રાગ:- ધન્યાસરી
ફેર નથી રતિ ભક્તિ છે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી ।
એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે હુડીજી ।।૧।।
રાગ :- ઢાળ
હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ ।
અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।।
સો સો ઉપાય સિંધુ તરવા, કરી જુવે જગે જન કોય ।
વહાણ વિનાનાં વિલખાં, સમઝી લેવાં જન સોય ।।૩।।
તેમ ભક્તિ વિન ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત ।
માટે ભક્તિ ભજાવવી, સમઝી વિચારીને સંત ।।૪।।
ખાધા વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય ।
તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા, નથી ઉપાય કહું કોય ।।૫।।
જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ વિના ટળે નહિ રાત ।
તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો કોઇ વાત ।।૬।।
જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણો છે આધાર ।
તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ।।૭।।
જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન ।
તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એજ જીવન ।।૮।।
જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ ।
તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ ।।૯।।
માટે ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ ।
નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, આદરશું કરવી અતિ ।।૧૦।।
વિવેચન
સાચા ભાવમાં કરેલી ભગવાનની ભક્તિ એ દોયલા દિવસની અર્થાત્ સંકટ સમયની મૂડી છે. ઘણું કરીને સંકટ સમયમાં કોઈ પ્રકારની મૂડી કામમાં આવતી નથી. ભગવાનની ભક્તિ એવી છે કે તે વિશેષે કરીને સંકટના સમયમાં આપણા જીવને ઉગારી લેનારી છે એમાં રતિભાર પણ ફેર નથી આ સંસાર સાગર તરવા માટે ભક્તિ છે તે મજબુત હોડી છે જે સંસારની પાર ઉતારી દેનારી છે સાગરને તરવા તેના સિવાય સોયે સો ઉપાયો કોઈ કરે તો પણ તે પાર ઉતારનારા થતા નથી. વ્યર્થ પ્રયત્નો બની રહે છે તેમ ભક્તિ વિના ભવજળ તરવા માટે પ્રયત્ન કરવા તે તેવું છે. જેમ ખાધા વિના ભૂખ દૂર ન થાય, જળપાન કર્યા વિના તૃષા દૂર ન થાય તેમ મહારાજની ભક્તિ કર્યા વિના ભવદુઃખ દૂર થવાના કોઈ ઉપાય નથી. જેમ મોટા પર્વતને ભીંજવવો હોય તો વરસાદ વિના તે ભીંજવી શકાતો નથી. સૂર્ય વિના રાત જતી નથી. તેમ ભક્તિ વિના પરમાત્માનું મોટુ સુખ પ્રાપ્ત થનારૂ છે નહિ. જેમ પ્રાણધારીના પ્રાણ આહારના એક માત્ર આધારથી ટકે છે તેમ સર્વે સુખ ભગવાનની ભક્તિને આધારે છે. જળચર પ્રાણીઓને જળ એજ જીવન છે વનચરને વનમાં જ પોતાના જીવનનો આધાર છે તેમ ભગવાનના ભક્તને
ભગવાનની સેવા કરવી એ જ જીવન હોવું જોઈએ. (જીવન દોરીનું વચનામૃત મ.પ્ર. ૨૮) જેમ જળચર પ્રાણીઓ તો માછલા, દેડકા, કાચબા બધા જ કહેવાય પણ જળ એ જ જીવન જેનું છે જળ વિના તડફડીને મૃત્યુ થાય એવું જળચર તો માછલું એક જ કહેવાય. દેડકા, કાચબા તો જમીન પર પણ આંટો મારીને તેને જળ દૂર થતા પ્રાણ જાય એવું બંધન નથી તેમ સાચા ભક્તને માછલાને પાણીનું જેમ તેમ ભગવાનનું અને તેની ભક્તિનું બંધન હોવું જોઈએ. એના વિના તો બીજા પામર છે એમ જાણવું માટે ભગવાનના ભક્તને નિર્ભય પદને પામવા માટે માછલા જેવી અચળ ટેક રાખીને આદર પૂર્વક ભગવાનની ભક્તિ આદરવી.