રાગ:- ધન્યાસરી
ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી ।
જે સારૂં જન કરે છે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।।
રાગ :- ઢાળ
સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ ।
માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।।
જેમ સોનરખથી સોનું કરતાં, જોયે સવા લાખ ચડી-ચોટ ।
એક લાખ તૈયે ઉપજે, જાયે પા લાખની ખોટ ।।૩।।
તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ ।
તે સુખ જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ ।।૪।।
જેમ વટે અમટ અરુણ ફળ, ખાવા કરે કોઇ ખાંત ।
રાતાં છે પણ રસ નથી, એમ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।।
તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઇ હામ ।
જેમ અવલ ફૂલ આવળનાં, પણ નાવે પૂજા માંહિ કામ ।।૬।।
જેમ ત્રોડતાં ફળ તાડતણાં, થાય મહેનતના બહુ માલ ।
ખાતાં થાય બહુ ખરખરો, વળી વાધે શોક વિશાળ ।।૭।।
અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભુંડી વિષવેલ ।
તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ ।।૮।।
પંચ્યાણ આપે પાંચ રોકડા, લપોડશંખ કહે લેને લાખ ।
પણ ગણીને ગાંઠ્યે બાંધ્યાતણી, વળી કોયે ન પુરે સાંખ ।।૯।।
તેમ હરિભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય ।
નિષ્કુનળાનંદ કહે નરને, જાણી લેવું એવું મનમાંય ।।૧૦।। કડવું ।।૮।।
વિવેચન
બીજા સાધનોની લોકમાં ઘણી મોટાઈ પ્રસિધ્ધ છે જ્યારે પરલોકમાં ભગવાનની ભક્તિ કે સેવા તુલ્ય કોઈ પ્રાપ્તિ કરાવનાર છે નહિ. સ્વામી કહે છે એવું હું વિચારું છું. બીજા સાધનોમાં પ્રાપ્તિ થોડીને દુઃખ જાજુ રહ્યું છે તો પણ માણસો તેનું જતન ઘણુ કરે છે એવું જતન ભગવાનની સેવા કરનાર સેવક સેવાની જતન કરતો નથી. એ અજ્ઞાન છે તેને ભક્તિ પદાર્થ શું છે? તે ખબર નથી માટે તેમ થાય છે. જેમાં દુઃખ ખુબ ઘાટા રહ્યા છે ને ફળ કાંઈ નથી તો પણ તેમાં સુખ મનાય તો એ મોટા મુરખની નિશાની છે. જેનું હૈયું ટળી ગયું હોય તો અર્થાત્ મગજનો આંટો ઓછો થઈ ગયો હોય તેને જ એવી ગણતરી હૈયામાં ફીટ બેસે છે. જેમ સોનરખ નદીની રેતી સોના જેવી લાગે છે જે જૂનાગઢ ગિરનાર પાસે આવેલી છે તે રેતીમાંથી શુધ્ધ સોનું મેળવતા સવા લાખનો ખર્ચ કરતા લાખ રૂપિયાનું સોનું મળે તદ્ઉપરાંત મહેનત કરીએ તે વધારાની ખોટ્ય. તેમ શરીરને કષ્ટ આપી સાધન કરે ને થોડુ સુખ મળે વળી પાછુ દુઃખ ચાલુ થઈ જાય તેના કરતા તો તેન કરે તોય સરવાળે વધારે સુખ રહે જેમ વડલાના ટેટા ખુબ લાલ રંગના અને ઉપરથી દેખાવામાં મધુર દેખાય છે પણ તેમાં સ્વાદ નથી અંદર જીવાંત કદબદતી હોય છે. તેવા ભગવાનની ભક્તિ છોડીને બીજા સાધનો જાણવા. તે આપાત રમણીય હોય છે. આવળાના ફુલ સરસ દેખાવના અને ખીલેલા હોય છે પણ તે પૂજામાં કામમાં આવતા નથી. જેમ તાડના ફળ-તાડિયા મોટાને સારા દેખાતા હોય છે પણ તેની મહેનત ઘણી વળી ખાય તો ખરખરો ઘણો થઈ જાય છે આ ક્યાંથી ખાધુ? ન ખાધુ હોય તો ઘણુ સારૂ રહેત? પણ હવે શું થાય? તેમ ભક્તિને ભૂલીને બીજા સાધન ગણાય છે. અમૃત વેલ્ય નાની હોય તોય સારી તે જીવને બચાવી લે છે ને ઝેરની વેલ મોટીને ઘેંઘુર હોય તો પણ બહુ ભૂંડી જેના તેના પ્રાણ લઈ લેશે. તેમ ભક્તિ થોડી હોય. સેવા થોડી થઈ હોય તો સુખથી ભરેલ હોય છે. જેમ પંચાનની શંખલી હંમેશા પૂજા કરતા પાંચ મહોર રોકડા આપે. શાસ્ત્રમાં લપોડ શંખ પણ પ્રસિધ્ધ છે તે આકારે પ્રકારે મોટો હોય છે આવાજ પણ પહાડીને મોટો કરતો હોય છે તેનું પુજન, કરતા તે વચન પણ મોટુ આપતો હોય છે લાખ માગે તો કહે લે સવા લાખ પણ લેવા દેવાનું હોતું નથી. અને કાંઈ અવિનય થાય તો પૂજા કરનારનું માથુ તોડી નાખે તેવો ઊંધો હોય છે તેમ ભક્તિની તુલનામાં બીજા લપોડ શંખ તુલ્ય સાધને ગણાય છે. તેમ ભગવાનના ભક્તએ જાણવું જોઈએ.