ભક્તિનિધિ – કડવું ૨૨

રાગ:- ધન્યાસરી

સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી । તોય ન મુકિયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી ।।9||

રાગ :- ઢાળ

સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના નિયંતા જે નાથ ।

સહુના આશ્રય એહ સેવતાં, સદાય થાય સનાથ ।।૩।।

વિવેચન

પરમાત્માનું અતુલિત સુખ પામવા માટે સર્મપણ પણ અતુલિત કરવું પડે છે. તેને માટે તન મન ધન કુરબાન કરી રાખવા પડે છે તેને તેની નિષ્કામ સેવામાં લગાડીને સાર્થક કરવા પડે છે. તન મન ધન કુરબાન કરવા પડે તો પણ પરમાત્માની અને સંતની નિષ્કામ સેવાનો માર્ગ ન મુકાય ત્યારે સર્વે વાત અંતરમાં ઠીક બેસે છે. ત્યારે તેના સર્વે કામ સંપૂર્ણ થાય છે. કેડે કાંઈ બાકી કરવાનું રહેતું નથી. ભગવાનની સેવા અને સંતની સેવામાં સર્વે સાધન આવી જાય છે. જે મહિમા પૂર્વક અને નિષ્કામ ભાવથી થાય તો. મહારાજ સર્વના સ્વામી છે, માલિક

છે, સર્વના નિયંતા છે સર્વને આશ્રય કરવા યોગ્ય છે અને તેની સેવા કરવાથી જીવા સનાથ થઈ જાય છે. તે દેવોના દેવ છે તે નિર્ભય ઠેકાણુ છે અશરણ શરણ છે “જકા જગમે કોઈ નહિ તાકે તુમ મહારાજ’ જેને સંસારના તમામ સંબંધ છુટી જાય છે તેનો ભગવાન નાતો સ્વીકારે છે. ભગવાન સર્વે સુખના ધામ છે. સર્વ સારનું સાર છે. સર્વે રસોમાં પણ રસરૂપ છે અને સર્વ રાજાઓના રાજાધિરાજ છે. તેજ માં તેજ પૂરનારા એ છે સર્વ રૂપના દેનારા એ છે પરથી પણ પર છે. તમામ દેવતા-ઈશ્વરો તેમની સેવા કરે છે. તેના તુલ્ય બીજુ કોઈ છે નહિ. એવા મોટા મહારાજ ભગવાનના ભક્ત અને મુમુક્ષુઓને પોતાનું સુખદેવા મનુષ્યાકાર થયા છે તે મનુષ્ય જેવા હોવા છતા તેને દેવો, ઈશ્વરો જેવા ક્યારેય કહેવાય નહિ. એવા ભગવાન પૃથ્વી પર આવે ત્યારે જીવ સેવા કરી શકે છે. તે મહારાજ મનુષ્ય જેવા દેખાતા હોય તો પણ તેનો કોઈ નિરધાર-માપ કરી શક્તું નથી.