રાગ:- ધન્યાસરી
ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી ।
તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી ।।૧।।
રાગ :- ઢાળ
શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ ।
જેમ વાયસ વહાણ તણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।।
તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર ।
તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખભંડાર ।।૩।।
જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરૂષ પેખે નહિ ।
બીજા સો સો ગુણે કોઇ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ ।।૪।।
તેમ ભક્ત ભગવાનના, પતિવ્રતાને પ્રમાણ।
પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ।।૫।।
જેમ બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય ।
પિયુ પિયુ કરી પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ।।૬।।
તેમ જન જગદીશના, એક નેક ટેકવાળા કે’વાય ।
સ્વાતિબિંદુ સમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લિયે ઉરમાંય ।।૭।।
જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર ।
તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર ।।૮।।
એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઇ ।
મન વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઇ ।।૯।।
એવા ભક્તની ભક્તિ જાણો, વા’લી લાગે વા’લાને મન ।
નિષ્કુળાનંદ કહે નાથને, એવે જને કર્યા પ્રસન્ન ।।૧૦।।
વિવેચન
!સ્વામી બતાવે છે કે ભગવાનની અદલભક્તિ કરીને, અદલ સેવા કરીને ભગવાનના ચરણનો આશ્રય કરવો. એ આશ્રય મોટા સુખને-ભગવાનના ધામને અપનારો છે એમ માનીને આશ્રય કરવો. એ આશરો ત્રિવિધ તાપનો નશ કરનારો છે એવું જાણીને સેવક સદા ભગવાનને શરણે રહે છે. ક્યારેય અંતરમાં કંટાળો કે અભાવો થવા દેતો નથી. અતિ ગરજુ બની રહે છે “નાવ કે કાગકી ગતિ ભઈ મોરી” મુક્તાનંદ સ્વામીએ બતાવ્યું છે તેમ જેમ મધદરિયે નાવ પંહોચે ત્યારે તેના સઢ પર કાગડો આવી ગયો હોય તેને બીજે ક્યાંય જવાનો આરો નથી “જહાં દેખું તહ જલનિધિ ખારા, મેરે તો તુમ એક હી આધારા” એવી ગતિથી એવી અનન્ય નિષ્ઠાથી ભક્ત ભગવાનને શરણે થઈ રહે છે તે ભગવાન સિવાય કોઈનો આધાર રાખતો નથી. ભગવાનને સુખના ભંડાર જાણીને એક શરણને વળગી રહે છે. જેમ પતિવ્રતા સ્ત્રી એક પતિવ્રતાની ટેકથી એક જ ધણીને વળગી રહે છે બીજા ગમે તેવા ગુણવાન, રૂપવાન, સત્તાવાન હોય પણ પતિવ્રતાનું મન ચલાય માન થાય જ નહિ. તેની સામે નજર સુધા કરે નહિ. મનમાં તેને ગુણભાવથી યાદ પણ કરે નહિ તેમ ભગવાનનો ભક્ત ભગવાનમાં પતિવ્રતાની એક ટેક રાખીને ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની સેવા કરે છે. તે જ સાચા સંત ગણાય છે ઠેકાણા વિનાની ભક્તિ-સેવાથી દિવસ વળતો નથી. જેમ બપૈયો પક્ષી સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી આવતા પાણીને જ પીએ છે અન્યથા પીયુ પીયુ કરીને પ્રાણ છોડી દે
છે પણ બીજું અમૃત હોય તોય બપૈયો તેમાં ચાંચ બોળવાનો વિચાર પણ કરતો નથી. તેમ ભગવાનના ભક્ત-સેવક સ્વાતી બિંદુની જેમ પરમાત્મામાં જોડાયેલા રહે છે તેના વચનને સ્વાતિ જળ જેમ અંતરમાં ઉતારી લે છે. જેમ ચકોર પક્ષી ચંદ્ર સિવાય કોઈ વસ્તુ સામે જોતુ નથી તેમ સાચો ભક્ત ભગવાનની મૂર્તિ વિના બીજું અંગારા સમ માની તેની સામે ક્યારેય જોતા નથી અર્થાત્ તેનું ચિંતવન કરવા નથી. એવી રીતે ભગવાનના ભક્તને પોતાના માલિક ભગવાનમાં અનન્યતા જોઈએ. એક નેક ટેક જોઈએ. (બકરીની જેમ ગમે તે દૂધ દોહી લે એવા નમાલા ન જોઈએ ત્યારે તેનાં અનન્ય ભાવ રહેશે નહિ.) મન કર્મે વચને એક મહારાજના થઈ રહે છે એકની જ અનન્ય ભાવથી સેવા-ભક્તિ કરી છે. એવા ભક્તની ભક્તિ-સેવા મહારાજને ખુબ વહાલી લાગે છે. એવા ભક્તની ઉપર ભગવાન ભક્તિ-સેવા મહારાજ ને ખુબા વહાલી લાગે છે. એવી ભકતની ઉપર ભગવાન ખુબ જ પ્રસન્ન થાય છે