ભક્તિનિધિ – કડવું ૨૩

રાગ:- ધન્યાસરી

નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી ।

નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી ।।૧।।

રાગ :- ઢાળ

એને નિરખ્યે સહુ નિરખ્યા, એને પૂજ્ય પૂજ્યા સહુ દેવ ।

એને જમાડ્યે સહુ જમ્યા, થઇ સૌની એને સેવ્યે સેવ ।।૩।।

સહુની પાર સહુને સરે, નર અમરને અગમ અતિ ।

એવી મૂર્તિ જેને મળી, તેને થઇ છે પૂરણ પ્રાપતિ ।।૫।।

પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી ।

અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી ।।૭।।

પામ્યા પરમ પદ પ્રાપતિ, અતિ અણતોળી અમાપ ।

તે કેવાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ ।।૯।।

વિવેચન

મહારાજનો મહિમાં અપાર છે એક સાથે પાંચસો-પાંચસો પરમહંસો મહારાજ કેવા છે તેનો નિરધાર કરવા મથ્યા છે તો પણ મહારાજના મહિમાનો છેડો આવ્યો નથી. વેદો પણ જેના મહિમાનો છેડો લઈ શક્તા નથી. મનુષ્યવેશમાં હોવા છતાં મહારાજ એવા છે જેને કોઈની ઉપમાં પણ ઘટી શક્તી નથી. એના જેવા તો એ એક જ છે વાણીના વિષયમાં એ આવી શક્તા નથી. તો તેને વર્ણવી કેમ શકાય? કેવળ પોતાના જીવમાં મન ઈન્દ્રિયોથી પર તેની ઝલક જીલી શકાય છે અનુભૂતિ કરી શકાય છે. એને મળવાથી બધા મળી ગયા એમની નિષ્કામભાવે સેવા થઈ ગઈ તે બધાની સેવા થઈ ગઈ તમામ કાર્યો સિધ્ધ થઈ ગયા એમ પોતાના અંતરમાં માનવું. એના દર્શનમાં તમામ દર્શન આવી જાય છે અને જેમની પૂજાથી તમામ દેવોની પૂજા થઈ જાય છે એને જમાડવાથી તમામ જમી ચુક્યા છે અને તેમની સેવાથી બધાની સેવા થઈ જાય છે. એનામાં મમતા અને આત્મબુધ્ધિ કરવાથી તેના સર્વે કર્તવ્યો સંપૂર્ણ થઈ જાય છે. અને જેનું ભજન કરવાથી બીજી બધી વાત પૂર્ણ થઈ જાય છે. એના દર્શન-સ્પર્શથી સર્વે કાર્યો પુરા થાય છે. દેવ મનુષ્યો જેના પારને પામતા નથી એવી મૂર્તિ મહારાજ પોતે છે. તે

જેને મળે છે તેને પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ છે. તેને કોઈ અધુરાઈ રહેતી નથી. તેના જીવનમાં ચગ્ય ચડી જાય છે. પ્રગટ મહારાજના દર્શન સ્પર્શ વિગેરે અલૌકિક છે અતિ મોટી વાત છે જેમ પારસ કે ચિંતામણી હાથમાં આવે ત્યારે તેને ધન સંબંધી ચિંતા દૂર થઈ જાય છે તેમ મહારાજની મૂર્તિ પારસમણી રૂપ છે. તે મળ્યા એજ પરમ પદની પ્રાપ્તિ છે તે પ્રાપ્તિનો મહિમા અમાપ છે તેનું સુખ વર્ણવી શકાતું નથી. એવો આનંદ કે સુખ પ્રગટ મહારાજ મળતા પ્રાપ્ત થાય છે એના સિવાય તેવું દેવા કોઈ સમર્થ નથી.