ભક્તિનિધિ – કડવું ૪૩

રાગ:- ધન્યાસરી

દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી ।

જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખે છે કૃપાળજી ।।૧।।

રાગ :- ઢાળ

ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખે છે ખબર ખરી ।

ઉઠતાં બેસતાં ચાલતાં, હરે છે સંકટ શ્રીહરિ ।।૩।।

અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર ।

નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર ।।૫।।

દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ ।

માને સુખ ત્યારે મનમાં, જ્યારે ટાળે જનના ત્રાસ ।।૭।।

એવા ભક્તના અલબેલડો, પૂરે છે પૂરણ કોડ ।

તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઇ ડોડ ।।૯।।

વિવેચન

ભગવાન એવા ભક્તની રાત્રી-દિવસ રખેવાળ કરે છે. જેમ માતા બાળકની જતન રાખે છે તેમ ભગવાન એવા ભક્તની જતન કરે છે. ભગવાન સદા તેમની નજીક રહીને તેમની પ્રતિપાળ કરે છે એવા ભક્તની ભગવાન ખાતા, પીતા, સુતા, જાગતા, ઉઠતા, બેસતા, ચાલતા ખબર રાખીને તેના સર્વ સંકટ નાશ કરે છે. તેવા ભક્તની ભૂત, ભૈરવ, રાક્ષસ, દેવતા, મનુષ્ય થકી ભગવાન તેની રક્ષા કરે છે અંતર શત્રુ પણ તેના અંતરમાં ભગવાન ઊઠવા દેતા નથી. ભગવાનને પોતાને પીડા થાય, કષ્ટ થાય તો તે સહન કરી લે છે પણ ભક્તની ભીડ ભાંગવા સદાકાળ તૈયાર થઈને રહે છે. ભક્તનું અણુ જેટલું કષ્ટ ભગવાન દેખી શક્તા નથી. જ્યારે ભક્તના ત્રાસને સારી રીતે નાશ કરી નાખે ત્યારે જ ભગવાનને સુખ થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે “ભૂકો ભાર હરૂ સંતન હિત કરૂ છાયા કર દોય………” ભગવાન એવી રીતે સાચા ભક્તની સહાયતા અને પ્રતિપાળ કરે છે એવા ભક્તના લક્ષણ મહારાજે સત્સંગી જીવનમાં હરિગીતામાં બતાવ્યા છે એવા ભક્તના તમામ કોડ પણ ભગવાન પુરા કરે છે તે વિનાના ત્રિશંકુ જેવા એકેય ઠેકાણા વિનાના ભક્ત હોય તેણે કોડ પુરા થવાની આશા બહુ ન રાખવી. એક તો ભૈરવ જ૫ ખાવો ને બીજી ભગવાનની સેવા કરવી તેમાં શૂરવીરતા જોઈએ ડગમગતા દિલથી તે શોભતા નથી. હોમાય જાય ત્યારે તે શોભે છે એ નક્કિ વાત છે.