રાગ:- ધન્યાસરી
એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી ।
મોટો લાભ માની મનમાંયજી, તક પર તત્પર રે’વું સદાયજી ||૧||
રાગ :- ઢાળ
તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી ।
આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી ।।૨।।
અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે વણસે વાત ।
માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત ।।3।।
જેમ લોહ લુહાર લૈ કરી, ઓરે છે અગ્નિ માંઇ ।
પણ ટેવ ન રાખે જોતા તણી, તો કામ ન સરે કાંઇ ।।૪।।
એમ પામી પ્રભુ પ્રગટને, સમા પર રે’વું સાવધાન ।
જોઇ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન ||૫।।
જેમ તડિત તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે ।
પરોવે કોઇ હોય પ્રવીણ પૂરા, તેહ તર્ત તૈયાર રહે તકે ।।૬।।
એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો ।
જાયે પળ પાછી જડે નહિ, થાય એ વાતનો બહુ ખરખરો ||૭||
જેમ ખેડુ કોઈ ખેતરમાં, વણ તકે વાવવા જાય ।
તે ઘેરે ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટી ઉપાય ।।૮।।
તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન ।
તે જાણે કમાણી કરશું, પણ સામું થયું જ્યાન ।।૯||
એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત જરૂર ।
નિષ્કુળાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર ।।૧૦।। કડવું ।।૨૪।।
વિવેચન
એવા મહારાજની નિષ્કામ ભાવે અને શ્રધ્ધાથી સેવા કરવી. તેમાં કોઈ જાતની કસર રહેવા ન દેવી. તક ઉપર તત્પર થઈ રહેવું મનમાં મોટો લાભ મળ્યો છે એમ માનીને સેવા કરવી. પ્રમાદપણુ ગાફલાઈ તેનો ત્યાગ કરી આપણા જીવનું કામ કરી લેવું. જ્યારે યોગ્ય સમય પ્રાપ્ત થયો હોય ત્યારે પ્રયત્ન કરી લઈએ તો કામ થઈ જાય. ટાઈમ ચુકી ગયા પછી આપણે જાગીએને મહેનત કરીએ તો પણ મહેનત નિષ્ફળ જાય ને કામ થાય નહિ. માટે તક સાચવી લઈને મહારાજને રાજી કરી લેવા. જેમ લુહાર લોઢાને અગ્નિમાં નાખી ધગાવીને તા લાવે. જ્યારે બરાબર તે આવે ત્યારે બન્ને લોઢાને ભેળા કરી ઘણ મારીને ટીપી દે તો સાંધો એકરસ બની જાય પછી તે અલગ ન થાય પણ તા આવ્યો હોય ત્યારે ઉપર ઘા ન કરે અને પછી ટિપા જ કરે તો પણ સાંધો જામે નહિ. મહેનત નકામી જાય. તેમ પ્રગટ મહારાજને મળીને અથવા ભગવાનના સાચા સંત-ભક્તને મળીને તક ઉપર સાવધાન રહેવું. તક ચુકી ન જવી. ભગવાનની મરજી જોઈને તુરત તે મરજી ને પુરી કરવી. સમય ન લગાડવો તેવી ભક્તિ કરી લેવી. જેમ વિજળીના અજવાળામાં મોતી પરોવવું હોય તે પ્રમાદી વ્યક્તિ ન પરોવી શકે. સમય કે તક આવે ત્યારે તો હજુ તેને બધી સામગ્રી તૈયાર કરવાની બાકી હોય છે. વિજળીનો ચમકારો વાટ ન જુએ એ તો થયો કે ગયો. તેમાં તો અગાઉ સામાન તૈયારી રાખીને તત્પર થઈને બેઠો હોય છે ચમકારો થયો કે તુરંત મોતી પરોવી લે, કાર્ય કરી લે ત્યારે કામ થઈ જાય છે. તેમ વિજળીના ચમકારા જેવી અસ્થિર અને અલ્પ સમય વાળી આપણી આયુષ્ય છે
તેમાં મહારાજની સેવા કરી લઈને રાજી કરી લેવાના છે ચાલ્યો ગયેલો સમય અને જીંદગી ફરી પાછા ક્યારેય આવતા જ નથી. તે તો ગયા તે ગયા જ. તેમાં સેવા ન થઈ તો તે પણ ગઈ પછી તે વાત નો જે ખરખરો થાય પણ તેનાથી કાંઈ તક પાછી આવતી નથી. જેમ ખેડૂત વાવણી થાય ત્યારે પરીયાણ કરીને બેસી રહે પછી ઉનાળે વાવવા જાય તો તેને પાકના ગાડા ભરાતા નથી. ઉલ્ટો મહેનત અને બિયારણ ગુમાવે છે. તેમ મહારાજે પોતાની સેવાની તક આપી હોય તે ચુકી જાય પછી સમય ચાલ્યા ગયા પછી ઘણો સાવધાન થઈ જાય પણ પછી શું થઈ શકે? તેને ખોટ્ય જાય છે તેવું જાણીને ભગવાનની સેવામાં હજૂર સેવક થઈને સદા તત્પર રહેવું.