ભક્તિનિધિ – કડવું ૧૮

રાગ:- ધન્યાસરી

પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી ।

માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને પડીજી ।।૧।।

રાગ :- ઢાળ

પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર ।

વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવડાઇનો કરનાર ।।૩।।

વળી બા’વરી ને કહે બાળીશમાં, ઘણી જતન રાખજે ઘરની ।

તેણે મેલી અગ્નિ મોભથી, નવ માની શીખામણ નરની ।।૯।।

વિવેચન

જે આસુરી સંપત્તિના જીવ છે તથા જે અહંકારી છે તેઓ પ્રત્યક્ષ પરમાત્માની સેવા કે પ્રત્યક્ષ સાચા સંત પુરૂષોની સેવા કરી શકતા નથી કારણ કે તેમાં તેનો અહંકાર આડો આવે છે ગીતામાં ભગવાનને કહ્યું છેઃ મૂઢા (ઃ. ૭/ )’ તેવા માણસોને ભગવાનનો વિરોધ હોય છે તેઓ પ્રગટ પરમાત્માની સેવા ભક્તિ કરી શક્તા નથી તેઓ પરમાત્માની મરજીથી ઊંધુ જ કરે છે. તેને ભગવાનની મરજીથી ઊંધુ કરવાની આદત પડી ગઈ હોય છે. તેથી તેને સેવામાં ઘડી ઘડીમાં ભૂલ્ય પડે છે માલિક માથાનો મુગટ માંગે તો પગની મોજડી લાવે છે. તેવાને સવળુ કરતાં સુજતું નથી. અવળુ જ પૂર્વના પાપે કરીને સુજે છે તેવા ભક્તથી ભગવાનને સુખ થતું નથી. અને તેથી જ તેને પણ તે ભક્તિ સુખદાયક થતી નથી. માલિક પાણી માગે તો પથ્થર આપે, અન્ન માગે તો અંગારા આપે વિગેરે અવળાઈથી જે માલિકની સેવા કરે છે અર્થાત્ એના અંતરમાં સદાને માટે માલિકની ઈચ્છાથી-પરમાત્માની ઈચ્છાનો વિરોધ રહે છે એવા ક્યારેય મોટાઈ પામતા નથી. ભગવાનથી કોઈ સુખ પામતા નથી. એવા અનાડી અને ઉધ્ધત સેવકનો કોઈને વિશ્વાસ આવતો નથી. કે ભગવાનનું કે ગુરૂનું મિશન(ધ્યેય કાર્ય) તે આગળ વધારશે. જેમ ગાંડી સ્ત્રીને ઘણા સારા વસ્ત્ર ધરાવે પણ તેનો વિશ્વાસ નહિ કે તે કેટલો વખત વસ્ત્રો પહેરશે. થોડી વારમાં ફગાવી દેશે અર્થાત્ ઘણીની આબરૂનો ધજાગરો કરશે તેમ એવા સેવકો માલિકની આબરૂનો ધજાગરો કર્યા વિના રહેતા નથી. ગાંડી ઘરવાળીને કહે ઘર બાળીશ નહિ ત્યારે તેણે મોભથી જ અગ્નિ મુક્યો પણ ધણીની શિખામણ ન માની. એવી અવળાઈ આદરીને કોઈ સેવક-સેવા આદરે છે તેને મનુષ્ય જન્મામાં કોઈ કમાણી થતી નથી. ઉલ્ટો વ્યર્થ મનુષ્ય જન્મ ખોઈ બેસે છે પૂર્વની કમાય પણ ગુમાવીને જાય છે.