ભક્તિનિધિ – કડવું ૦૬

રાગ:- ધન્યાસરી

પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી ।

જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ।।૧।।

રાગ :- ઢાળ

જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તુપ ।

જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।।

વિવેચન

સદ્ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જો ભગવાનને પ્રસન્ન કરવા માટેની હામથી ભક્તિ-સેવા કરતા હો તો સેવા ભક્તિ નિષ્કામ ભાવનાથી કરો અને ધર્મસહિત કરો. ધર્મરહિતની ભક્તિથી કે સેવાથી મહારાજ રાજી થતા નથી. ધર્મ સહિતની ભક્તિ સુખનું ધામ છે. તેને તુલ્ય બીજું સાધન આવી શકતું નથી.

જે આ લોકના સુખની આશા મેલીને, પરલોકના સ્વર્ગાદિકના સુખને પણ છોડીને પંચ વિષયના સુખ ઝેર જેવા કરીને ભક્તિ કરે છે તેના ઉપર પરમાત્મા જલ્દી પ્રસન્ન થાય છે. જે ભક્તો ભગવાનની ભક્તિ સેવા પણ કરે છે ને જગતના પંચવિષય હડેડ ગળે ઉતરી જતા હોય, વિષયમાં પણ એટલીને એટલી જ પ્રીતિ હોય તેવા પામર ભક્ત અને તેની સેવા ભગવાનને કપાળના કોઢ જેવી વસમી લાગે છે. તેને સંતાડવો મુશ્કેલ પડે છે. માટે એવા ભક્ત કે સેવક ભગવાનને ગમતા નથી. જેમ વિષયી-પામર ભક્ત ભગવાનને નથી ગમતા તેમ જ મન-મમતની તાણ્યવાળા જે ભક્તો છે, ભક્ત થઈને પણ પોતાના મનનો દુરાગ્રહ કે હઠા ગ્રહ નથી મુકી શક્તા તે ભગવાનને માથાના દુઃખાવારૂ૫ થાય છે જેમ જેમ વધુ ભક્તિ-સેવા કરતા જાય તેમ તેમ ભગવાનને દુઃખાવો વધતો જાય છે. માટે મત- મમત મુકીને ભક્તિ કરવી. અને જગતની પરવા છોડવી. જે જગતની પણ પરવા રાખે છે તો તે ભગવાનને રાજી કરી શક્તો નથી. ભગવાન રાજી થાય ત્યારે જગત રાજી થતું નથી ઉલ્ટુ કુરાજી થાય છે. ભગવાનથી વિમુખ થાય તેમાં જગત કે જગતના માણસો ઘણા રાજી થાય છે. માટે તેની તમા રાખનારો ભગવાનની ભક્તિ કરી શક્તો નથી. માટે ભગવાનનો ભક્ત જગત રાજી થાય કે કુરાજી થાય તેની પરવા કર્યા વિના એક ભગવાનને જ રાજી કરવાની પરવા રાખે છે. ભગવાનની ભક્તિ મહાત્મ્ય સહિત કરવી. પણ પ્રાકૃત માણસની જેમકે રાજાના કામદાર-સેવકો જેમ સેવા કરતા હોય તેમ ન કરવી. પણ મહિમા સમજીને દૃઢ ટેક રાખીને કરવી. ભક્તિમાં કપટ ન કરવું, નિરાળી ભાવનાથી ભક્તિ કરવી, નિષ્કપટ ભક્તિ સુખનો ભંડાર છે. કપટ કરનારો પોતાની જાતને છેતરે છે ભગવાનતો છેતરાતા નથી તે તો અંતરયામી છે. સાચી ભક્તિ સર્વથી શિરમોડ છે, મુગટ સ્થાને છે શોભાનો કળશ છે બીજા સાધન તેને તુલ્ય થતા નથી. જેમ ગળપણમાં સાકર, રસમાં ઘી, વસ્ત્રમાં જકસી શ્રેષ્ઠ છે તેમ સર્વે સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. એવી ભગવાનની ભક્તિ સેવા જેના અંતરમાં ભાવી ગઈ અર્થાત્ હૃદયમાં-જીવમાં રસ પડી ગયો તો સ્વામી કહે છે કે તેને તુલ્ય બીજું કાંઈ થઈ શક્ત નથી.