રાગ:- ધન્યાસરી
મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી ।
જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ।।૧।।
રાગ :- ઢાળ
ભક્તિ પ્રભુ પ્રગટની, જે જે કરી છે હરિજને ।
તે તેને પળ પાકી ગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।।
કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન ।
તેણે કરી તન ટેડાઇ ટળી, વળી પામી સુખસદન ।।૩।।
સઇ સુદામા માળીનું, સમાપર સરી ગયું કામ ।
તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ।।૪।।
વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન ।
તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન ।।૫।।
સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ ।
તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ ।।૬।।
પંચાલિયે પાત પાત્રમાંથી, શોધી જમાડિયા હરિ આપ ।
તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તે તો પ્રગટને પ્રતાપ ।।૭।।
વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ ।
તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ।।૮।।
એમ પ્રગટના પ્રસંગથી, જે જે સર્યા જનનાં કામ ।
તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઇ હામ ।।૯।।
વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર ।
નિષ્કુળાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ।।૧૦।।
વિવેચન
પરમાત્માની ભક્તિથી એવું સુખ પ્રાપ્ત થાય છે કે તે મન બુધ્ધિના માપમાં ન આવે તેવું અતિન્દ્રિય હોય છે જે સુખને શુકજી જેવા બ્રહ્મભાવને પામી ગયા છે તે પણ ગાય છે ને તેના વખાણ કરે છે તે ભક્તિ પ્રગટની હોય ત્યારે તેવું ફળ દેનારી થાય છે. પૂર્વે જેણે જેણે પ્રગટની ભક્તિ કરી છે તેને તેને પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ છે તેને બીજું કાંઈ કરવું બાકી રહ્યું નથી. કુબજાએ કટોરો ભરીને શ્રી કૃષ્ણ ભગવાનને ચંદન ચર્યું તેનાંથી તે જ ક્ષણે તેના શરીરના વાંક ચાલ્યા ગયા અને સુંદરી બની ગઈ. તેમ જ સઈ, સુદામાં, માળી, તેણે પણ ભગવાનની સેવા કરી તો તેને પ્રતાપે ભગવાનના ધામને પ્રાપ્ત થયા. વિદુરજીએ ભગવાનને ભાજી જમાડી તો પણ ભગવાન રાજી થયા. સુદામાએ ત્રણ મુઠી તાંદુલ આપ્યા ત્યારે “રંક સુદામા કિયો હૈ ઈન્દ્ર તુલ્ય’ કુબેરની સંપતી તેને આપી દીધી. તેની દરિદ્રતા દૂર કરી દીધી. પંચાળીએ એક ભાજીનું પતુ ભગવનને જમાડયું તેણે ત્રિલોકી તૃપ્ત થઈ ગઈને દુર્વાસાનું કષ્ટ દુર થયું. વળી સાડી ફાડીને પાટો બાંધ્યો તો સંકટ સમયે દ્રૌપદીની લાજ રાખી. એવી રીતે પ્રગટ પરમાત્માની સેવાથી જેના જેના કાર્ય સરી ગયા છે. તેવા બીજાના કાર્ય થયા નથી. માટે પ્રગટની ભક્તિમાં અતિ ભાર રહેલો છે અર્થાત્ અતિ મહિમાં રહેલો છે.