પ્રગટ ભગવાનની ભક્તિની મોટાઈ જેટલી કહીએ તેટલી ઓછી છે. તે સર્વથી શિરોમણી છે તેનાંથી કૈક પ્રાણધારીઓ તરી ગયા છે પ્રાણધારીને પરમ પદ પામવા ભક્તિ જેવું કોઈ નથી એકલી ભક્તિ સર્વ કામ પુરૂ કરી દે છે જેમ અને ક તારાઓ એક સામટા ઉગે તો પણ રાત્રીનું અંધારૂ સૂર્ય વિના સંપૂર્ણપણે કોઈ કાઢી શકે નહિ તેમ ભક્તિ સુર્યને સ્થાને છે અહંકાર રાત્રી જેવો ઘોર છે તેને દૂર કરવા ભક્તિ જેવું સાધન બીજું ન કહેવાય. નમ્રતા રાખવી. બીજા ભક્તને નમી દેવું, દેહ, મન પ્રાણનું દમન કરવું તે ભક્તિ વિના સ્વભાવિકપણે ભાવતું નથી. તેથી તેને હેરાન થવું પડે છે પણ તે થાય છે. દીનભાવ રાખવો, બીજાની સાથે દાવો ન બાંધીને બદલો લેવાની ઈચ્છા ન રાખવી, ગરીબ અને સર્વે ભક્તોના ગરજવાન બની રહેવું, દાસના દાસ થઈને બની રહેવું તે જ અંતરમાં ભગવાનની સાચી ભક્તિ ન હોય તો લાંબો સમય શક્ય થતું નથી. તે પોતામાં ને બીજામાં જોઈએ તો જણાય આવશે. ભક્તિ વિના સાધન કરવા છતાં અભિમાનનો પોટલો માથેભારરૂપ રહી જાય છે તેથી સાધનાનું ઉલ્ટું ફળ આવી જાય છે ઘણું લાભ પામવા સાધના કરી હોય તોય સામે ઓટલો વળી જાય છે અર્થાત્ ઉલ્ટું પરીણામ આવી જાય છે. જેમ વાણિયા જ્ઞાતિમાં ચોબા, પાંચા, છબા, દશા, વિશા એવા વિભાગ હોય છે તેમાં એક ચોબો પોતાની નાતમાંથી નીકળી ઊંચી નાતમાં ભળવા ગયો. દશો વિસો થવા ગયો પણ ઊંચી નાત્ય વાળાએ સ્વીકાર્યો નહિ. અભિમાનીને કોઈ આવકારતું નથી પછી પાછા પોતાની મૂળ નાતમાં ગયો તો ત્યાં પણ બધાએ બહિષ્કાર કર્યો કે એક વાર નીકળ્યા માટે હવે નહિ આવવા દઈએ. બન્ને જગ્યાએથી ભટકી પડ્યા તેમ સ્વામી કહે છે મોટી પ્રાપ્તિ કરવા ભેખ લીધો છે પણ પરમાત્માની સેવા તો હાથમાં ન આવી-ભક્તિ હાથમાં ન આવી ઉલ્ટો અહંકાર પકડાય ગયો તેથી ભૂંડાય ભાગમાં આવી ગઈ તેથી અવળુ ફળ આવી ગયું. માણસ મરીને સર્પ થઈ ગયો તેમ આ દેહે ભગવાનની નિર્માનિ ભાવથી સેવા ભક્તિ ન થઈ અને દોષોની પ્રવૃતિ ભરપૂર થઈ ગઈ તો તેનો મનુષ્ય દેહ, સત્સંગ કે ભેખ બધુ ખોટ્યમાં ગયું. નુકશાન દેનારા થયા.