ભક્તિનિધિ – કડવું ૧૨

રાગ:- ધન્યાસરી

હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી ।

તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ||1||

રાગ :- ઢાળ

જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઈ તાપ ।

તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ ।।૩।।

વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે ભોજનમાં ભેળિયે ઝેર ।

તે કહો સુખ કેમ આપશે, જેણે કર્યું સુખદશું વેર ||૫||

જે ભૂમિમાં અન્ન ઉપજે, તે ભૂમિમાં વિષ વવાય ।

પછી અમરપણું ઇચ્છવું, તેતો અતિ અવળું કે’વાય ।।૭।।

ડોબું ન ગમ્યું દુઝણું, ભલી લાગી અવિયા ભેય ।

તજી દઇ તાંદુલને, કરી કુકશ સારૂં વઢવેડ્ય ।।૯।।

વિવેચન

સ્વામી કહે છે કે ભગવાનની સાચી ભક્તિને કે ભગવાનના સાચા ભક્તને દ્વેષ કરવાથી પોતાના અંતરમાં કરોડો ક્લેશ આવે છે. દ્વેષ કરનારને ઈચ્છા હોય કે ભક્તને ક્લેશ આપીએ પણ એવું બનતું નથી. સૂર્ય સામે કોઈ ધૂળ ઉડાડે તો તે તેના જ મુખ અને આંખમાં પડે છે સૂર્યથી તો ઘણી જ દૂર રહી જાય છે. જે જે અસદ્. ઉપાયો ભગવાનના સાચા ભક્ત પ્રત્યે યોજ્યા હોય છે તે બધા વ્યાજ સહિત પોતાને પીડનારા થાય છે તેથી પોતે હંમેશા હેરાન હેરાન રહે છે સ્વામી કહે તેમાં સંશય રાખશો નહિ. જળ છે તે દરેકને શિતળતા, તૃપ્તી, પવિત્રતા આપનારૂ છે તે જ જળને કોઈ ગરમ કરે તો તે જ તેને દઝાડ નારૂ થાય. દૂષિત કરે તો પોતાને દૂષિત કરનારૂ થાય તેમાં વધારેમાં વધારે કરનારાને નુકશાન રહે છે. જે અિગ્નિ ઠંડી ને દૂર કરે છે. તેમાં પાણી નાખીએ પછી તેની પાસે બેસીએ ત્યારે ઠંડી દૂર કેમ થશે? તેમ ભગવાનના સાચા ભક્તને દુઃખી કરી કોઈ સુખી થવા ઇચ્છે તે તો આ દૃષ્ટાંત આપ્યા તેવા છે. જે ભોજનથી ભુખ દૂર થાય, તૃપ્તિ થાય છે, પુષ્ટિ થાય છે તે જ ભોજનમાં કોઈ ઝેર ભેળવે પછી તેનાથી સુખ કેવી રીતે શક્ય બને? તેમ જે સુખ આપનાર છે તેની સાથે વેર કરવાથી તે માણસ સુખી ક્યાંથી હોય શકે? ન જ હોય શકે. જે વસ્ત્ર પહેરવાથી લાંજ ઢંકાય છે. રક્ષણ થાય છે તે વસ્ત્રનો ત્યાગ કરીને પોતાને હોંશિયાર માને તે મુર્ખનો સરદાર ગણાય. જે જમીનમાં અમૃત તુલ્ય અન્ન પેદા થતું હોય તેમાં વિષ વાવીએ પછી તેના ફળ ખાઈને અમર થવાની ઈચ્છા કરે તે અતિ ઉલ્ટુ કરે છે. તેમ ભક્તિનો દ્વેષ કે ભગવાનના ભક્તને દ્વેષ કરવો તે ઉપર બતાવ્યા તેવા ઉપાયો છે. અભાગિયા મનુષ્યને પૂર્વના કોઈક પાપને કારણે ભગવાનની ભક્તિનો જ અભાવ અંતરમાં રહે છે બીજુ બધુ

ભગવાનની ભક્તિ વિનાનું લૌકિક-પ્રાકૃતિક હોય તે સારૂ લાગે છે તે ભવસાગરને કેમ તરશે? તે તો પથ્થરના નાવ પર બેઠો છે. સારૂ દુધ આપનારી ભેંસ ન ગમીને જે ક્યારેય દૂધ આપવાની શક્યતા જ નથી એવી વરોળ ગાડરડી જેને વધારે ગમે છે. અન્નના કણ નો ત્યાગ કરીને ફોતરી સારૂ જ ઝઘડો કરે છે તે મૂર્ખતા કહેવાય. પણ ઉધી બુધ્ધિ વાળાને ઊંધુ જ સુજે. સવળુ સુજે જનહિ. એવા માણસને સ્વામી કહે શું ઉપદેશ આપવો?