રાગ:- ધન્યાસરી
સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી ।
ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી ।।૧।।
રાગ :- ઢાળ
ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર ।
ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।।
અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાંણી વળી સોડ ।
નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કરજોડ ।।૩।।
મહામે’નતે કરી મેલિયું, વળી અર્થે ભર્યું એવું અન્ન ।
તે ખાઇને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન ।।૪।।
વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ ।
તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોળી જુવો શિ થઇ ખાટ્ય ।।૫।।
એણે આપ્યું નથી અન્ન ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ ।
એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રીઘનશ્યામ ।।૬।।
ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું ભક્તિ ભજન ।
રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ।।૭।।
ખરૂં ન કર્યું ખાધા જેટલું, ઇચ્છયો ભક્ત થાવા એકાંત ।
તેતો ઘાસ કટુ ઘેબરનાં ભાતાં, ખાવા કરે છે ખાંત ।।૮।।
એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધારિયે ।
માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને સંભારિયે ।।૯।।
એમ જાણે છે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ ।
નિષ્કુળાનંદ કહે વેષ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ ।।૧૦।।
વિવેચન
આ જગતમાં ઉપર વર્ણવ્યા એવા સાચા ભક્તનું મળવું એ મોટા ભાગ્યની વાત ગણાય છે. એવા ભક્તને જગતના વિષય સુખ ઝેર જેવા લાગે છે તેનું ચિત્ત એક પરમાત્માના સ્વરૂપમાં જ આનંદ પામે છે. તેના વિના બીજું સર્વસ્વ અંતરથી ત્યાગ કરે છે. પંચ વિષય સંબંધી વિકારો તેને અંગારા જેવા વસમા લાગે છે. બીજાનું અન્ન જમીને ભક્તિ કર્યા વિના નિરાંતે-નંચિત થઈને સુઈ ન રહે પણ પરમાત્માની ભક્તિ-સ્તુતિ આર્તનાદથી કરતો રહે છે. આપનારા ભક્તોએ લોહીનો પરસેવો કરીને તે મેળવ્યું હોય છે. તેને દેવા પાછળ તેને કાંઈક પામવાની ઈચ્છા હોય છે હવે જો ભજન ન થાય તો ખાટવા દેતું નથી. નિરાંત લેવા ન દે. માટે ભક્તે સાવધાની પૂર્વક વિચારવું જોઈએ વળી શ્રધ્ધાળુ ભક્તો ભાવથી વસ્ત્રો ઓઢાડે છે તે વસ્ત્ર ઓઢીને અને તેના સર્મપણનું અન્ન જમીને પરમાત્માની સેવા કે ભક્તિ વિના બીજો સ્વાર્થિક ઉદ્યમ કર્યો કે અહંતા-મમતા પુરી કરવાનો ઉદ્યમ કરીએ ત્યારે મનમાં ખાટી ગયા. મફતનું મેળવી લીધું એમ હરખાવાની જરૂર
નથી. તેણે નકામું જાણીને કાંઈ આપ્યું નથી. મનમાં તેનું હજારગણુ પામવાની આશાથી આપ્યું છે તે આપણે જ આપવું પડશે. જો સાચા ભાવમાં ભક્તિ કે શરણાગતિ કરી હોય તો તો તેનો બદલો ભગવાન તેને ચુકવી આપે છે પણ આપણે તેને ઉપયોગ કરીને અહંતા-મમતા વધારીને કવા-દાવા કરીને, પંચવિષય ભોગવવામાં જ મસ્ત રહ્યા હોઈએ તો ભગવાન ક્યાંથી આપે તે તો આપણે જ કોઈક ઘોડા-ગધેડા કે બળદીયા થઈ ને તેનો કર્યો દેવો પડશે એવો ભગવાનના ઘરનો અને શાસ્ત્રનો ન્યાય છે. તેમાંથી છટકી જવાય એવું અંધારું ત્યાં નથી. માટે સાચા ભક્તના હૃદયમાં આ વાતનો ખટકો રાત્રી-દિવસ રહે છે. ખાધા જેટલી પણ ભક્તિ નથી કરીને પાછો એકાંતિકની કિર્તી પામવાની ઈચ્છા રાખે છે તે તો ઘેલસાગરી ઈચ્છા છે તેવી વરવી ઈચ્છા પુરી થતી નથી. તેનો ભક્તે ખ્યાલ રાખવો જોઈએ. અને રાત્રી-દિવસ મહારાજને હેતથી સંભારીને સમય પસાર કરવો જોઈએ. એવું ભગવાનના ભક્ત સમજે છે તે ક્યારેય ભક્તિ કરવાનું ચુક્તા નથી. પોતાનો ભક્તનો વેશ બરાબર બનાવીને સંતોષ પામતા નથી. પણ સાચી ભક્તિ કરીને જ આનંદ પામે છે.