રાગ:- ધન્યાસરી
સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી।
એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી ।।૧।।
રાગ :- ઢાળ
સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો ।
લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।।
ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધ શું ।
સારો સારો સહુ કોઇ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું ।।૩।।
ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ ।
મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ ।।૪।।
આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપુર,
જાણ્યું કસર કોઇ વાતની, જોતાં રહી નથી જરૂર ।।૫।।
એવો બા’રે વેષ બનાવિયો, સારો સાચા સંત સમાન ।
પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન ।।૬।।
જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્ત ભક્ત કહે છે ભવમાંઇ ।
ભક્તપણું નથી ભાસતું, ભાસેછે ઠાઉકી ઠગાઇ ।।૭।।
જે સર્વે સુખ શરીરનાં, લઇ લેવાં લોકની પાસથી ।
ભક્ત જાણી ભોળવાઇ ભોળા, આપે હૈયે હુલાસથી ।।૮।।
વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે જાણી હરિદાસ ।
જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ ।।૯।।
તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે ।
નિષ્કુળાનંદ નર કળ કરે છે, પણ સરવાળે શું સાર છે ? ।।૧૦।।
વિવેચન
સ્વામી કહે છે કે જેને અંતરમાં પ્રમાણિકપણે સેવા કરવાનો ઈરાદો નથી, સાચી સેવા કરવાની દાનત નથી, તોય પણ સેવકનો ઉપરથી વેશ ધારી રહે છે. કૃત્રિમતાથી કે દંભ કપટથી સેવક ભાવનો દેખાવ કરી રહ્યા છે. તે તો આ લોકના કોઈક મહેનત કર્યા વિનાના મફતિયા લાભ લઈ લેવાની હરામી વૃતિ વાળા છે. સેવકનો વેશ કે નાટક કરતા હોવા છતા સાચા સેવક નથી. સેવકાયનો સાચો આધાર કે ઓળખાણ તો તેમના અંતરના સાચા અને પ્રમાણિક ઈરાદા ઉપર આધાર રાખે છે તેની હૃદયની દાનત ઉપર આધાર રાખે છે તેના વેશ, ચિહ્નો ધારણ કરવા ઉપર કે કૃત્રિમ નાટકીયતા રાખે છે તેના વેશ, ચિહ્નો ધારણ કરવા ઉપર કે કૃત્રિમ નાટકીયતા ભજાવવા ઉપર આધાર નથી. સ્વામી કહે છે એવા નાટક કરનારા, ભવાયાઓને રખે સાચા સેવક માની લેશો નહિ એ તો સોનાનો ઢોળ ચઢાવેલ પિતળનો દાગીનો છે તેને સોનાનો માની લેવો કે સોનાનો માનીને તિજોરીમાં સંઘરવો તે આપણી મુર્ખાય ગણાશે. હોશિયારી ન ગણાય. સ્વામી એવા સેવક ભક્તોથી સાધકો એ ચેતવા માટે તેમના લક્ષણો-વર્તણુક વર્ણવે છે. સ્વામી કહે છે સોના સરીખો શોભતો સોનાનો ઢોળ એવો સરસ ચડાવેલો છે કે કોઈ જોવે તો સોનું જ લાગે. અનુભવી સોની પણ દેખાવથી તો ભૂલા પડી જાય પણ તે તો વજનથી ઓળખી જાય-ભક્તની બીજી સાઈડથી ઓળખાય જાય બાકી કલરથી તો તેને પણ ભૂલા પાડી દે એવો કલર-ફીનીશીંગ લાવે છે. સ્વામી કહે લોકોને તો બીજી બાજુ(સાઈડ)નું જ્ઞાન નથી તેથી આંખો બંધ કરીને ખરેખરી ભાવુકતાથી પૂજવા લાગ્યા. આ ભક્તોને પણ એટલું જ જોઈતું હોય છે કે બસ આંખો બંધ રાખો ને પૂજા ચાલુ રાખો-મોટે ભાગે પૂજામાં આંખો બંધ થાય તો જ ખરી ભાવુકતા આવતી હોય છે! ઉપરનો ભક્તાપણાના દેખાવનો વૈભવ જોઈને પૂજા આવવા લાગી. ખાવા-પીવાની, વસ્ત્ર-વસ્તુની કોઈ ખોટ્ય જ રહી નહિ. જોઈતું હતું તે બધુ જ મળી ગયું. “સારો સારો, આના જેવો કોઈ નહિ, આપણા ભાગ્યે જ આ આપણાને મળી ગયા છે નહિ તો આપણું શું થાત?” વિગેરે ભાવનાઓના ઉભરા ઉપર ઉભરાનો અભિષેક થવા લાગ્યો. હવે આને જગતનું કોઈ સુખ મળવાનું બાકી રહ્યું નથી. વગર મહેનતે મળી ગયું. જ્યારે ભક્ત- સેવકના અદલ ચિહ્નો ધાર્યા ત્યારે. ખાવા-પીવા ઓઢવા-પેરવા, રહેવા, હરવા, ફરવામાં ક્યાંય સેકંડ ક્લાસ નહિ. ઉત્તમ કલ્પથી સેવકની પણ સેવા થવા લાગી. તે પણ ઘણી સાવધાની રાખે છે. જરાય મોળી બીજા નંબરની વાત કરતા નથી. વાત પણ પહેલા નંબરની જ એના મુખે આવે. ત્યારે ભક્તો પણ વાહ! વાહ! બોલી ઉઠે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે “એવો બારે વેશ બનાવીયો….” સાચા સંતના સમાન બધા જ દેખાવની જમાવટ કરી દીધી છે પછી શું થશે તેનું ભાન ભૂલાય ગયું છે અજ્ઞાન આવી ગયું છે. પોતે શું કરે છે તેની સમીક્ષા ક્યારેય તટસ્થ થઈને કરતા નથી. મારામાં સાધુતા છે કે નહિ? ભક્તપણુ દેખાતું નથી. ઉલ્ટું ઠગારાપણું છે બીજાને આપણે છેતરીએ છીએ શરીરના સુખ લેવા શ્રધ્ધાળુ લોકોની શ્રધ્ધાનો ઉપયોગ કરીએ છીએ લોકો એમ જાણે છે કે વહાલીને ઉત્તમ વસ્તુ અંહિ આપતા અનંત ગણુ ફળ મળશે. આવી શ્રધ્ધાનો ઉપયોગ કરીને હું દગાદાર બનું છું એવો તપાસ જેનો માયલો મરી ચુક્યો હોય તે કરી શક્તા નથી. પણ સ્વામી કહે છે તેવા કાવા દાવા કરવામાં સરવાળે સાર નથી.