ભક્તિનિધિ – કડવું ૦૫

રાગ:- ધન્યાસરી

નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી ।

સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ।।૧।।

રાગ :- ઢાળ

મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર ।

અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર ।।૩।।

અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી ।

ભાવે નહિ હરિ ભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી ।।૫।।

પણ વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ।।૯।।

વિવેચન

ભગવાનની ભક્તિ સેવાનો માર્ગ વિઘ્ન રહિત છે. સમજીને દૃઢતાથી તે કરવો જોઈએ. તો તેમાંથી અતિ અલૌકિક સુખ આવે છે. જે સાધકના અંતરમાં પરમાત્માની ભક્તિ કે પરમાત્માની સેવા અને તેને સાચા ભક્તોની સેવાનો સ્વાદ આવી જાય તો ત્રિલોકી ના સુખ તેને માટે મિયાંનની શોભા જેવા થઈ જાય અર્થાત્ ખાલી દેખાવ માત્રના થઈ જાય. મ્યાન તલવાર જેવું અને તલવાર આકારે દેખાતુ હોય પણ તેવું હોય નહિ. તેમ તમામ સુખો તેને તેવા થઈ રહે છે. માટે ભગવાનના સેવકે તેમની સેવાને છોડીને બીજી વસ્તુમાં મન લલચાવવું નહિ. આંકડાના ફળ બરાબર કેરીના ફળ જેવા જ દેખાતા હોય પણ તેમાં શીર સિવાય કાંઈ નીકળતું નથી. તેમ ભગવાનની સેવા સિવાય બીજા ફળ આંકડાના ફળ જેવા ખુંવારી કરનારા હોય છે. એવું મનમાં દધપણે માનીને ભગવાનનો ભક્ત ભક્તિ કરે છે. અને ભક્તિ વિના બ્રહ્મલોક સુધી કોઈ વસ્તુની ચાહના કરતો નથી. તેને ભક્તિ વિના બીજી કોઈ વસ્તુ ભાવતી નથી. સેવા તો કરે છે પણ એક અનન્ય

ભાવનાથી ભગવાનની સેવા કરે છે. ભગવાનની સેવામાં એક તો અનન્યભાવ હોય અને બીજું નિષ્કામભાવ હોય એવી ભક્તિ-સેવા કરવાના કોડ જેના મનમાં હોય તેની તોલ્યે સકામ ભક્તનો મોટો સમુહ હોય તો પણ તેને તુલ્ય થતો નથી. ભગવાનમાં સાચા ભક્તને લોકમોટાઈ ગમતી નથી. તે ક્યારેય ભગવાનની સેવા કરીને તેના બદલામાં લોકમોટાઈ પામવાને ઈચ્છતો નથી. કે લોકમોટાઈ પાછળ દોડતો નથી. તેમજ દેહ સુખને પણ ઈચ્છતો નથી. લોક મોટાઈ કે શરીરનું સુખ ઈચ્છનાર ખરેખર સાચા અર્થમાં ભગવાનની ભક્તિ કે સેવા કરી શક્તા નથી. કરે તો પણ ઉપરનો દેખાવ માત્ર રહે છે. ભગાવનનો સાચો સેવક થવામાં મનનું ગમતું મુકવું પડે છે સેવક થઈને મનનું ગમતું પણ મુકે નહિ તો ક્યારેય માલિકને રાજી કરી શક્તો નથી. માલિકને તેની સેવા કાળ વર્ષમાં કોઈ કોદરા વિગેરે અન્ન આપે તેવી લાગે છે. ન છુટકે-મજબુરી થી તે સેવા માલિકને લેવી પડે છે. અંતરમાં ઉમળકો કે રાજીપો થતો નથી. માટે સેવકે પોતાના મનનું ગમતુ મુકીને માલિકના મનને ગમે તેમ સેવા કરવી જોઈએ. અને ભગવાનની સેવામાં હજુર રહેવું. સેવા કરવામાં ભાવ નિતરતા દિલથી સેવા કરવી જોઈએ. શુષ્ક મનથી સેવા કરવાથી કાંઈ વળતું નથી. બીજું કોઈ મળતું નથી એટલે સેવક સેવા કરે છે. તેનાથી માલિકને તે સેવકને બે માંથી એકેય ને શાંતિ કે આનંદ આવતો નથી. ભગવાનની સેવા તક જોઈને તૈયાર રહીને સેવકને કરવી જોઈએ. સમય ચુકી જઈને માલિકની સેવા કરવાથી રાજી કરી શક્તા નથી. ઉલ્ટી તેવી સેવા કંટાળાનો વિષય બની રહે છે. માટે તેવી કસમયની સેવા ન થઈ જાય તેનો સેવકે ખટકો રાખવો જોઈએ. એવી ભક્તિ કે સેવા ભગવાનને ખુબ જ મીઠી લાગે છે ને તેવો ભક્ત ભગવાન ને ખુબ જ ગમે છે ભગવાન તેના દાખડા ઉપર જ રાજી થાય છે.