ભક્તિનિધિ – કડવું ૧૫

રાગ:- ધન્યાસરી

પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી ।

પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી ।।1।।

રાગ :- ઢાળ

જેની સાથે જમ્યા રમ્યા જીવન, પુરૂષોત્તમ પ્રાણ આધાર ।

હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે એની હાર ।।૩।।

એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ ।

કહ્યું પામત જન્મ પશુપાળનો, તો રે’ત નહિ કાંએ પોચ II૫ ।।

અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ ।

તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ ।।૭।।

સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ મળી ।

ડાહ્યા સાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ।।૯।।

વિવેચન

સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રગટ પ્રમાણ મહારાજની સેવા મળે અથવા તેમના સાચા અનન્ય ભક્ત સંતની સેવા મળે તે કલ્યાણને પામવા માટેનો સાર છે. શ્રીજી મહારાજે તેને મધ્યના-૨૧માં વચનામૃતમાં કલ્યાણના માર્ગનો મુદ્દો હાથમાં આવ્યો એમ કહ્યું છે ને મધ્યના-ર૮માં વચનામૃતમાં તેને જીવનદોરી બતાવી છે. માટે તેથી અધિક કલ્યાણ માટે કોઈ ચીજ નથી એ વસ્તુ નક્કી છે તેમાં કોઈ સંશય કરશો નહિ. એવા પ્રગટ પરમાત્માને ભજીને કે પ્રગટ સંતની સેવા કરીને અનેક જીવો ભવપાર પામી ગયા છે તે શાસ્ત્રના ઈતિહાસમાં લખાઈ ગયા છે. અને ભવિષ્યમાં પામશે. તેમાં પશુ, પક્ષી, નર, નારી કોઈ પણને જોગ થાય. કોઈ પણ ભગવાનની કે એવા સાચા સંતની સેવા કરે તે તમામ પરમાત્માને પામી જાય છે. તેના જેવી બીજાની પ્રાપ્તિ કોઈની શાસ્ત્રમાંથી કે મહાત્માઓને મુખે સાંભળી નથી. જેઓની સાથે એવા મોટા પરમાત્મા રમ્યા, જમ્યા, હળ્યા મળ્યા અને તેની સેવા-ભાવનાથી તેના પર અઢળક ઢળી પડ્યા હોય તેને તુલ્ય બીજો કોણ ગણી શકાય? જેને સાક્ષાત્ પરબ્રહ્મ-મનુષ્યાકારે મહારાજના સાક્ષાત્ દર્શન સ્પર્શ નિત્ય થયો છે જેને મહારાજે સાક્ષાત્ સુખ આપ્યા છે તેને તુલ્ય બીજા આવી શક્તા નથી. વ્રજવાસીને મળેલુ પ્રત્યક્ષ પરમાત્માનું સુખ સાંભળી ભગવાન શંકરને પોતાની જાત પર ઘણો શોક અને અફસોસ થયો કે અરે! આ ઈશ્વરનો દેહ આવ્યો તેને બદલે પશુપાળમાં જે શરીર મળ્યુ હોત તો કોઈ પ્રકારની પ્રાપ્તિમાં ખામી રહેત નહિ. પણ શું કરવું? ભગવાને અંહિ શરીર આપ્યું. એ પ્રમાણે પ્રગટની ભક્તિનો મહિમા સમજી સન્માન કર્યું છે. જે વ્રજના વાસીઓને પ્રગટની સેવાનો લાભ મળ્યો છે તે બ્રહ્માને પણ પ્રાપ્ત થયો નથી. બ્રહ્માજીને તો ભગવાનની પ્રસાદી એકવાર પણ પામવા માટે માછલુ થયા છે તો પણ પ્રસાદ તો મળ્યો નહિ તે ગોપી-ગોવાળના બાળકો નિત્ય ઝુટવતા હતા. ઈન્દ્રને તો સ્વપ્નામાં પણ તેની પ્રાપ્તિ થઈ નથી. માટે પ્રગટની ભક્તિ – સેવા કર્યા પ્રતાપે વાલ્મીકીજીએ વાનરોને અને રીંછોને માણસ કરતા વધારે વખાણ્યા છે અને વ્યાસજીએ સુધરેલી પ્રજા કરતા અભણ પશુપાળ-ભરવાડોને વધારે વખાણીને ધન્યવાદ આપ્યા છે. તે પ્રગટ ભગવાનની ભક્તિ-સેવા કરવાથી તેમનો યશ

ત્રિભૂવનમાં વ્યાપી રહ્યો છે. પ્રગટની સેવા કરીને તે બધા વાનરો અને અભણ- અજ્ઞાની જેને કહેવાય છે. તે ગોવાળો સુખ પામી ગયા છે ડાહ્યા ને હોંશિયાર લોકો મોઢા ફાડીને દેખતા પોતાના ડાહપણમાં ને હોંશિયારીમાં જ રહી ગયા છે. મોઢા ફાડીને દેખતા પોતાના ડાહપણમાં ને હોંશિયારીમાં જ રહી ગયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે માટે પ્રગટની સેવા-ભક્તિ સર્વ સાધનાથી ઉપર છે એમ મનમાં નિશ્ચય કરજો.