રાગ:- ધન્યાસરી
ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ ઉપજાવેજી ।
ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી ।।૧।।
રાગ :- ઢાળ
સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા ।
તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઈ રહે નહિ મણા ।। ૨ ।।
જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઈ ચાલે નહિ ।
સદા પ્રભુને પેખે પાસળે, તે મોકળે મને મા’લે નહિ ।।3।।
દૂર હરિને નહિ દેખતાં, સદા સમીપે દેખે છે શ્યામ છે ।
તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું કામ ।।૪।।
જાણે પગે ભરૂં છું જે પગલાં, કરે કરૂં છું જેહ કામ ।
રસનાનું જાણે રસ રવનું, જાણે શ્રવણે સૂણું તે શ્યામ |।૫।।
નયણે રૂપ જે નિરખું, ચરમે લિયું જે સ્પર્શ રસ ।
નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય ।।૬।।
એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભૂલવણીમાં ભૂલે નહિ ।
સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ।।૭।।
એવા જન જગદીશને, માનો મળવા મોંઘા ઘણું ।
સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય એવા ભક્તતણું ।।૮।।
જેહ ભક્તને વા’લા ભગવાન છે, તેહ ભક્ત વા’લા છે ભગવાનને ।
પણ ભક્ત નામે રખે ભૂલતા, એ તો ગાયા છે ગુણવાનને ।।૯।।
ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઇ ।
નિષ્કુળાનંદ તો નરને, કરવું રહે નહિ કાંઇ ।।૧૦।। કડવું ||૨૭।।
વિવેચન
ખરેખરી સાચી ભક્તિમાં, સેવા કરવામાં ક્યારેય ખોટ્ય આવતી નથી. તે પોતાને અને બીજાને પણ સુખ ઉપજાવનારી હોય છે. ભગવાનને પણ કરનારા અને બીજાને પણ સુખકારી થાય એવી ભક્તિ ભાવે છે શીવ બ્રહ્માદિક મોટા ઈશ્વરો પણ એવી ભક્તિને વખાણે છે, સન્માને છે. પ્રગટની ભક્તિને શીવ બ્રહ્મા વખાણે છે એવી ભક્તિ-સેવા કરતા આવડી જાય તો કોઈ પ્રકારની ખામી રહેતી નથી. જે મહારાજને અંર્તયામી જાણીને કરવામાં આવે છે મહારાજ હું જે કાંઈ કરૂ છું તે પ્રત્યક્ષ મને દેખે છે એમ સમજીને જે ભક્તિ કે સેવા કરે તે કોઈ જાતનું કપટ કરી ન શકે. તે મનમાન્યું કાંઈ કરી ન શકે. મોકળા મને મહાલી ન શકે. જ્યારે હંમેશા મહારાજ મારી સામે ઉભા રહીને મને દેખે છે એવા ભાવથી ભક્તિ કરે તો તેનું ચિત્ત પણ કાંઈ અવળુ કરી ન શકે અને તેનાથી કોઈ ન કર્યાનું કામ થઈ ન શકે. હું જે કાંઈ કરું છું પગથી પગલા ભરૂ છું, હાથથી કાર્ય કરૂ છું, રસ લઉં છું, શ્રવણે સાંભળુ છું, આંખથી રૂપ જોઉં છું, સુગંધ લઊં છું તે બધુએ ભગવાન જાણે છે કે ભગવાનની ભક્તિ-સેવામાં ઉપયોગી થવા માટે લઉ છું કે મન ઈન્દ્રિયો દેહને રાજી કરવા કરૂ છું? તે બધુ મહારાજતો બહાર અને અંતરમાં કેવા ઈરાદાથી કરું છું તે તમામ જાણે છે અને પ્રત્યક્ષ દેખે છે તેનાથી અજાણમાં તલમાત્ર નથી. તે ક્યારેય પોતાનો માર્ગ ભૂલતા નથી અને તેને જ સાચા ભક્ત જાણવા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવા પવિત્ર ઈરાદાવાળા સાચા દિલના ભક્ત ભગવાનને મળવા પણ મોંઘા છે અર્થાત્ ભક્તને નામે આંટા મારતા હોય તેમાં પણ હજારોમાં કોઈક વિરલા જ તેવા હોય છે તે ગીતામાં કહ્યું છે કે‘मनुष्याणां सहस्त्रेषु…..’ અને ‘बहुनां जन्मनां….. समहात्मा सुदुर्लभः’ શાસ્ત્રમાં જે ભક્તનો મહિમા બતાવ્યો છે તે એવા ભક્તનો બતાવ્યો ભક્તના ચિહ્ન ધરીને નિકળી પડેલા તમામનો નહિ. એવા સાચા અનન્ય ભક્તને એક ભગવાન સિવાય બીજું કાંઈ વહાલુ હોતું નથી એક ભગવાન જ વ્હાલા હોય છે તેમ તે ભક્ત પણ ભગવાનને અતિ વહાલા હોય છે તે પણ ગીતામાં કહ્યુ છે કે ‘प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं सच मम प्रियः । (७/१७)’ ભાગવતમાં પણ ગોપીઓ જેવા ભક્તનો મહિમા ભગવાને બતાવ્યો છે કે “न पारयेऽहं निरवद्यसंयुजां स्वसाधुकृत्यं विबुधायुषापि वः । या माभजन्दुर्जरगेहश्रृंखलाः संवृश्च्य तद् वः प्रतियातु साधुना (भा. १०-३२-२२)’ પણ સ્વામી શું કહે છે ભક્તના નામથી કે ભક્તના બાહ્ય ચિહ્નોથી કે વેશથી રખે ભૂરાયા થઈને ભૂલા પડતા નહિ. એ તો એવા લક્ષણવાળા ભક્તોનો મહિમા બતાવ્યો છે વેશધારીનો કે ચિહ્ન ધારવા વાળાનો કે ભક્તના નાટક કરનારાનો કહ્યો નથી. જેના અનંત જન્મના પુણ્યે એવા ભક્તનો જોગ થાય છે તો સ્વામી કહે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ કરવાનું બાકી રહેતું નથી.