ભક્તિનિધિ – કડવું ૧૯

રાગ:- ધન્યાસરી

કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી। જે જે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।।

રાગ :- ઢાળ

ઉનાળે પે’રાવે ઉનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું ।

સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું ? ।।3।।

જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ ।

એવી સેવા કરે વણ સમઝે, તે શત્રુ સરિખો દાસ ।।૫।।

શિયાળે શીતળ જળ લઇ, નવરાવે કરીને નીરાંત ।

પછી ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત ।। ૭।।

સવળી સામગ્રી શોધતાં, અવલોકે ન મળે એક ।

અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક ।।૯||

વિવેચન

એવા માણસોને મનુષ્ય દેહે કમાણી ક્યાંથી થાય? તેણે જે જે કર્યું છે તે બધા દુઃખ થવાના ઉપાયો જ કર્યા છે. તે સેવામાં મદદ કરનારા એકેય નથી કર્યા. જેના અંતરનો આશય વિશુધ્ધ નથી. ઉલ્ટો ઊંધુ કરવાનો છે કે માલિકને ઊંધુ કરીને મુશ્કેલીમાં મુકવાનો છે એવા પામર નરની સેવા માલિકને સંકટની સામગ્રી બની રહે છે. કેવળ અને કેવળ ઊંધાય જ જેમને કરવી છે તે દાસ નથી પણ માલિકનો છાનો શત્રુ છે. જેને માલિકના સુખ માટે જરાય હમદર્દી નથી ઉલ્ટી મનમાં ઘાત્ય છે કે તે વધારે પરેશાન કેમ થાય? અને લોકની લાજથી બોલી ન શકે તેવું જ તેઓ કરતા હોય છે. એ દાસ નથી એ તો ધણીનો દૂશ્મન છે. તે ધણીને કુરાજી કરે છે. સેવકે ઋતુ, સમય, જરૂરીયાત, વિગેરે જોઈને માલિકની સેવા કરવી જોઈએ. પરમાત્માની, મૂર્તિ પણ સાક્ષાત્ પરમાત્મા છે તેવી ભાવનાથી यथा देहे तथा देवे ભાવનાથી સેવવા જોઈએ પણ પથ્થર ધાતુની મૂર્તિ છે એમ ન માનવું. તે ચૈતન્ય છે તમામ લાગણીઓ ધરાવે છે તે લાગણી સંતોષાય તેવી રીતે સેવા ભક્તિ કરવી જોઈએ.