ભક્તિનિધિ – કડવું ૧૧

રાગ:- ધન્યાસરી

સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ ખોટું ઠેરાવ્યુંજી ।

અણસમઝુંને એમ સમઝયામાં આવ્યુંજી, વણ અર્થે ભક્તિ શું વેર વસાવ્યુંજી ।।૧।।

રાગ :- ઢાળ

પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ ।

તેહ પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ 113।।

પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન ।

તાણ્યાં અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ||૫||

સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે પાડિયા રોળ ।

સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।।

એમ ભક્તને ભય ઉપજાવતાં, નિર્ભય ન રહ્યા કોય ।

આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય ।।૯।।

વિવેચન

સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સમાજમાં એવા પણ તત્વો પડ્યા છે કે જેને પરમાત્માની સાચી ભક્તિ કે સાચા ભક્ત અકારણ ગમતા નથી સાચી ભક્તિ અને સાચો ભક્ત નિરૂપદ્રવી હોય છે. તે કોઈને નડતર રૂપ હોતા નથી. પણ કેટલાંક એવા તત્વો છે કે સાચા ભક્તોની ખાલી હાજરી હોવી જ પોતાના અસ્તિત્વમાં ભયરૂપ ગણે છે તેથી તેની સાથે અકારણ વેર વસાવે છે. પરમાત્માની સાચી ભક્તિ અને ભક્તિ કરનાર વ્યક્તિમાં તેને અનેક દોષો. શીશુપાળની જેમ દેખાય છે. સાક્ષાત્કાર થાય છે. સ્વામી કહે છે કે એવા અણસમજુની સમજણ્યમાં એવું જ ઊગે છે તે આપણે શું કરવું? સ્વામી કહે છે કે ભગવાનના સાચા નિષ્કામ ભક્તો સાથે વેર બુધ્ધિ કરવાથી સરવાળે કોણ ખાટ્યો છે? તેને શું ફળ મળી જાય છે તે તપાસ કરવો ઘટે છે. હિરણ્યકશિપુને પ્રહલાદ સાથે વેર બુધ્ધિ થઈ કે શત્રુભાવ થયો તે કેવળ પ્રહલાદની ભગવાન પ્રત્યે વિશુધ્ધ ભક્તિ અને હિરણ્યકશિપુનો ચોખ્ખો આસુરભાવ સિવાઈ કોઈ કારણ દેખાતુ નથી. પ્રહલાદ તેનો સગો દિકરો હતો. પ્રહલાદની હિરણ્યકશિપુ વિરોધી કોઈ પ્રવૃતિ કે દ્વેષ ન હતો પણ આસુરી તત્વ જ એવું છે કે તે ભક્તિને સહન કરી ન શકે. ભક્તની હાજરીને સહન ન કરી શકે તે દુષ્ટ લોકોને સન્માને ખરા પણ ભક્તને દેખે ત્યાં વગર ઇંધણથી બળી મરે છે.

એવું કરવાથી હિરણ્યકશિપુને કોઈ લાભ થયો નથી. ઉલ્ટું પોતાના પ્રાણ ગુમાવ્યા છે. તે જોવા અને અનુભવવા છતા પણ પાછળના અસુરો પાછુ તેવું જ કરતા હોય છે કોઈ ફેરફાર કરતા નથી કારણકે અસુર તત્વ જ એવું છે. કંસે પ્રથમતો વસુદેવ દેવકીનું ખુબ જ સન્માન કર્યું છે. તેના રથની લગામ લઈને સારથી થઈ બેઠો છે દેવકીને મોટો કરીયાવર આપ્યો છે પણ આકાશવાણીથી ખબર પડી કે આ બન્ને તો ભગવાનના માતા-પિતા બનાવાના છે અર્થાત્ તેઓ તો ભગવાનના સાચા ભક્ત છે એટલી વાતમાં કંસનું માથુ ફરી ગયું બસ એને મારી નાખવા તૈયાર થયો. અંતે પોતાના પાપે મરાયો. દ્રોપદીને કૃષ્ણના અનન્ય ભક્ત જાણીને દુશાસને તેમને દુઃખી કર્યા, વસ્ત્ર ખેંચ્યા તેણે કરીને આખુ કુળ નિકંદન થયું. પાંડવોને દૂર્યોધને દુઃખી કર્યા, તેથી રાજ્ય ગયું. મોત આવ્યું. અને દૂ:ખી દૂ:ખી થઈ ગયો. સીતાજીને રામના અનન્ય ભક્ત જાણીને તેમનું હરણ કર્યું, દુઃખ આપ્યું. તેથી અતોળ દુઃખ આવ્યું છે તેમજ મીરા, નરસિંહ મેહતા, કે મહારાજના અનન્ય સંત ભક્તોને (આંબાનો પ્રસંગ) કષ્ટ આપીને જાતે હેરાન-પાયમાલ થયા છે અને અત્યારે પણ સાચા ભક્તને હેરાન કરીને થાય છે ને ભવિષ્યમાં પણ તેવું જ થવાનું છે ભગવાનના ભક્તના અંતર અતિ નિર્મળ હોય છે તે દુઃખ દેનારાનું પણ ભૂડું ઈચ્છતા નથી. તેને દુઃખ દેવા ઈચ્છતા નથી. પણ તેને ભગવાન ખમી શક્તા નથી. અભિમાનીઓને ભક્તના દ્વેષીઓને સારી પેઠે સફાયો કરી નાખે છે. જે કેગારના લાકડાને બાળવા ચુલ્લામાં નાખતા તેનાથી પાણી છુટે છે ને બીજા સળગતા લાકડાને પણ બુજાવી નાખે છે તેમ તેઓ દુઃખી નથી થતા પણ દુઃખ દેનારાઓના અંતરમાં અગ્નિની લાય લાગે છે. માટે ભગવાનની સાચી ભક્તિ- સેવા કરનારાને ભય ઉપજાવતા કે દુઃખ દેતા કોઈ નિર્ભય રહી જ શક્તા નથી. સુખી થઈ જ શક્તા નથી છેવટે ભક્ત જ નિર્ભય રહે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેને પરમ પદ પામવાની ઈચ્છા હોય તેમણે સાચા ભક્તનો અનન્ય પક્ષ રાખવો તો જ ભગવાનના ધામને પમાશે આટલી વાત જરૂર જાણી રાખવી.