રાગ:- ધન્યાસરી
પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી ।
સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહે છે આગમ નિગમજી ।।૧।।
રાગ :- ઢાળ
આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ ।
સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।।
સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને સરે જેહ સુખ ।
તે પામે છે ભક્ત પ્રભુતણા, ઘણું ઘણું શું કહિયે મુખ ।।૩।।
સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તક પર જે મોડ ।
સહુથી એ સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ।।૪।।
સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય ।
તેહ પામી પૂરણ થયા, તે તો ભક્તિ કરી તેહ માટ્ય ।।૫।।
સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીત પર થઇ જીત ।
સર્વે સારનું સાર પામિયા, જેને થઇ પ્રભુ સાથે પ્રીત ।।૬।।
જેમ મોટા રાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નહિ ।
પણ જનમી એ જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઇ ।।૭।।
તેમ સેવક સુત શ્રીહરિતણા, મણા એને કોઇ વાતની નથી ।
પૂરણ પદની છે પ્રાપતિ, અતિશય શું કહિયે કથી ।।૮।।
જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે જ્યાં અનળ ।
એથી ઉંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ।।૯।।
તેમ ભક્તિ થકી આ બ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને,
નિષ્કુળાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ।।૧૦।।
વિવેચન
જેણે ભગવાનને સારી રીતે રાજી કર્યા છે તેને કોઈ લોકનું સુખ દુર્લભ રહેતું નથી. એવું સર્વે શાસ્ત્રો, પુરાણો અને વેદો બતાવે છે શાસ્ત્ર પુરાણો એવું કહે છે કે હવે તેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી સર્વે લોકના સુખ સંપતિ તેના હૃદયમાં આવીને વાસ કરે છે અર્થાત સર્વ લોકના સુખ ભેળા કરો ને જે સુખ થાય તેટલું સુખ તે ભક્તને અંહિ બેઠા અથવા ભગવાનની ભક્તિ સેવા કરતાં કરતાં આવે છે સર્વે ધામોથી પર જે પ્રાપ્તિ છે અને સર્વે સુખથી પર શ્રેષ્ઠ જે સુખ છે તે ભગવાનનો સેવક પામે છે સ્વામી કહે છે આનાથી વધારે હું શું કહું? ભગવાનની સેવા કરીને એ ભક્ત સર્વથી શ્રેષ્ઠ અને તમામના શણગાર રૂપ અને સર્વથી સુખરૂપ એ ભક્ત થાય છે તેને તોલ્યે કોઈ ગણી શક્તાતું નથી. ભગવાનની ભક્તિ કરીને સર્વથી શ્રેષ્ઠ કમાણી તેણે કરી લીધી છે જેને મહારાજમાં અનન્ય પ્રીતિ થઈ છે અને મહારાજની અનન્ય ભાવે સેવા કરી છે તેના જીવનમાં વિજયનો કળશ ચડી ગયો છે અને તેની તમામ પ્રકારે જીત થઈ ગઈ છે. જેમ કોઈ મોટો રાજા-પૃથ્વીનો સમ્રાટ હોય ત્યારે તેની રાજ્ય સમૃધ્ધિ તેની સાથે લડાઈ કરવાથી તેને જીતી ના શકાય અને સમૃધ્ધિ મળે નહિ. આપણું મૃત્યું થઈ જાય પણ કોઈક ભાગ્ય જોગે તેને
ઘેર જન્મીને તેનો કુંવર થાય ત્યારે કોઈ પણ પુરૂષાર્થ કર્યા વિના બધી જ સંપતિનો તે માલિક થઈ શકે છે તેમ ભગવાનના સેવક છે તે ભગવાનના પુત્ર છે. ભગવાનને લોહિ સંબંધથી તો કોઈ પુત્ર છે જ નહિ. સાચો સેવક-ભક્ત એ જ તેનો સાચો વારસદાર છે ભગવાન પણ પોતાની તમામ સંમતિ અને પોતે તે અનન્ય ભક્તને માટે થઈ રહે છે ત્યારે તેને શું મણા રહે? એવા ભક્તની પ્રાપ્તિથી ઉંચે કોઈ પ્રાપ્તિ નથી જેમ અનળપક્ષી અતિ ઉંચે આકાશમાં જઈ રહે તેના ઉપર હવે શુન્યાવકાશ સિવાય કાંઈ છે જ નહિ તમામ તેનાથી નીચે છે તેમ ભગવાનની સેવા-ભક્તિથી શ્રેષ્ઠ વસ્તુ કાંઈ છે નહિ. તેવી અનન્ય ભક્તિથી મનબુધ્ધિને અગમ એવા પરમ પદની પ્રાપ્તિ થાય છે.