ભક્તિનિધિ – કડવું ૩૬

રાગ:- ધન્યાસરી

ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।

ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત વિના ન બેસે નિરાંતેજી ।।૧।।

રાગ :- ઢાળ

દાસપણામાં જે દોષછે, તે દૃગ આગળ દેખે વળી ।

માટે મોટપ્ય માને નહિ, સમઝેછે રીત એ સઘળી ।।૩।।

માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર ।

ભક્તિમાં જેથી ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।।

તેમ ભક્તિ થકી ભવદુઃખ ભાંગે, જાગે ભાગ્ય મોટું જાણવું ।

તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।।

મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર ।

બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।।

વિવેચન

ભગવાનનો સાચો સેવક-ભક્ત હોય તે બીજી સફળતાઓ મળી જાય તો પણ તે ફોગટ વાતોથી ફુલાતો નથી. તે સફળતામાં પોતાને સફળ માનતો નથી. તેનો પોતાને ગર્વ નથી થતો તેને તો ત્યારે જ નિરાંત થાય છે કે જ્યારે મહારાજની કાંઈક સાચી સેવા થાય તે પણ સારી રીતે સેવા ભક્તિ થાય ત્યારે ભક્તને હૃદયમાં શાંતિ થાય છે. બીજા ગમે તેટલા પોતાને ભક્ત તરીકે બતાવતા હોય તો પણ તેના શબ્દોથી દોરવાય જતો નથી. અને ભ્રાંતિથી પોતાને પુરો ભક્ત માની લેતો નથી. ભ્રાંતિમાં અટવાય જતો નથી. એને તો પ્યોર ભક્તિ-સેવા નથી થતી ત્યાં સુધી હૃદયમાં સંતાપ રહ્યા કરે છે સાચી ભક્તિ ક્યારે મારાથી થાય? તેની આતુરતા રહ્યા કરે છે જ્યારે ભગવાનની સાચી ભક્તિ સારી રીતે થાય છે ત્યારે તે ભક્તના કામાદિક વિચારો જરૂર વિરમી જાય છે. ગોપીઓને જગતના વિષય સુખ ઝેર જેવા થઈ ગયા હતા. તેમ સાચી ભક્તિ ઉદય થયા સુધી મનના-હૃદયના

વિકારો શાંત નથી થયા ત્યાં સુધી મહારાજની ભક્તિ કરવામાં કોઈક કચાશ છે એમ ભક્ત જાણે છે અને તે વાતથી તેને મનમાં સંતોષ થતો નથી. પોતાના ભક્ત પણામાં જે ખામીઓ છે તેને દૃષ્ટિ આગળ સાક્ષાત્ દેખાય છે માટે ક્યારેય પોતાને મોટો ભક્ત કે સેવક પોતાની મેળે માની લેતો નથી. પોતાની ખોટલનું નિવારણ કરવા અતિ આર્તભાવથી ભગવાનની સેવા કરે છે, ભક્તિ કરે છે. તે મનમાં એમ સમજે છે કે ભગવાનને સેવા-ભક્તિથી ચકચૂર બનાવી દેવા છે. તેવી ભક્તિમાં જે વિઘ્નરૂપ બાબતો હોય, વ્યક્તિઓ હોય, સિધ્ધાંતો હોય તેનાથી હંમેશા દૂર જ રહે છે. તે ભક્ત મનમાં એવું સમજે છે કે જે ઉદ્યમમાં કોઈ વિઘ્ન ઊભુ કરે તો તેનાથી મોટો વેરી કોણ ગણાય? કોઈ ન ગણાય તેમ ભગવાનની સેવા કરવાથી ભક્તિ કરવાથી ભવદુઃખ ભાંગે છે અને જીવના પરમ ભાગ્ય જાગે છે ત્યારે જે વિમુખની વાત સાંભળવાથી તે ઉત્સાહ ઓછો થઈ જાય જે વિમુખની વાત સાંભળવાથી અને સાંભળીને(કદાચ સંભળાય જાય તો) ભક્તિમાં શ્રધ્ધા ભંગ થાવું નહિ. આળસ આણવી નહિ. જેમ માણસ ધન આદિક કમાવવામાં પોતાના સ્વાર્થમાં ઉદ્યમ કરવામાં કોઈ, કોઈ પ્રકારની કસર રાખતું નથી. યાવત બુધ્ધિ બલોદય કરી છુટે છે તેમ જ ભગવાનના ભક્તને ભગવાનની સેવા-ભક્તિમાં પોતાની તમામ શક્તિથી કરી છુટવું. આસક્ત પુરૂષ પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા જેમ કરે છે તેવા જ વેગ, શ્રધ્ધા, ખંતથી ભગવાનના ભક્ત ભગવાનની સેવા ભક્તિ કરવી જોઈએ . ‘सक्ताः कर्मण्यविद्वांसो यथाकुर्वन्ति भारत । कुर्यात्विद्वास्तथासक्तश्चिकीर्ष लोकसंग्रहम् ।। (गी.)’ भगवानना ते भोटि પ્રાપ્તિ માનીને તત્પર થઈને સેવા કરવી જો આ તક ચુકી જાઈશુ તો બની વાત બગડી જશે એમ માનીને તત્પર રહેવું. જે સમયે જે કામ થતુ હોય તે તક ચુકી ગયા પછી થતુ નથી તેમ મનુષ્ય દેહ, સત્સંગ મળ્યા છે માટે તક ન ચુકી જવાય તેની જતન રાખવી.