રાગ:- ધન્યાસરી
પૂરણ પુરૂષોત્તમ પામિયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી।
આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી ।।૧।।
રાગ :- ઢાળ
વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત ।
સમો જોઈને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ||૨||
અવળાઇને અળગી કરી, સદા સવળું વર્તવું સંત ।
અવળાઇયે દુઃખ ઉપજે, વળી રાજી ન થાય ભગવંત ।।૩।।
જેમ ભૂપના ભૃત્ય ભેળા થઇ, સમા વિના કરે સેવકાઇ ।
જોઇ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઇ ।।૪।।
જ્યાં જોઇએ ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર ।
જ્યાં જોઇએ થાવું ઉતાવળું, ત્યાં ધરી રહે ધીર ।।૫।।
જ્યાં જોઇએ હારવું, ત્યાં કરે હઠાડવા હોડ ।
જયાં જોઇએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ ।।૬।।
જ્યાં જોઇએ જાગવું, ત્યાં સૂવે સોડ તાણીને ।
જ્યાં જોઇએ બોલવું, ત્યાં બંધ કરે છે વાણીને ।।૭।।
જ્યાં ન જોઇએ બોલવું, ત્યાં બોલે છે થઇ બેવકૂફ |
જ્યાં જોઇએ વસવું, ત્યાંથી ખશી જાય છે ખૂબ ।।૮।।
એવી ભક્તિ જો આવડી, જેમાં રાજી ન થાય રામ।
છે કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ ।।૯।।
એવા સેવકને શ્રીહરિ, પાસળથી પરા કરે ।
નિષ્કુળાનંદ એ નરને, સેવતાં સુખ શું આવ્યું સરે ।।૧૦।।
વિવેચન
જ્યારે પુર્ણ પુરૂષોત્તમ મહારાજ સાક્ષાત્ આપણને મળ્યા છે ત્યારે એવો અમુલ્ય સમય બીજો ગણાતો નથી એમ ઊંડો વિચાર કરીને મનમાં નક્કિ કરી લેવું જોઈએ. વારંવાર વિચારીને જે અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે તેને વણસવા ન દેવો પરંતુ તક જોઈને ભગવાનને સેવા કરીને રાજી કરી લેવા. આપણા અનંત જન્મના કઢંગા સ્વાભાવ છે તેને દૂર કરીને સદાને માટે સવળા-સરળ બનીને ભગવાન- સંતની સેવા કરવી. અવળાઈનું ફળ તો હમેંશા દુઃખ જ હોય છે ઘોર સંસૃતિ જ હોય છે ભગવાન અને સંત રાજી થતા નથી. જેમ રાજાના ચાકરડા જાજા ભેળા થઈને અંતરમાં મુંગી અવળાઈ રાખીને સમય વિના સેવકાઈ કરે ત્યારે એવા ઉધ્ધત સેવકો ઉપર રાજા રાજી થતો નથી. રાજાની મરજી જુદી હોય ને આ જાલમ- ઉધ્ધત સેવકો જાણી જોઈને તેનાથી વિરૂધ્ધ કરે, ઊંધા ચાલે છે. રાજાની ઈચ્છા જ્યાંથી ભાગવાની હોય ત્યાં શૂરવીર થઈ સામો થાય અને જ્યાં શુરવીર થવાનું હોય ત્યાં ભાગવા માંડે, જ્યાં ઉતાવળ કરવાની હોય ત્યાં મહાધીર બની રહે. જ્યાં ધીરજ રાખવાની હોય ત્યાં ઉતાવળ કરે… જેનાથી હારી જવાનું હોય તેને હઠાવી દેવાનું જોર કરે. જ્યાં નમી દેવાનું હોય ત્યાં નમાવાનો કોડ કરે જ્યાં નથી નમવાનું ત્યાં નમી દે જ્યાં જાગવું જોઈએ ત્યાં સુઈ જાય અને જ્યારે સુવરાવવા હોય ત્યારે જાગે. જ્યાં બોલવું જોઈએ ત્યાં બોલતા નથી ને જ્યાં ન બોલવાનું હોય ત્યાં બેવકુફ થઈને બોલે છે જ્યાં વસવાનું હોય ત્યાંથી ભાગી નીસરે છે. જેનો પક્ષ રાખવો ઘટે તેનો પક્ષ રાખે નહિ. અને જેનો પક્ષ રાખવો ન જોઈએ તેના પક્ષમાં જઈને બેસે. જ્યાં મેળ રાખવાનો હોય ત્યાં મેળ ન બેસવા દે અને જ્યાં મેળ ન રાખવાનો હોય ત્યાં મેળ રાખી રહે. એવી મુંગી અવળાઈ કરતા હોય છે તે મોટે ભાગે માલિક ને પોતાની દૃષ્ટિએ પાધરા કરવા માટે કરતા હોય છે. એવી મુંગી અવળાઈની સેવા કરવાની આદત પડી ગઈ તો ભગવાન રાજી થતા નથી. ત્યારે મનુષ્ય દેહ મળીને જે કરવાનું કાર્ય છે તે થતું નથી અને ન કરવાનું પરાણે થઈ જાય છે. એવા સેવકનો ભગવાન ત્યાગ કરી દે છે એવાને સેવા કરવાનું કાંઈ સુખ આવતું નથી. ને મહા મોંઘો મળેલો અવસર ખોય બેસે છે.