ભક્તિનિધિ – કડવું ૦૭

રાગ:- ધન્યાસરી

ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી ।

પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ।।૧।।

રાગ :- ઢાળ

જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ ।

સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ ।૩।।

જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમરમાં અમરેશ ।

તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ ।।૭।।

કર્તવ્ય કરીને કાંઇક પામે, તે વામે કોઇ કાળે કરી ।

ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહે છે શ્રીહરિ ।।૯।।

વિવેચન

સ્વામી બતાવે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તિ સમાન બીજો ઉપાય નથી. કલ્પતરૂ, નવનિધિ, અમૃત, કામદુધા ગાય, બાવના ચંદન, પારસ વિગેરેથી લઈને રૂપમાં કામદેવ સર્વ શ્રેષ્ઠ છે. બધી વસ્તુઓ કે વ્યક્તિઓની શ્રેષ્ઠ તરીકે ત્રિલોકીમાં પ્રસિધ્ધિ છે. તેની પ્રાપ્તિ એ બહુ મોટી પ્રાપ્તિ ગણાય છે તેના સંબંધ માત્રથી વ્યક્તિ ગૌરવ લે છે. પરંતુ એ બધી વસ્તુનું જેમ અથવા તેના કરતા પણ વધારે ગૌરવ અપાવનાર ભગવાનની સેવા છે અથવા તેમના સાચા ભક્તિની સેવા ભક્તિ છે. પણ તેવું જીવને માનતું નથી માટે સ્વામીઆ બતાવી રહ્યા છે. બીજા તમામ સત્કૃત્યો અને ભક્તિ બન્નેમાં ઘણો તફાવત છે સત્કૃત્યોના પુણ્યથી જે પ્રાપ્તિ થાય છે એ ક્ષય પામી જવા વાળી છે. જ્યારે ભક્તિથી અચળ પ્રાપ્તિ થાય છે એમ ખુદ શ્રીજી મહારાજ કહે છે માટે બીજા સાધન જરૂર ભક્તિથી ન્યુન છે.