રાગ:- ધન્યાસરી
ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી ।
શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી ।।૧।।
ઢાળ
તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન ।
તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।। ૨ ।।
કોઇ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો ।
તેની ઉપર તિખપ્ય તજી, કરવો ઉપાય સુખ સંજોગનો ।।૩।।
સર્વે ઠેકાણે સમઝવા, છે અંતરજામી અવિનાશ ।
રખે કોઈ મુજ થકી પણ, તનધારીને ઉપજે ત્રાસ ।।૪।।
અલ્પ જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઇ ।
પેખી પેખી ભરે પગલાં, રખે થાયે અપરાધ કાંઇ |।૫।।
સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના સુખદેણ ।
પશુ પંખી પ્રાણધારી પર, કરે નહિ કરડાં નેણ ।।૬।।
ઇન્દ્રિયજીત અજાતશત્રુ, સગા સહુના સુખસ્વરૂપ ।
દીનપણું ઘણું દાખવે, એવા અનેક ગુણ અનૂપ ।।૭||
સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર ।
એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર ।।6।।
હિતકારી સારી સૃષ્ટિના, પરમારથી પૂરા વળી ।
અપાર મોટા અગાધ મતિ, જેની સમઝણ નવ જાય કળી ।।૯।।
એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ ।
નિષ્કુળાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ ।।૧૦।।
વિવેચન
ભવજળ તરવા ભગવાનની ભક્તિ છે-સેવા છે. તેના વિના બીજા સાધનોનો આગ્રહ છોડી દો. શુધ્ધ ઇરાદાથી ભક્તિની શરૂઆત કરી દો. તેમાં તન મનની મમતા છોડી દો. ભાવનાથી સેવા ભક્તિ કરો. ભક્તિ કરવામાં વર્ણાશ્રમ- વિદ્યા વિગેરેનું અભિમાન છોડી દેવાનું છે. હું ઉચ્ચ વર્ણનો છું. હું વિદ્યાવાન છું. માટે મારા જેવા બીજા કોઈ નથી આવી માનસિકતાનો ત્યાગ કરવો. શુધ્ધ ભક્તિ કરે તે મોટો છે પરમાત્માને અથવા તેમના સાચા સંતને પ્રસન્ન કરી લે તે મોટો છે. વર્ણ-વિદ્યાથી ભગવાનના માર્ગની-સેવા માર્ગની મોટાઈ નથી. કોઈ દિન, બુદ્ધિહીન વ્યક્તિ હોય, રોગી હોય પણ ભગવાન-સંતની સેવા ભક્તિ વિશુધ્ધ ભાવે સારી રીતે કરતો હોય, તો તેના પર મીઠી નજર રાખવી, તેને સુખ થાય તેમ મદદ કરવી તો ભગવાન રાજી થાય છે. ભગવાનની સેવા થઈ ગણાશે. પરમાત્મા અંતર્યામી છે તે સર્વમાં વસી રહ્યા છે રખેને કોઈ પ્રકારની ઉધ્ધતાઈ, અભિમાનમાં કોઈનો દ્રોહ ન થઈ જાય તેની સાવધાની રાખવા ભગવાનની ભક્તિ કરતો હોય ને તે અલ્પ જીવ હોય તો પણ તેના ઉપર દયા રાખવી. રખે તેનો અપરાધ થઈ જાય નહિ તેની ખેવના રાખવાનું સાચા પવિત્ર ઈરાદાવાળા ભગવાનના ભક્ત કે સ્થાવર-જંગમ સર્વ પ્રાણધારીને સુખ દેનારા હોય છે. કોઈના તરફ કરડી દૃષ્ટિથી તે જોતા નથી સર્વ તરફ દયા અને કૃપાદૃષ્ટિ રાખનારા હોય છે. તેઓ ઈન્દ્રિયજીત હોય છે, અજાત શત્રુ હોય છે, તમામના સગા અને સુખરૂપ બની રહે છે ઉપકાર કરવા છતાં પોતે દીન થઈને રહે છે એવા અનેક ગુણો ધરાવે છે. સર્વ પ્રકારની
સાધુતા ભગવાનના ભક્તમાં હોવી જોઈએ. કોઈ પ્રકારની ટેઢાઈ, કુટિલતા, ખળતા કે અસાધુતા ભગવાનના ભક્તમાં ઘટતી નથી માટે તેનો ત્યાગ કરવો. એવા ભક્ત હોય તે સર્વને સુખ દેનારા હોય છે. ભગવાનની જેમ સમગ્ર સૃષ્ટિનું હિત કરનારા હોય છે. સર્વ પર ઉપકાર કરનારા હોય છે સ્વાર્થ સાધનારા કે લુચ્ચા લંપટ ભગવાનના ભક્ત હોવા ન જોઈએ. જેમાં અપાર મોટાઈ, અગાધ મતિ હોય છે જે કોઈના કળ્યામાં ન આવે તેવા હોય છે એવા ભક્ત જે જીવને મળે છે તો તે જીવના પણ ત્રિવિધ તાપ દૂર થાય છે તેના ભાગ્ય ખુલ્લી જાય છે એવા ભગવાનના ભક્ત નિષ્પાપ અને નિષ્કપટ હોય છે.