ભક્તિનિધિ – કડવું ૨૮

રાગ:- ધન્યાસરી

કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી ।

જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ।।૧।।

રાગ :- ઢાળ

આ નેણે નિરખિયે નાથને, મુખોમુખ કરિયે વાત ।

આવે અવસર એવો ક્યાં થકી, જે પ્રભુ મળે સાક્ષાત ।।3।।

જમવું રમવું જોડે બેસવું, એવો ક્યાંથી પામિયે પ્રસંગ ।

મોટા મોટાને મુશકેલ મળવો, સુણી સદા રે’તા મનભંગ ||૫||

તેહ પ્રભુજી પ્રસન્ન થઇ, નરતન ધરી મળ્યા નાથ ।

તેણે સર્વે રીતે સુખ આપિયાં, થાપિયાં સહુથી સનાથ ।।૭।।

ભક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી ।

પુણ્યવાન કોઇ પામશે, વારેવારે શું કહીયે કથી ।|૯||

વિવેચન

સદ્. નિષ્કુળાનંદ સ્વામી આ પદની છેલ્લે પંકિઓમાં બતાવે છે કે “પ્રગટની પરિચરિયા છે માનવીઓને મોંથી ઘણી તેહ ભક્તિને ભવ બ્રહ્માએ, માગી મગન થઈ ઘણી, નિષ્કુળાનંદ એ નૌતમ નિધિ સૌ સમજે છે સુખતણી” મનુષ્ય દેહ મળ્યા પછી અને તેમાં પણ આ અલૌકિક સત્સંગની પ્રાપ્તિ થયા પછી પણ આ શ્રીજી મહારાજની પરિચર્યા-સેવા ભક્તિ મળવીએ ઘણી મોંઘી છે તેમની અનુવૃતિ પાળવી દુર્લભ છે. સત્સંગમાં પણ લક્ષાવધિ માણસો છે પરંતુ તમામ લોકો એવું કરી શક્તા નથી. સ્વામી કહે છે કે ભવબ્રહ્માદિક નિમગ્ન થઈને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે છે કે – ‘मुमुन्द सेवाेपायिकं स्पृहाहिन’ ”સ્વામી કહે છે કે પ્રગટ પરમાત્મા શ્રીજી મહારાજની પરિચર્ચા, અનુવૃતિની સેવા હાથ લાગવી દૂર્લભ છે અને જે યથાર્થ હાથ લાગી જાય તો નૌતમ નિધિ છે સુખનો અખુટ ભંડાર છે તેને બીજી ક્રિયા જેવી સામાન્ય ક્રિયા માની ન લેશો. સ્વામી

પોતાને અને જેને એવી ભક્તિ કરતા આવડી ગઈ છે. તેની કૃતાર્થતાને વર્ણવે છે. સ્વામી કહે છે આ દેહે કરી જે દીન બંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ? મનમાં માની શકાતું ન હતું કે આવી પ્રાપ્તિ થાશે પણ તે મળી ચુક્યા. અને તેની સેવામાં આ દેહને ચરિતાર્થ કરી લીધું. તેમની અનુવૃતિ પાળીને ભક્તિ કરી લીધી છે માટે જે કરવાનું હતું તે કાર્યકરી લીધું છે જે ઘનશ્યામ-શ્રીજી મહારાજ અનંત સુખના ધામ છે તેને પામવાની હૈયામાં હામ હતી તે આજે મારે પુરી થઈ છે. મનમાં એવી હોંશ હતી કે આ આંખથી મહારાજને નેત્રોભરી ભરીને દર્શન કરીએ. મુખો મુખ વાત કરીએ, મહારાજને ભૂજાઓથી ભેટીએ. એવો અવસર મળશે કે કેમ? મનમાં ભરોંસો આવતો ન હતો કારણ કે તેની દુર્લભતા વિચારતા અને આપણી અલ્પતા વિચારતા મન હારી જતું હતું મોટા મોટાને ભવ બ્રહ્માદિકને પણ એ મુશ્કેલ છે મહારાજ સાથે જમવું, રમવું, જોડે બેસવું એ મહાદૂર્લભ વસ્તુ મળશે કે કેમ? એમાં મન હારી જતું હતું આવો મહારાજનો જોગ દેવતાને પણ દુર્લભ છે પણ મહારાજે કૃપા કરી મનુષ્ય દેહ ધરીને પૃથ્વી પર આવ્યા તેમાં આપણો (સદ્. નિષ્કુળાનંદ સ્વામી) ફેરો ફાવી ગયો. પોતાના સંબંધનું સુખ આપી પોતાની સાક્ષાત્ સેવા આપી સૌથી-મનુષ્ય-દેવતાથી પણ ઉંચા બનાવી દીધા. મનુષ્ય જેવા થઈ ભક્તો સાથે હળ્યા-મળ્યા અને દુર્લભ એવી પોતાની સેવા આપી. જે ભવબ્રહ્માએ મગન થઈને ખુબ માગેલ છે છતાં તેમને તે પ્રાપ્ત નથી થઈ એ આપણને આપી છે. સ્વામી કહે છે ભક્તિમાં ભારે ભાર છે તે જેને તેને જડતી નથી. જડે તોય ઉપડતી નથી. વધારે વજન વાળી છે ને! તે તો અલૌકિક પૂર્વના પુણ્યે કરીને પમાય છે નિષ્કુળાનંદ સ્વામી કહે વારંવાર હું શું કહું પણ દરેક પોતપોતાના મનમાં વિચાર કરીને તે સમજવાનું છે.