રાગ:- ધન્યાસરી
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી ।
તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી ।।૧।।
રાગ :- ઢાળ
રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ ।
પછી ભક્તિ તેની ભાવશું, સમજીને કરવી સુજાણ ।।૨।।
જોઇ મરજી જગદીશની, શિશસાટે કરવું સાબિત ।
સુખ દુઃખ આવે તેમાં દેહને, પણ હારવી નહિ હીમત ।।૩।।
રામનું કામ કર્યું કપિએ, લાવી પથ્થર બાંધી પાજ ।
અવર ઉપાય અળગા કર્યા, રામજી રિઝવવા કાજ ।।૪।।
એજ ધ્યાન એજ ધારણા, એજ જપ તપ ને તીરથ ।
એજ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યાં પ્રગટને અરથ ||૫||
નર નહિ એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રીરામ ।
ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ ।।૬।।
નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન ।
સમો જોઈ જે સેવા કરે, તે સમાન નહિ સાધન ।।૭।।
વણ સમાની જે ભગતિ, અતિ કુરાજી કરવા કાજ ।
માટે જન સમો જોઇને, રાજી કરવા શ્રીમહારાજ ।।૮।।
જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઇ તૈયાર ।
તેમાં સમ વિષમે ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર ।।૯।|
એવા ભક્તની ભગતિ, અતિ વા’લી વા’લાને મન ।
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, ન હોય કોઈ એને વિઘન ।।૧૦ || કડવું ।।૧૩।।
વિવેચન
સ્વામી કહે છે પ્રગટ ભગવાનની ભક્તિ અતિ સાચી છે. અર્થાત્ તેના જેવી બીજી કોઈ ભક્તિ ગણાતી નથી. તેને મોટા મોટા મહાત્માઓએ વખાણી છે અને પોતાને મળવા પ્રાર્થના કરી છે પ્રગટ ભગવાનની સેવા સિવાય પોતાને અધુરા માન્યા છે તેવી ભક્ત સિવાય તેમાં રોકાય ન રહેવું એવી તે મહાત્માઓની માન્યતા છે. મનુષ્યરૂપે જ્યારે મહારાજ મળ્યા હોય ત્યારે તેમના સ્વરૂપમાં નિમગ્ન થઈ જવું. તેના સિવાય અધિક કાંઈ મનમાં આવવા ન દેવું. સમજી વિચારીને તેમની સેવા-ભક્તિ ભાવપૂર્વક કરવી. પ્રગટ પ્રમાણ મહારાજની મરજી શું છે? તે જાણીને તેને સિધ્ધ કરવા માથુ કુરબાન કરી દેવું. તમામ જીવન કુરબાન કરી દેવું. પોતાની તમામ શક્તિ તેને અર્થે લગાવી દેવી તેમાં કોઈ સુખ-દુઃખ આવે, અનૂકુળતા પ્રતિકુળતા આવે તો પણ પાછુ પડવું નહિ ને હિંમત હારવી નહિ. ભગવાન રામચંદ્રજીની મરજી જોઈને સર્વે રીંછ-વાંદરાઓએ મોટા મોટા પથ્થર લાવીને પુલ બાંધી દીધો. તે કાંઈ કોઈ કારીગરાઈનો વિષય ન હતો. વળી વાંદરાનો તે સ્વભાવ હતો પણ પ્રગટ ભગવાન ને તે ગમતુ હતું. તેમની મરજી હતી માટે તેમની મરજી પુરી કરવા અને રામજીને રીઝવવા વાંદરાઓ તુટી પડ્યા ત્યારે તે પથ્થર ઉઠાવવા તે જ તેને માટે ધ્યાન, ધારણા તપ, જપ, તીર્થ, યોગ કે કોઈ પણ શુભ સાધના બની રહી. સાધના તે સાધના નથી. ભગવાનની મરજીમાં રહી તે તેની ઈચ્છા પુરી કરવી તે જ સાચી સાધના છે. પ્રગટ ભગવાનને કામમાં આવી ગયા ત્યારે તેની સંપૂર્ણ સાધના પુરી થઈ જાય છે. તેમજ ખરેખરા ભગવાનના અનન્ય સંતની મરજી-પરમાત્માને ઉપયોગી થવાની ઈચ્છા-તેમાં આપણે કામ આવીએ ત્યારે મોટા ભાગની આપણી જીંદગીની સાધના પુરી થઈ જાય છે. સ્વામી કહે છે માણસ કે બીજા કોઈ ભગવાનને કામમાં ન આવ્યા અર્થાત્
બીજા કોઈ મદદે આવ્યા નહિ અને આ વાનર-પશુ જાતિ કામ આવી ગઈ ત્યારે તે માણસ કરતા પણ ઊંચી ગણાય ગઈ. તેનું કામ થઈ ગયું બીજા ઉચ્ચ જાતિના અને ઉચ્ચ ક્રિયા વાળાનું ઉચ્ચપણુ કાંઈ કામ ન આવ્યું ને તે નકામુ બની રહ્યું. માણસો પશુ તુલ્ય પણ કામમાં ન આવ્યા અને પશુને તેમાં પણ વાનર તેણે ભગવાન ને રાજી કર્યા. માટે ઉચ્ચ-નીચ, ગુણવાન દુર્ગુણી, તપી કે તપ રહીત. સાધનાવાન કે સાધના રહિત તેનો કોઈ મેળ નથી યોગ્ય તક જોઈને તેને પુરી કરવા જે સેવા થાય તેના જેવું કોઈ સાધન નથી. તેના જેવો કોઈ પુરૂષાર્થ નથી. યોગ્ય સમય વિના ઝડતાથી આદરેલી સેવા માલિકને કુરાજી કરવા માટે બની રહે છે અથવા તો તક ચાલી ગયા પછી કરવામાં આવેલ સેવાથી માલિક રાજી થતા નથી. માટે યોગ્ય સમય પારખીને મહારાજની મરજી જાણીને જે કરવામાં આવે ત્યારે શ્રીજી મહારાજ અતિ રાજી થાય છે. જે સમે ભગવાનને જેવું ગમ્યું તેવું જ કરવા તત્પર થઈ રહેવું. તેમાં યોગ્ય-અયોગ્ય જેવું પણ વિચારવું નહિ. મહારાજને મનમાં ઉગ્યું તે જ યોગ્ય સમય, યોગ્ય દેશ, કાળ તમામ યોગ્ય છે એવો અગાઉથી નિરધાર કરી રાખવો અને પોતાની તમામ શક્તિ લગાવીને તે કરી આપવું તો તેના તમામ સાધનો પુરા થઈ જાય છે એવા ભક્તની કરેલી ભક્તિ-સેવા ભગવાનને અતિ વહાલી લાગે છે. તેને સાધનામાં કોઈ વિઘ્ન નડી શક્તું નથી.