રાગ:- ધન્યાસરી
અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઇ ફેર ન રાખવો રતિજી ।
પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ।।૧।।
રાગ :- ઢાળ
મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ ।
આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ ।।૨।।
શાસ્ત્ર થકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ ।
તેમની તેમ તેણે કરી, ઉર આણી અતિ નિરવેદ ।।૩।।
કેણેક કર કપાવિયા, કેણે મુકાવિયું કરવત ।
કોઇ વેચાણા શ્વપચ ઘરે, કોઇ પડ્યા ચડી પરવત ।।૪।।
કેણેક અસ્થિ આપિયાં, કેણે આપિયું આમિષ ।
કેણેક ઋષિરથ તાણિયો, કેણેક પીધું વળી વિષ ।૫।।
કેણેક તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ ।
અન્ન ધન ધામ ધરણી, મેલી મોહન મળવા કાજ ।।૬।।
કોઇક લટક્યા કૂપ મધ્યે, કોણેક આપી ખેંચી તનખાલ ।
કોઇ સૂતા જઇ શૂળિયે, મોટો જાણી મહારાજ માંહિ માલ ।।૭।।
કોણેક તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની આશ ।
હિમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ ।।૮।।
પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન ।
ત્યારે પ્રગટના ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન ।।૯।।
આદિ અંતે વિચારીને, કરી લેવું કામ આપણું ।
નિષ્કુળાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું ।।૧૦।।
વિવેચન
ભગવાનના ભક્તએ મોટી પ્રાપ્તિ પામવા માટે અતિ આદર પૂર્વક ભગવાનની સેવા કરવાની છે. તેમ પોતાની બુધ્ધિ આમ તેમ ડગી ન જાય તેનો ખ્યાલ રાખીને અડગ મતિ રાખવાની છે. જેમ પરોક્ષના ભક્તોએ અતિ આસ્તિકપણુ હૃદયમાં લાવી ને અચળ ભરોંસો રાખીને ભગવાનની ભક્તિ ભૂતકાળના ઈતિહાસમાં ઘણાએ કરેલી છે. શાસ્ત્રમાંથી નવધા ભક્તિ સાંભળીને તેમની તેમ વિશ્વાસ આણીને કરી છે જગત થકી અતિ વૈરાગ્ય રાખીને ભક્તિ ભજાવી છે. કોઈ કે ભગવાન અથવા તેની ભક્તિ કરવા હાથ કપાવ્યા, કોઈકે કરવત મુકાવ્યું, કોઈક શ્વપચને ઘેરે વેચાણા છે, તો કોઈ પર્વત પરથી પડ્યા છે, કોઈકે જીવતે જીવતે પોતાના અસ્થિ આપી દીધા, તો કેણેક પોતાના શરીરનું માંસ આપી દીધું છે, કોઈ રાજા મહારાજા હોઈને પણ ઋષિઓના રથે જુત્યા છે, કોઈકે ભક્તિ કરવા ખાતર ઝેર પી લીધું છે, કેટલાકે રાજપાટ, ધન ધામનો ત્યાગ કર્યો છે, કોઈ કૂવામાં ઊંધે માથે લટક્યા છે, તો કોઈકે પોતાની ચામડી ઉતારી દીધી છે, કોઈ શુળી પર ચડ્યા છે. તેણે બધાએ આ દુઃખ કરતા પણ બદલામાં મોટો લાભ જાણીને તેમના ભોગે ભક્તિને બચાવી લીધી છે કોઈકે કઠણ તપ કર્યા છે. ભગવાનને મળવા અતિ હિંમત કરીને એવો મોટો લાભ જાણીને તેમના ભોગે ભક્તિને બચાવી લીધી છે, કોઈકે કઠણ તપ કર્યા છે, ભગવાનને મળવા અતિ હિંમત કરીને એવા મોટા પુરૂષાર્થ કર્યા છે. પરમાત્માની સાચી ભક્તિ અને સાચા ભક્તનું એ એંધાણ છે કે તેને માટે તે પોતાની શક્તિ કરતા પણ અતિ વિરાટ અને અતિ માનુષિ પુરૂષાર્થ અંતરની પ્રમાણિકતાથી કરે છે. તે તેને માટે નિચોવાય જઈને રહે છે. એ સાચી ભક્તિનું લક્ષણ છે ઉપર બતાવ્યું તે પ્રમાણે તે તે ભક્તોએ અતિ હિંમત કરીને ભક્તિ કરવા અતિ વિરાટ પ્રયત્નો કરીને મોટા બલિદાનો આપીને ભક્તિને બિરદાવી છે તેથી સાચા ભગવાનના ભક્ત કહેવાયા છે. તે ભક્તોએ ભગવાનની ભક્તિ કરવા માટે પ્રાણની પણ પરવા કરી નથી. પ્રાણાન્ત પ્રયત્નો કરી છુટ્યા છે એવો તેમનો ભક્તિ માટે જબ્બર આગ્રહ રહ્યો છે. ત્યારે પ્રગટના ભક્તોએ તો સામેથી આવેલી પરમાત્માની સેવા માટે તો સાવધાન કેમ ન રહેવું ઘટે? જરૂર સાવધાની જોઈએ. પેલા ભક્તોને તો ભક્તિ મેળવવા માટે પ્રથમ જ બલિદાનો આપવા પડ્યા છે તે શ્રીજી મહારાજના ભક્તોને સત્સંગમાં અનાયાસે આવીને મળ્યું છે હવે આવેલી તકની પૂર્ણ કિંમત સમજીને સાવધાન વર્તીને ગાફલપણાનો ત્યાગ કરીને આપણું કામ કરી લેવાનું છે.