રાગ:- ધન્યાસરી
ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી ।
એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ||૧||
રાગ :- ઢાળ
તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન ।
તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।।
ધર્મ વિચારીને ધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર ।
પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર ।।૩।।
તેમાં કુળ કુટુંબી સગા સંબંધી, સહુનો તે કર્યો સંહાર ।
ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડયા પાર ।।૪।।
એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઇકના પ્રાણ ।
તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ ।।૫।।
એ સમે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત ।
શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી વાત ।।૬।।
એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ ।
તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વે’મ ||9|1
વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ ।
તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણા નહિ ।।૮।।
માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર ।
તેમાં હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ।।૯।।
નિ:સંશય ને નિરઉત્થાને, કરવી હરિની ભગતિ ।
નિષ્કુળાનંદ એ વારતા, મને માનજો છે મોટી અતિ ।।૧૦।। કડવું ।।૧૬।।
વિવેચન
પ્રગટ ભગવાન અને તે પરમાત્માના અનન્ય સંતની સાક્ષાત સેવા અને બીજાની સેવા કે બીજા મોક્ષ માર્ગના સાધનો સરખા નથી એવો આપણા અંતરમાં વિવેક કરવાનો છે પ્રગટની સેવા સર્વથી વિશેષ છે જો કોઈ ભાગ્યથી પોતાને મળી જાય તો ચુકી ન જવું. અનંત જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનની કે સાચા સંત-ભક્તની સેવા કર્યાનું પ્રાપ્ત થાય છે થોડા પુણ્યવાળાને તે પ્રાપ્ત થતા નથી. કોઈક પુણ્યને બળે પ્રાપ્ત થઈ જાય ત્યારે અતિ સાવધાન થઈને જતન કરીને સેવા કરવી ત્યારે પોતાની બુધ્ધિનું ડાહપણ કરીને ભગવાન માટે આ બરાબરને આ બરાબર નહિ એવું આપ ડાહપણ છોડીને ભાગ્યથી મહાદુર્લભ વસ્તુ મળી છે એવો મહિમાં સમજીને કરવી. કેવળ રાજી કરવા પોતાનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે ગમો અણગમો છોડીને કરવી. અર્જુનને મહાભારત યુધ્ધ કરવું ન હતું. તેમાં તેને અધર્મ દેખાતો હતો પાપ દેખાતું હતુ તો પણ કેવળ શ્રી કૃષ્ણની ઈચ્છા જોઈને મહાભારત કર્યો, કૌરવ સેનાને ખેદન-મેદાન કરી નાખી. તેમાં દાદા, ગુરૂઓ, સગા-સંબંધીઓ સર્વેનો સંહાર કરી નાખ્યો. કેટલાયના પ્રાણ ગયા. કેટલીયે સ્ત્રીઓ અનાથ થઈ. કેટલાય બાળકો નિરાધાર બન્યા એવું અઘટિત કાર્ય કર્યું પણ કેવળ કૃષ્ણની ઈચ્છા માત્રથી. ત્યારે શ્રી કૃષ્ણજીએ પાર્થના વખાણ કર્યા. ત્યારે ભગવાનની એવી ઈચ્છા હતી ત્યારે કક્યું કાર્ય શુભ ગણાય અને કયું અશુભ- અયોગ્ય ગણાય તે વિચારવાની જરૂર નથી. જ્યારે પરમાત્મા પ્રગટ પ્રમાણ હોય ત્યારે કેવળ અને કેવળ તેને રાજી કરવા તેનું ગમતું કરવું એને જે ગમે તે હાથ જોડીને, શંકા કર્યા વિના સન્માન પૂર્વક તે કાર્ય કરી દેવું. પણ યોગ્ય અયોગ્ય કે બીજા ભામે ન ચડી જવું. પ્રિયવ્રતને તીવ્ર વૈરાગ્ય થયો હતો. તેઓને સન્યાસી થવું
હતું. છતાં પ્રભુની મરજી જાણીને તેમને રાજી કરવા નિવૃત્તિ છોડીને પ્રવૃત્તિ- ગૃહાસ્થાશ્રમને ગ્રહણ કર્યો તો પણ તે મહાભાગવત ગણાયા છે. માટે પ્રગટ ભગવાનને જેમ ગમે તેમ મુમુક્ષુએ જરૂર કરવું ઘટે છે. તેમાં હાણ્ય વૃધ્ધિ, હર્ષ- શોક, હારજીત કાંઈ મનમાં માનવું નહિ અર્થાત્ તેવા ભાવો મનમાં આવવા દેવા નહિ. અને નિશંક થઈને નિરૂત્થાન થઈને ભગવાનની સેવા કરવી અથવા તેમના અનન્ય ભક્તની સેવા કરવી. સ્વામી કહે છે કે આ અતિ મોટી વાત છે જેવા તેવાથી બનતી નથી.