રાગ:- ધન્યાસરી
ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભક્તિ વિના જેણે પળ ન રે’વાયજી ।
શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી ।।૧।।
રાગ :- ઢાળ
સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી ।
અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।।
હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા ।
ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા ।।૩।।
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમઝે નઇ ।
ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઇ ।।૪।।
ભક્તિ વિનાનો નહિ ભરોંસો, સદા સ્થિર રે’વા કોઇ ઠામ ।
માટે મૂકી ન શકે ભક્તિને, અતિ સમઝી સુખનું ધામ ।।૫।।
નવે પ્રકારે નક્કી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ ।
તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ ।।૬।।
અહંમમત જાય જ્યારે ઉચળી, ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા ।
ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઇ મણા ।।૭।।
રસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ ।
અંતરાય નહિ એકાંતિકપણું, ઘણું રહે શ્યામની સંઘાથ ।।૮।।
એવે ભક્તે ભગવાનની, ભલી ભાત્યે ભજાવી ભગતિ ।
ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ ।।૯।।
કરિયે તો કરિયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ ।
નિષ્કુળાનંદ ન કરીયે, ભક્તિ લોક દેખાડવા કાજ ।।૧૦।।
વિવેચન
ભગવાના સાચા ભક્ત હોય તેમણે ભગવાનની સેવા કર્યા વિના પળ માત્ર રહી શકાતું નથી. તેઓ શ્વાસોશ્વાસે ભજન કરતા જાય છે. અને સેવા કરતા જાય છે. તેમાં તેને બીજું કાંઈ રૂચતું નથી. શરીરના સુખ ભોગવવા તે સાચા ભક્તને રૂચતા નથી તેના અંતરમાં અખંડ ભગવાનની ભક્તિ કરવાનું તાન રહે છે. ભગવાનની ભક્તિ વિના તેને વિશ્રાંતિ થતી નથી. ભક્તિ કરવાથી તેનો થાક ઉતરી જાય છે. ભક્તિ વિના બ્રહ્મલોક સુધીના કોઈ પણ સુખ-વૈભવમાં ક્યારેય લલચાતા નથી. અને તેને ક્યારેય સુખ માનતા નથી. ભગવાનની ભક્તિ વિના ક્યારેય પણ અચળ પદવી-અક્ષરધામની પ્રાપ્તિ-થઈ શક્તી નથી. એવો તે ભક્તને અચળ ભરોંસો હોય છે માટે અતિ સુખનું ધામ સમજીને તેને ક્યારેય મૂકીશક્તા નથી.
અહં મમતાને ઉખેડી નાખીને સાવધાન થઈને નવધા ભક્તિને આદરે છે જ્યારે અહં-મમતા દૂર થાય છે ત્યારે જ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે છે અને તેને જ પ્રગટની ભક્તિ પણ કહેવાય છે. અહં મમતાને ઉખેડી નાખીને સાવધાન થઈને નવધા ભક્તિને આદરે છે જ્યારે અહં-મમતા દૂર થાય છે ત્યારે જ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે છે અને તેને જ પ્રગટની ભક્તિ પણ કહેવાય છે. જ્યાં સુધી અહં- મમતા ભરી છે ત્યાં સુધી ગમે તેવી નવધા ભક્તિ કરે કે સેવા કરે તો પણ પ્રેમ લક્ષણાનું સ્વરૂપ પમાતું નથી. તે પ્રગટની સેવા થઈ શક્તી નથી. ભક્તિ કરવામાં જ્યારે અહંતા-મમતા દૂર થાય છે ત્યારે તે ભક્તને કોઈ ખામી રહેતી નથી. પરમાત્માની સાથે એક્તા પ્રાપ્ત થાય છે તેનામાં એકાંતિક ભાવ આવે છે. એને જ પ્રેમ લક્ષણા કહો કે પ્રગટની ભક્તિ કહો તે એક છે. તેનાથી ભગવાન રાજી થાય છે. ત્યારે એવા ભક્તને કોઈ સાધના બાકી રહેતી નથી. માટે સ્વામી કહે છે ભક્તિ કરવી તો એવી ભક્તિ કરવી પણ લોકોને દેખાડવા કે લોકોને રીજવવા ભક્તિ ન કરવી.