રાગ:- ધન્યાસરી
ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી ।
મહા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યા છે સહુમાંયજી ।।૧।।
રાગ :- ઢાળ
સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય ।
એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।।
અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખે છે મારા દિલની ।
શું હું સંતાડું સંકલ્પને, એ જાણે છે પળ પળની ।।3।।
એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર ।
તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતે છે ઉર ।।૪।।
તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે ।
કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણે છે સ્વામી સઘળે ||૫।।
જેના ગુણ ગિરાયે ગાવા ઘટે, તેશું કેમ બોલાય કટુ વચને ।
જેને પૂજવા જોઇએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને ।।૬।।
જેને જમાડ્યા જોઇએ જુગતે કરી, તેને કેમ અપાયે નહિ અન્ન ।
જેને જોઇએ જળ આપવું, તેને ન અપાયે જળ કેમ જન ।।૭।।
એમ સમઝી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ ।
તેહ વિનાના ભક્ત જેહ, તેહ બાંધે જયાં ત્યાં દાવ ||૮||
પણ ભક્ત જે ભગવાનના, તેને મત મમત હોય નહિ ।
આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે સહી ।।૯।।
એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઇ જાતની ।
નિષ્કુળાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની ।।૧૦।। કડવું
વિવેચન
જે મહારાજને અંર્તયામી જાણીને તેમની સેવા કરવા ને ઈચ્છે છે, ભક્તિ કરવાને ઈચ્છે છે તે ક્યારેય કોઈ જીવને દુઃખવી શકતો નથી. તે ક્યારેય બીજાના દ્રોહની પ્રવૃતિમાં ભાગ લેતો નથી. તે મહારાજનો અતિ મહિમા સમજે છે કે મારા ઈષ્ટદેવ-મહારાજ તમામ દેહધારીમાં અંર્તયામી રૂપે બેઠા છે. એવું જાણીને દ્રોહ પ્રવૃતિથી સદા ડરતા રહે છે. કોઈને દુઃખવાથી ડરતા રહે છે રખે ને મારાથી કોઈને દુઃખ થશે તો અંતયામી મહારાજ મારા ઉપર ના ખુશ થઈ જશે. અંર્તયામી મહારાજ બધાના હૃદયમાં રહીને મારી નબળી ભાવનાઓ, કુટિલતા, ટેઢાઈ, નબળા ઈરાદાઓ તમામ દેખે છે તેનાથી કાંઈ છુપાવી શકાતું નથી. માટે મારે મહારાજને રાજી કરવા હોય તો તેને ત્યાગ કરી દેવો જોઈએ…. इसके आगे क्या छुपाऊ जिसके हाथमें दोरी ” જે ભગવાનનો ભક્ત સર્વમાં અંર્તયામી રૂપે ભગવાનને માની શકે તો ક્યારેય બીજાને દુઃખી કરવાનો સંકલ્પ કરી શકે નહિ. તે કોઈની સાથે છળ-કપટ રમી શકે નહિ. જ્યારે ભગવાનનું અંતયામી પણ ભુલાય જાય છે ત્યારે જ આ બધુ થાય છે. જે મહારાજની સેવા કરતા હોય-ભક્તિ કરતા હોય, તે જેના ગુણ ગાવા ઘટ છે જેની પૂજા કરવી જોઈએ તેની સાથે કટુ વચન કેમ બોલાય? તેને ત્રાસ કેમ દઈ શકાય? ન જ દેવાય. જેને પ્રેમથી જમાડવાના હોય તે જ્યારે સામેથી માગે તો ના કેમ પાડી શકાય. જેને પ્રેમથી જળ પાન કરાવવાનું છે તેને જળ કેમ ન અપાય? એવો મહિમા સમજી ભક્ત અતિ ભાવ પૂર્વક ભગવાનની કે તેના સાચા સંત ભક્તની સેવા કરે છે. એવું નથી સમજતા અને રાગ અથવા અહંકારી છે તે જ્યાં ત્યાં દાવ બાંધે છે વેર-વિરોધ કરે છે. પણ ભગવાનના સાચા ભક્ત હોય, સાચા સેવક હોય તેને પોતાનો વ્યક્તિગત મત-મમત કોઈ હોતો નથી. જે મારૂ-તારૂ કરતા નથી અને મારૂ-તારૂ કરીને ઝઘડતા નથી તેનાં અંતરમાંજ મહારાજની સાચી ભક્તિ છે. તેજ મહારાજના ખરા ભક્ત છે એમ જાણવું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભક્તિ એવી કરવી કે જેમાં કોઈ જાતની કસર રહી ન જવી જોઈએ.