાય? પરમ પનો પરવાનો મળ્યો હતો તેમાં હાથમાં કલમ આવી જતા પેલા પરવાના ઉપર ચોકડો મારી દીધો. ભક્તિ કે મહારાજની સેવા એ જ પરમ પદનો સાક્ષાત્ પરવાનો છે તેમાં પોતાના અંતરની નબળાઈ ભેળવીને પરવાનાને ખોટો કરી નાખ્યો છે હવે તેમાંથી શું મળી શકે? કશું ન મળે. સ્વામી કહે ભક્તિતો અતિ શ્રેષ્ઠ ચીજ છે પણ પોતાના અંતરના નબળા ઇરાદા ભક્તિનો ડોળ કરીને ગોઠવી દીધા. ત્યારે દૂધ પાક કે ખીરમાં ખાંડને બદલે મીઠુ નખાય ગયું પછી તેને ગટરમાં નાખ્યા સિવાય કોઈ ઉપાય નથી હોતો. તેમાં કોઈ સુધારો કરવો શક્ય નથી રહેતો. ભક્તિ કરવા તો સાધક ચાલ્યો પણ અંદરથી સાથે સાથે અહં મંમત પણ ઉભા થયા. ત્યારે ભક્તિનું સ્વરૂપ બગાડી નાખ્યું ભગવાન પાસે પહોંચવાનો દરવાજો હતો તેને લોખંડી કમાડ દેવાય ગયા. માટે સ્વામી કહે છે નિરમમત થઈને મારૂ તારૂ કર્યા વિના નિર્મળ ભાવથી મહારાજની ભક્તિ-સેવા કરો. એવા ભક્તો મહારાજને ખુબ વ્હાલા લાગે છે પોતાના અહં કારણે જ્યાં ત્યાં પિત્રાય દાવ શા માટે બાંધો છો? મતમમતથી અને સકામ ભક્તિ-સેવા તો આખુ જગત કરી રહ્યું છે પણ પાણી વલોવતા માખણ નીકળતું નથી ને ઠાલો પરિશ્રમ પડે છે તેમ તેમાંથી તો નબળાઈ સિવાય કાંઈ નીકળતું નથી. માટે અહં મમત છોડી નિષ્કામ ભાવથી ભક્તિ કરો. જુના જમાનામાં ધોધા બંદર જવા હીરાને કહ્યું. પરંતુ હિરો અસલી હીરો જ હતો! તેથી હિરો ધોધે જઈ આવ્યો ને જવાનું કાંઈ ફળ ન લાવ્યો. તેમ સ્વામી કહે છે કે અહં મમતા ભક્તિને દૂષિત કરી દે છે તેનું કાંઇ ફળ આવવા દેતા નથી. ઉલ્ટુ વિપરીત ફળ અપાવે છે માટે એવી ભક્તિ સેવા ન કરવી.