રાગ:- ધન્યાસરી
ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી ।
સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી ।।૧।।
રાગ :- ઢાળ
અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો ।
અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।।
જેમ ચિંતામણિ મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે ।
શેતખાનાની સાંકડે, હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।।
તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર ।
તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર ।।૪।।
જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બાળોતિયું ।
એ સમઝણમાં સેલી પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।।
તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોષિયું કુળ કુટુંબને ।
દાટો પરુ એ ડા’પણને, ખરસાણી સારૂં ખોયો અંબને ।।૬।।
જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં રેડે લઇ ।
એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।।
તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં ।
કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।।
માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ ।
વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ ।।૯।।
જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો ।
નિષ્કુળાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।।
વિવેચન
સ્વામી કહે છે કે આ સંસારના ખોટા સુખ-માન-મોટાઈ, માલ-મિલકત, સતા, ભોગ સંગ્રહ વિગેરે મેળવવા માટે આખી જીંદગી કાવા દાવા ખેલીને મનુષ્ય શરીરને વેડફી ન નાખવું. ફરી ફરીને મનુષ્ય શરીર નહિ મળે. પંચ વિષયના સુખ તો કાગડા-કુતરાની યોનિમાં પણ મળી રહેશે. માટે જગતના સુખનો અભાવ કરીને ભગવાનની ભક્તિ કરો. મનુષ્ય દેહ ચિંતામણી કીધો છે. તેને કાગડા ઉડાડવામાં ફેંકી ન દેવાય. પાયખાનુ બનાવવા માટે ભગવાનનું મંદિર પડાય નહિ. આજે લોકો પાયખાનું બનાવવામાં લાખો રૂપિયા ખર્ચા કરે છે. જ્યારે ભગવાનનું મંદિર સીડી નીચે ગોખલામાં રાખી દે છે. એવું ન કરવું. મનુષ્ય દેહને વિષય સારૂ ખોઈન દેવો. જેમ દૂર્લભ એવી ભગવાનની પ્રસાદીની ગોદડી હોય તેને બાળકનો
ગંદવાડ સાફ કરવામાં ઉપયોગ કરે તો તે સમજણમાં રાખ પડી ગણાય. કામધેનું દોહીને કૂતીને પાય દીધું કહેવાય. મનુષ્ય દેહ કેવળ ભગવાનની કૃપાનું ફળ છે તે કાંઈ કર્મનું ફળ નથી. પુણ્યનું ફળ હોય તો સ્વર્ગમાં દેવતા થવાય છે. પાપનું ફળ નરક છે. માટે મનુષ્ય દેહ તો કેવલ ભગવાનની કૃપાનું જ ફળ છે તેને આ દૃષ્ટાંત દીધું તેમ ઉપયોગ ન કરવો. આવું કિંમતી મનુષ્ય શરીર પામી કેવળ પોતાના કુટુંબનું પોષણ કરી લીધું તે તો કાગડા, કૂતરા પણ પોતાના કચ્ચા-બચ્ચાનું પોષણ કરે છે, તેને માટે ઝઘડે છે તેમાં શું નવાઈ છે. સ્વામી કહે છે કે તેવી હોંશિયારીને ધિક્કાર છે તેને દૂર દાટો અમારે તેવી હોંશિયારી જોઈતી નથી. તેણે થોર મેળવવા આંબાના વૃક્ષને ખોય દીધું છે. જેમ ઘીનો ઘડો યજ્ઞ કુંડમાં હોમવાને બદલે રાખમાં ઢોળી આવે તો સ્વામી કહે તેની અક્કલ સળગાવી દો. તેણે દુર્લભ મનુષ્યદેહ ઉલ્ટો અનર્થકારી બનાવ્યો. સર્મપણ તો કર્યો જ છે પણ એવે ઠેકાણે સર્મપણ કર્યો છે કે તેમાંથી ઘોર દુઃખની પરંપરા ઊભી થવાની છે. માટે મનુષ્ય તનનું મહાત્મ્ય જાણીને શાસ્ત્રો, સત્પુરૂષોએ બતાવેલું સવળુ કામ કરવું. પણ ભગવાને આપેલ ઈનામ રૂપ આ શરીરને વ્યર્થ ન બગાડવો. આ દેહે ખોટ્ય રહી ગઈ તે બીજા દેહે પુરી થઈ શક્તી નથી. માટે જન્મો જનમની ખોટ્ય ટાળવાનો એક જ ઉપાય છે કે મનુષ્ય દેહે ભગવાનની ભક્તિ કરી લેવી-ભગવાનની સેવા કરી લેવી.