ભક્તિનિધિ – કડવું ૦૩

રાગ:- ધન્યાસરી

જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી।

સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી ।।૧।।

રાગ :- ઢાળ

એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ ।

તે શિશુ સમઝણ સેવકની, ત્યાગી તુપને માગી છાશ ।।૩।।

માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ ।

જે પામી પડે પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ।।૫।।

જેમ કણ મૂકી કુકસને,જાચે તુષને તજી તાંદૂળ ।

તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ।।૭।।

જેમ ફોગટ ફૂલ ફળ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં ।

એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ? ।।૯।।

વિવેચન

આ જગતમાં ઘણા ધાર્મિક જીવો છે તેઓ ભગવાનને પ્રસન્ન કરવા જ જપ, તપ, તીર્થ, વ્રત, દાન, પુણ્ય કરે છે. પોતાની સામર્થી પ્રમાણે તમામ કરે છે. તેમા કસર રાખતા નથી. શુધ્ધ ભાવથી ભગવાનને પ્રસન્ન કરે છે પણ પ્રસન્ન કર્યા પછી જગતના નાશવંત અને અલ્પસુખની ઈચ્છા ભગવાન પાસેથી કરે છે તે ભક્તની બાલિશતા ગણાય. મૂર્ખતા ગણાય. તે ઘીનો ત્યાગ કરીને છાશને પસંદ કરે તેવા

ગણાય. તેને મહારાજનો અને મહારાજની સેવાનો મહિમા સમજાયો નથી માટેતેવું કરે છે. જેમ કોઈ ચક્રવર્તી રાજાને પ્રસન્ન કરીને પછી તેની પાસેથી પ્રસન્નતાના બદલામાં ડુંગળી જેવી તુચ્છ વસ્તુ માગે ત્યારે રાજાને પોતાની મોટાઈ સામે જોઈને

તેવી તુચ્છ વસ્તુ આપતા લાજ આવે છે. માટે ભગવાનની સેવા છે તે અલૌકિક નિધિ છે ખજાનો છે પણ તે નિષ્કામ ભાવ પૂર્વક કરવામાં આવે તો તેવી સાબિત થાય છે. માયિક આશા રાખીને કરવાથી ઉલ્ટા તેની કિંમત ઘટાડી દે છે. ભક્તિ

કરવા છતાં ફરી પાછું સંસારનું દુઃખ તેનું તે રહે તેવું ન કરવું. માયિક સુખ માગે ત્યારે જન્મ-મરણ લેવાના જ રહ્યા માટે તેનો જીવમાં વિવેક વિચાર કરવો. જે સુખ મેળવતા જન્મ-મરણ ગર્ભવાસ જેમના તેમજ રહે તો ભગવાનની

ભક્તિનો મહિમાં ઘટી જાય અને તે પણ ભક્તની-આપણી ઊંધી સમજણે કરીને ઘટી જાય તેવું ભક્તને કરવું ઘટે નહિ. જેમ ધાન્યના કણ છોડીને ફોતરાને ઈચ્છવું તે મુર્ખતાની સમજણ ગણાય તેમ મહારાજની મૂર્તિ અને તેમની સેવા મુકી અન્ય ઈચ્છા કરવી તે મૂર્ખતા ભરી સમજણ ગણાય. ચાર પ્રકારની મુક્તિ તો સુખ કારક ગણાય છે તેમાં દુઃખનો લેશ નથી તો પણ મહારાજની સેવાની તુલનામાં છાશ અને ધાન્યના ફોતરા તુલ્ય છે. તેને ઈચ્છવું તે અજ્ઞાની અને મુર્ખતા ભરેલી સમજણ ગણાય. જેમ કેશુડા જેવા ઝાડમાં ફૂલનો ગટાટોપ હોય પણ ફળ કાંઈ નહિ અને ફળ હોય તો પણ ખુવારી કરનારા ને ફજેત કરનારા મળે તેથી કોને શાંતિ મળે? તેમ ભગવાનની સેવા ભક્તિ મેળવી નાશવંત સુખ ઇચ્છવું તે એવું ગણાય છે. માટે મહારાજને રાજી કરીને વિચારીને માંગવું જેથી ખોટ્ય ન જાય.