રાગ:- ધન્યાસરી
ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી ।
તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાગજી ।।૧।।
રાગ :- ઢાળ
તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ ।
સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ ।।૨।।
પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુંઝાય ।
ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।।
જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ ।
પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।।
તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ ।
ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।।
વળી આલોકની જે આબરૂં, રહો કે જાઓ જરૂર ।
ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર ।।૬।।
જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક ।
જોઇ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।।
ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ ।
જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।।
જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું છિછરું છે નહિ ।
મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।।
ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી ।
નિષ્કુળાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી ।।૧૦।।
વિવેચન
સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સેવા-ભક્તિ અથવા ભગવાનના ભક્તની સેવા કરવી તે કેવળ પોતાના જીવના કલ્યાણને માટે કરવી અને કેવળ પરમાત્માના-શ્રીજી મહારાજને રાજી કરવા માટે કરવી. પરંતુ લોકલાજથી કે દેખાદેખીથી ભગવાનની કે ભગવાનના ભક્તની સેવા કે ભક્તિ ન
કરવી. લોકમાં આપણે સારા કહેવાઈએ, ભક્ત કહેવાઈએ. ફલાણા ભાઈ કે સ્વામી ભક્તિ કરે છે. સેવા કરે છે તો તેનું સમાજમાં નામ છે અથવા દેહના સુખને અર્થે કે મનની મજા માટે ભક્તિ ન કરવી. પણ જીવના કલ્યાણ માટે અને ભગવાનને કેવળ રાજી કરવા નિષ્કામ ભાવથી જ કરવી. તો જ ભક્તિનો સાચો સ્વાદ આવશે અને યથાર્થ-શાસ્ત્રમાં બતાવેલ ફળ પ્રાપ્ત થાય છે. માટે ભગવાનને- મહારાજને રાજી કરવા છે ને મારા જીવનું કલ્યાણ કરવું છે એવું નિશાન-નિર્ણય લઈને મહારાજની નિષ્કામ સેવા કરવી. તેમાં અનુકૂળતા-આવે પ્રતિકૂળતા આવી પડે, ક્યારેક માન થાય, ક્યારેક અપમાન થાય પણ પોતે લીધેલ નિષ્કામ સેવાના માર્ગમાંથી પાછો ન હઠે પ્રશંશા સુણીને પોરસાઈ જતો નથી અને નિંદા સુણીને મુંજાય જતો નથી. કારણકે પ્રશંશા સાંભળવા માટે તેણે ભક્તિનો આદર કર્યો નથી. તેવા ધ્યેયથી ભગવાનની સેવામાં જોડાયો નથી. ભગવાનનો રાજીપો મેળવવા માટે નિષ્કામ સેવામાં જોડાયો છે તેથી નિંદા-સ્તુતિ સમ થઈ ગયા છે
‘सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ (गी. २/३८)’ ‘सम दुःख सुखः स्वस्थः समलौष्टाश्मकाम्चनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्य निंदा त्मसंस्तुतिः । मानापमानयो स्तुल्य स्तुल्यो मित्रारिपक्षयोः । मां च योऽव्यभिवारेण भक्ति योगेन सेवते ।। (१४/२४- ર૬)”
એવો થઈને ભગવાનની સેવામાં જોડાય છે તે ગુણાતીત સ્થિતિને પામે છે તે પરમાત્માને કે તેના સાચા ભક્તોને રાજી કરી શકે છે. તેને હર્ષશોક ક્યારેય અંતરમાં સવાર થતા નથી. તેના અંતરમાંતો ભગવાનને રાજી કરવાનું કે ભગવાનના સાચા ભક્તને રાજી કરવાનું ધ્યેય સવાર થયું હોય છે જેમ નટ રમતા હોય છે ત્યારે તે વાંસ ઉભોરાખી તે વાંસની ટોચ ઉપર નિરાધાર ઊભો રહે છે ત્યારે તે દોર ઉપર વાંસ લઈને નિરાધાર ચાલે છે હજારો માણસો તેને જોવા ભેળા થાય છે તેના વખાણ કરે છે કે નિંદા કરે છે. તેની સામે નટ ક્યારેય જોતો નથી અને જે તેની સામે જોવા જાય તો કામ બગડી જાય ને દોર ઉપરથી જરૂર નીચો પટકાય પડે. તેને તો એક માત્ર સુરતી રહે છે કે પૂર્વ સમતુલા રાખી સામે છેડે પાર ઉતરી જવું. તેમ ભક્તને પણ તેમ નિશાન રહે છે કે સેવામાં પાર ઉતરી ભગવાનનો રાજીપો લઈ લેવો. ભક્તિ કરતા કરતા બીજા શું કરે છે? મારી સામુ જુએ છેકે નહિ? મારી પ્રશંશા કરે છે કે નિંદા કરે છે? તો તે માર્ગે પાર નહિ ઉતરી શકે ઘણા ભક્તોને ભક્તિ કરતા એવો અફસોસ રહેકે મારી સામે કોઈ જોતું નથી.
મારી મહેનત સામે કે મારી મુશ્કેલી સામે કોઈ જોતુ નથી. તો તે ભગવાનને રાજી નહિ કરી શકે. કારણ કે તેણે તો સામે જોવરાવા માટે આદર્યું છે ક્યારેક ભક્ત કેસેવકના હૃદયમાં એવી અપેક્ષા રહે છે કે મારી આબરૂ વધે. મારો મોભો જળવાય.
અથવા તો આબરૂ ઘટી જવાની બીકે સેવા છોડી દે તો તે કાચો ભક્ત છે તે પુરો ભગવાન પાસે નહિ પહોંચી શકે જેને કેવળ ભગવાનને જ રીજવવા માટે ભક્તિ કે સેવા કરવી છે પણ જેને લોક રીજવવા માટે ભક્તિ કરવી નથી તેને આ લોકના જય-પરાજયથી હરખ કે શોક ન થવો જોઈએ. અથવા ન કરવો જોઈએ. આપણે ભગવાનની ભક્તિ-સેવા કરીએ ત્યારે કોઈને ગમે અથવા ન પણ ગમે. આપણો અવગુણ પણ લે. આસુરી સંપતિના માણસોને ભક્તની પ્રવૃતિ સારી લાગવાની નથી. તેથી તે તો એવું જરૂર કરવાના છે. પણ જેની ભક્તિ કે સેવા કરવા પાછળ મહારાજ સામે નજર છે. જેને પાણીમાં તરતા આવડી ગયું તેને કેટલું ઊંડુ છે કે છીંછરૂ તે નડતું નથી. તેમ બીજાના પ્રતિભાવ સામે જાજુ લક્ષ્ય રહેતું નથી બસ ભગવાન કે તેમના સાચા ભક્ત રાજી થવા જોઈએ લોક રાજી રહો કે ન રહો તેની જાજી પરવા કરતા નથી. જેમ માછલાને અને પંખીને પોતાના માર્ગમાં કોઈ આડેશ આવતી નથી. તેમ ભગવાનના ભક્તને પ્રાકૃત લોકોથી પોતાની જાતને અલગ માનીને ભગવાનની સેવા ભક્તિ કરી લેવી.