રાગ:- ધન્યાસરી
ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી ।
સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મુકાશેજી ।।૧।।
રાગ :- ઢાળ
મુકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે ।
ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।।
વિધવિધે વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી ।
ભક્તિ વિના કોઇ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી ।।૩।।
સહુથી સરસ સમઝશે, ભક્તિ અતિ ભગવાનની ।
તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ।।૪।।
એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિતણા ।
જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ।।૫।।
મોટે મોટે વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ ।
તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમઝુ સમઝી લિયો સહુ ।।૬।।
બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું ।
પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ।।૭।।
માટે કોઇને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં ।
પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠા ઘરોઘરમાં ।।૮।।
જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત ।
એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એપણ જાણવી વિગત ।।૯।।
સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર ।
નિષ્કુળાનંદ હવે નહિ કહે, સહુ સમજજો નિરધાર ।।૧૦।।
વિવેચન
આ ભક્તિનિધિ ગ્રંથ જે આત્મસાત કરીને તેનું ગાન કરશે તે સાચો ભક્ત થઈ શકશે. સાચી ખોટી ભક્તિનો તફાવત તેને દેખાય આવશે. ત્યારે સાચી ભક્તિ કરીને બીજા બંધનથી પણ મુકાઈ જશે. ખરાખોટાની પરખ જ્યારે પડશે ત્યારે તે જરૂર વિચારશે. આંધળી દોટ નહિ મુકે. સાચી ભક્તિને હૃદયમાં ધારશે.
એક માત્ર મહારાજની ભક્તિથી આત્મકલ્યાણ ઇચ્છશે. પોતાનું કલ્યાણ કરવામાં ભક્તિને અજોડ જાણશે. એને જ ભક્તિ હૃદયમાં ભાવશે ભક્તિના ગુણ બીજાને પણ કહેશે. મનમાં પણ એમ માનશે કે જેનો જેનો ઉધ્ધાર થઈ ગયો છે કે થાય છે તે મહારાજની ભક્તિથી જ થયો છે. માટે મોટા મોટાએ ભક્તિનો મહિમા ખુબ જ ગાયો છે પણ તે પ્રગટની ભક્તિનો, પ્રગટની સેવાનો મહિમા ગાયો છે એમ ડાહ્યા સાધકોએ જાણવું. પરોક્ષ ભક્તિમાં મનધાર્યાનું પ્રધાનપણ રહે છે પ્રગટની ભક્તિમાં ભગવાનના ગમતાનું, ભગવાનની રૂચીનું અને ભગવાનની અનુવૃતિનું પ્રધાન પણ રહે છે. ભક્તિ કરે છે. માટે કોઈને પોતાનું ગમતું છોડીને કેવળ ભગવાનનું ગમતું કરવાની હિંમત ઉઠતી નથી પછી પોતાની અનુકુળતા પ્રમાણે મનમાની ભક્તિનો નોખો વાડો બાંધીને ચલાવે છે પછી પાછળના પણ જ્યાં જેને બેસતુ આવ્યું અને પોતપોતાની ખ્વાઈશ પુરી થાય એવું લાગ્યું ત્યાં ભળી જઈને ભગત બની રહે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવા મનમુખી ભગતથી આખુ બ્રહ્માંડ ભર્યું છે કોઈ જગ્યા એવા ભગત વિના ખાલી નથી. ભગતને નામે તાણ્ય નથી. સ્વામી કહે છે ભગવાનની સાચી ભક્તિ કેમ કરવી તેનું વર્ણન મે ખુબ કર્યું છે શુભ આશયવાળા ભક્તો ચેતીને તે પ્રમાણે કરજે.